રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ધરપકડ થઈ’તી
રાજકોટ શહેરમાં બે વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પોકસો અદાલતે આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફટકારતો કુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ સંત કબીર રોડ પાસેથી ગત તા.6-6-2022 ના રોજ સગીરાનુ અપહરણ કરી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદના આધારે પોલીસે આરોપી સંજય પુંજાભાઈ બારૈયા (રહે. વઘાસીયા તા. વાંકાનેર)ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું
હતું. ચાર્જશીટ બાદ કેસ પોકસો અદાલતમાં ચાલવા ઉપર આવતા પ્રોસિક્યુસન તરફે ફરિયાદીની અને ભોગબનનાર સગીરાની લેવામાં આવેલી જુબાનીમાં બનાવની હકીકતને સંપૂર્ણ સમર્થન કરતા જુબાની આપેલ તેમજ પ્રોસીકયુશન દ્વારા ડોક્ટર અને તપાસ કરનાર પોલીસ
અધિકારીની જુબાની લેવામાં આવી હતી. તેમજ લેખિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલ જેમાં ફરિયાદ મેડિકલ સર્ટી એફએસએલનો અહેવાલ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલ તેમજ સરકાર તરફે સરકારી વકીલ દ્વારા વિસ્તૃત પણે દલીલ
કરવામાં આવેલ અને એવી રજૂઆત કરવામાં આવેલ કે સગીરાની ઉંમર 15 વર્ષ અને આઠ માસની હોય અને તેને લલચાવી ફોસલાવી લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરેલ છે આ તમામ હકીકત પ્રોસિક્યુશન દ્વારા સોગંદ ઉપરની જુબાનીથી તેમજ દસ્તાવેજી પુરાવાઓથી સાબિત
કરેલ છે તેથી આરોપીને તકસીરવાન ઠેરાવી સજા કરવા અંગેની દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે થયેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ પોકસો અદાલતના સેશન્સ જજ જે.ડી. સુથારે આરોપીને કુદરતી રીતે જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.