અનાજ કે કઠોળના ભૂસા પરનો જીએસટી નાબૂદ કરાયો: ઈથેનોલ પરનો જીએસટી ઘટાડાયો
બાયોફ્યુઅલ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લવાયો
નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી એસટી કાઉન્સિલની 49મી બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. આમ તો એક પણ ચીજવસ્તુ પર ટેક્સ વધારાયો નથી ઉલટાનું બે ચીજો પરના એસટીમાં ઘટાડો કરાયો છે.
પશુ આહાર માટે વપરાતા અનાજ કે કઠોળના ભૂસા પરનો જીએસટી ટોટલ નાબૂદ કરી દેવાયો છે. અત્યાર સુધી તો અનાજના ભૂસા પર 5 ટકા જીએસટી લાગતો હતો પરંતુ હવે સરકારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેને રદ કરવાનું એલાન કર્યું છે. જીએસટી રદ થતા પશુઆહાર સસ્તો થઈ શકે છે. કારણ કે પશુઆહારમાં મોટાભાગે અનાજ કે કઠોળના ભૂસાનો જ ઉપયોગ કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે બીજો પણ એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલમાં જે ભેળવવામાં આવે છે તે ઈથેનોલ અથવા તો બાયોફ્યુઅલ પરના જીએસટીમાં પણ ઘટાડાની જાહેરાત કરી છે. હાલમાં ઈથેનોલ પર 18 ટકા જીએસટી લાગતો હતો પરંતુ હવે 5 ટકા ટેક્સ લાગશે. મોટી મોટી રિફાઈનરીઓને ઈથેનોલ પૂરો પાડવામાં આવતો હોય છે જેનો ઉપયોગ પેટ્રોલમાં ભેળવવા માટે થાય છે. આ રીતે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો આવી શકે છે.