ઉનાળામાં ડેમમાં પાણી ઓછું થાય પછી ગેટનું જો સમારકામ નહીં થાય તો શહેરીજનોને પરેશાની થશે
પડી ગયેલ ગેટ હાલ તો રિપેર કરી દેવાયો છે, આમ છતાં પાણી વિતરણની પ્રક્રિયા ખોરવાઈ હતી
વાંકાનેર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ- ૧ ડેમનો જુનો ગેટ પડી ગયો હોવાથી પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઇ હતી અને ડેમનો ગેટ પડી જતા ડેમ વિભાગની ટીમે તુરંત હાલ પુરતું રીપેરીંગ કરી નાખ્યું છે. જોકે કાયમી સોલ્યુશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

બનાવની મળતી માહિતી મુજબ મચ્છુ- ૧ ડેમમાંથી વાંકાનેર શહેર અને કુવાડવા સહિતના વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવે છે. મચ્છુ ડેમ- ૧ નો જુનો ગેટ 10 તારીખે પડી ગયો હતો. અગાઉ પણ જુનો ગેટ પડી જતા પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી હતી અને ફરીથી ડેમનો ગેટ પડી જતા પાલિકાના પાણી પુરવઠા વિભાગને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો; જે મામલે અશોક રાવલે જણાવ્યું હતું કે ડેમમાં નગરપાલિકા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે ૨ મોટી અને ૪ નાની મોટર મુકેલી છે. જોકે ગેટ પડી જતા મોટર બંધ થઇ જતા વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થતી હોય છે, અને આ મામલે ડેમ વિભાગના સંબંધિત અધિકારીને જાણ કરી પ્રશ્નના ઉકેલ માટે કહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

જે મામલે ડેમના અધિકારી એન વી પટેલે જણાવ્યું હતું કે સાપ્ટીન તૂટી જતા મુશ્કેલી સર્જાઈ હતી અને પ્રશ્ન અંગે જાણકારી મળતા તુરંત ટીમ કામે લાગી હતી. હાલ પુરતું રીપેરીંગ કરી દેવામાં આવ્યું છે. જોકે અલાઈમેન્ટ મિસમેચ હોય જે હાલ પાણીની સપાટી વધુ હોવાથી રીપેર થઇ શકે તેમ નથી, જેથી પાણીની સપાટી ઓછી થયા બાદ પરમેનેન્ટ રીપેરીંગ કરી દેવામાં આવશે. હાલ પુરતું રીપેરીંગ કરી દીધું છે અને પાણી વિતરણ થઇ શકે તે માટે જરૂરી કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું.
