બંનેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા છે
વાંકાનેર: વાંકાનેર ઢુવા રોડ ઉપર આવેલ શિવમ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને મજૂરી કામ કરતા એક મજૂરને એની પત્નીએ ધારિયું માર્યાની ઘટના બની છે.
મળેલ માહિતી મુજબ ઢુવા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં અર્જુન સુમસિંગ ડામોર (18)ને ધારીયા વડે ઇજા થઈ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
દરમિયાન ઇજાગ્રસ્ત અર્જુનના પિતા સુમસિંગ સાથે ફોન ઉપર વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન તેનો દીકરો અને પુત્રવધુ રૂમમાં હતા, ત્યારે કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે અર્જુન તેની પત્નીને મારવા જતા તેની પત્નીએ ધારિયા વડે તેના પતિ ઉપર હુમલો કરીને માર માર્યો હતો, જેથી ઇજા પામેલા અર્જુનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. બંનેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા છે. પત્નિ કાળીએ જણાવ્યું હતું કે રાતે પતિ અર્જુને સામાન્ય બોલાચાલીમાં ગુસ્સો કરી ઢીકો મારતાં અને કુહાડો ઉગામતાં મને ક્રોધ ચડતાં કુહાડો ખેંચી લઇ તેના માથામાં મારી દીધો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બનાવનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.