લોહીવાળા કપડા સળગાવી નાખી દીધા
નોવેલ્ટી સ્ટોરની દુકાનમાં કાલે રાત્રે આગ લાગી હતી
વાંકાનેર: સરધારકા ગામે ચેકડેમમાથી મળી આવેલ અજાણ્યા પુરૂષના મૃતદેહના કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે માથામાં પથ્થર મારીને હત્યા નિપજાવનાર બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
મળેલ માહિતી મુજબ તા.૧૫ ના બપોરના સમયે વાંકાનેર તાલુકાના સરધારકા ગામના ઓઢ નામે ઓળખાતા ચેક ડેમમાથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા મૃતકનું નામ રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી રહે.શકિતપરા (હશનપર) વાળો હોવાનુ જાણવા મળ્યું હતુ. વધુમાં મૃતકને જીતેન્દ્ર રબારી તથા ભાવેશ ડાભી સાથે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આગલી મોડી રાત્રીના બોલાચાલી તેમજ ઝગડો થતા બંન્ને આરોપીઓ તેમને માર મારી બાઇકમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા…
બાદમાં ગઈ કાલે મૃતકનું પીએમ કરી ડોક્ટરે બનાવ હત્યાનો હોવાનુ જણાવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુન્હો નોંધી બન્ને આરોપીઓને ધમલપર ચોકડી પાસેથી પકડી પાડયા હતા. બાદમાં આરોપીઓની પુછપરછ દરમિયાન જાણવા મળેલ કે, મૃતક વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે બંન્ને આરોપીઓને ગાળો આપતા ઝઘડો થયો હતો. બન્ને આરોપીઓ તેનું અપહરણ કરી સરધારકા રોડ ઉપર અવાવરુ જગ્યાએ નાના પાણીના ખાડામાં લઈ ગયા હતા. જ્યાં તેઓએ માથાના તથા મોઢાના ભાગે મોટો પથ્થર મારી મૃત્યુ નિપજાવી પથ્થર પાણીના ખાડામાં ફેકી દીધેલ બાદ પાણીના ખાડામા લાશ નાખવા જતા આજુબાજુમાં રહેણાંક મકાન જોવા મળતા લાશને સાથે લઈ જઈ સરધારકા ગામ પહેલા આવેલ પાણી ભરેલ ચેકડેમમા લાશ ફેકી દીધી હતી. બાદમાં બંન્ને આરોપીઓએ તેઓના ઘરે જઈ પોતાના બીજા કપડા લઈ ધમલપર ગામની સીમમા આવી બીજા કપડા પહેરી બનાવ વખતે પહેરેલ લોહીવાળા કપડા સળગાવી નાખી દીધા હતા. હાલ પોલીસે બન્ને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક બે ભાઈ બહેનમાં વચેટ હતો અને બેગમાં ચેઇન ફિટિંગનું કામ કરતો હતો…
નોવેલ્ટી સ્ટોરની દુકાનમાં કાલે રાત્રે આગ લાગી હતી : વાંકાનેરની મોમીન શેરી પાસે આવેલ અતિક નોવેલ્ટી સ્ટોર નામની દુકાનમાં ઉપરના માળે કાલે રાત્રે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિક લોકો અને પોલીસની ટિમ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.