સિંધાવદર પાસે એસટી હડફેટે રાજકોટના પ્રૌઢ અને જોધપર પાસે સ્કૂટરસવાર મહિલાનું મોત

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર રોડ પર હુડકોમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રસિકભાઇ છગનભાઇ જેઠવા (ઉ.વ.૬૫) શનિવારે રાજકોટથી જ્યુપીટર ટુવ્હીલર હંકારીને વાંકાનેર ખાતે પૌત્રી નિશાનો જન્મદિવસ ઉજવવા જઇ રહ્યા હતાં. દરમિયાન સિંધાવદર પાસે એસટી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર રસિકભાઇ જેઠવા ચાર બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બસનો ચાલક ચાલુ ડ્રાઇવીંગમાં મોબાઇલ ફોન વાત કરી રહ્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

આવો જ એક બીજો બનાવ વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી ઇલેક્ટ્રિક સ્કૂટર પર જતા એક દંપતિને રસ્તામાં ગંભીર અકસ્માત નડતા બન્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે રહેતા માહમદહુશેન અમીભાઇ શેરસીયા તેમના પત્ની ગુલશનબેન સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર પર પોતાના ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઈલેક્ટ્રીક સ્કુટર આડું કૂતરું ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગુલશનબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું,

આ અકસ્માતના બનાવમાં બાઇક ચલાવતા માહમદહુશેન અમીભાઇ શેરસીયાને પણ શરીરે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.