તીથવા પાસેની પવિત્ર ભૂમિમાં અધિકમાસ અને શ્રાવણમાસ બે મહિના ધૂન -ભંડારો ચાલશે
વાંકાનેર: અહીંથી દસ કિલોમીટર દૂર તીથવામાં આવેલ પાંચ હજાર વર્ષો પુરાણું પૌરાણિક પ્રાચીન મંદિર જ્યાં પાંડવોએ તપસ્યા કરેલ અને માં કુંતાજી અહીંયા આવેલ અને શ્રી કૃષ્ણ ભગવાન પધારેલા એવી આ પાવન તપોભૂમિ સ્વયંભુશ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પ. પુ. મહંતશ્રી હરિદાસબાપુ તથા શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ અને મંદિરના કાયમી દાતા શ્રી હંસરાજબાપા હાલપરાના માર્ગદર્શન હેઠળ શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરના ભક્તજનો દ્વારા ચાલુ વર્ષે બે શ્રાવણમાસ હોવાથી અને ભક્તજનોના ધ્યાનમાં લઈને પવિત્ર પરસોતમમાસ અધિકમાસ અને શ્રાવણમાસ બે મહિના દરરોજ સવારે ૯ થી સાંજના ૫: ૦૦ વાગ્યાં સુધી ધૂન રાખેલ છે જે સતત ૬૦ દિવસ ધૂન આ પાવન પવિત્ર ભૂમિમાં ચાલશે.
જે ધૂનમાં દરરોજ જુદા જુદા ધૂન મંડળ આવી ધૂન, સકીર્તનની રંગત જમાવશે તૅમજ અધિક માસ અને શ્રાવણમાસ બે મહિના દરરોજ બપોરે ૧૧: ૦૦ થી ૧: ૩૦ સુધી મહાપ્રસાદ (ભંડારા) રાખેલ છે. શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરની પાવન તપોભૂમિમાં બે માસ દિવ્ય ભકિતમય માહોલ વચ્ચે શ્રી ભંગેશ્વર મહાદેવદાદા તથા શ્રી ભીમેશ્વર મહાદેવદાદાની વિશેષ પૂજા અર્ચન થશે. આ જગ્યામાં ભવ્ય શ્રી ઉમિયા માતાજીનું મંદિર આવેલ છે. અહીંયા કુદરતી હરિયાણી વાતાવરણમાં ભાવિકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરનો અનોખો મહાત્મ્ય છે અહીંયા પાંડવોએ આવીને ખુબ જ તપસ્યા કરેલ હતી અને માં કુંતાજી પણ પધારેલા હતા અને શ્રી કૃષ્ણ ભગવાન પણ ત્રણ દિવસ આ જગ્યામાં રોકાયેલ હતા આ જગ્યામાં બે શિવ મંદિર છે. એક ભીમે મહાદેવજીની સ્થાપના કરેલ એટલે શ્રી ભીમેશ્વર મહાદેવ કહેવાય છે અને શ્રી ભંગેશ્વર મહાદેવ સ્વયંભુ પ્રગટ થયેલા છે. હાલના મહંતશ્રી હરિદાસબાપુ અને મંદિરના પ્રમુખ શ્રી હંસરાજબાપા અને શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાના કાર્યો થઈ રહયા છે. અધિક માસ અને શ્રાવણમાસમાં સર્વે ભાવિકોને ધૂનમાં લાભ લેવા મહંતશ્રી હરિદાસબાપુ તથા પ્રમુખશ્રી હંસરાજબાપા હાલપરા દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.