ધર્મમાં રાજકારણ ભળ્યું જ ! !
આગેવાનોએ ભગવાનને પણ ન છોડયા, અલગ અલગ બે બેઠક મળી
વાંકાનેર: વાંકાનેરમાં સ્થાનિક રાજકારણમાં જૂથવાદ ચાલી રહ્યો છે, તે વધુ એક વાર સપાટી પર આવી ગયો છે અને ધર્મને પણ જાણે રાજકારણનો એરૂ આભડી ગયો હોય તેનો વધુ એક પુરાવો મળ્યો હતો, ધારાસભ્ય અને તેમના વિરોધી આગેવાને અલગ અલગ બે બેઠક યોજી હતી અને સાધુ સંતોએ બન્નેમાં હાજરી આપી; પરંતુ આના પરથી એક બાબત નક્કી થઇ કે આઠમે બે શોભાયાત્રા નીકળશેે.
વાંકાનેર શહેરમાં ધર્મમાં પણ જૂથવાદ સામે આવ્યો છે, જેના કારણે એકજ તહેવારની ઉજવણી માટે બે જૂથ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે; જેના ભાગરૂપે બંને જૂથ દ્વારા અલગ અલગ સ્થળે મીટીંગ યોજાઇ હતી. શહેરમાં વર્ષો પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ સહિતની સંસ્થાઓ, સંગઠનો સંતો મહંતો દ્વારા ફળેશ્વર મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું.
ધારાસભ્ય જીતુ સોમાણીએ અલગથી સાધુ સંતો, માલધારી સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બીજી શોભાયાત્રા કાઢવા મિટિંગ બોલાવી હતી, પરંપરા મુજબ નીકળતી શોભાયાત્રાનું સુકાન આ વર્ષે કેરાળા ગામે આવેલા રાણીમા રૂડીમા મંદિરના મુકેશ ભગતને સોંપવામાં આવ્યું છે.
આ બન્ને મિટિંગ બાદ એક વાત નિશ્ચિત બની ગઈ છે કે આગામી જન્માષ્ટમીએ હવે એક નહિ બે શોભાયાત્રા નીકળશે. ત્યારે લોક મુખે એક જ ચર્ચા થઈ રહી છે કે રાજકારણમાં ધર્મ હોવો જોઈએ પરંતુ ધર્મમાં રાજકારણ ન જ હોવું જોઇએ; તેવો પ્રજાજનો નો મત છે. પરંતુ હવે ઉપરથી ખુદ ભગવાન આવે તો જ કદાચ આ જૂથવાદ શમે!
સૌજન્ય: દિવ્ય ભાસ્કર