વાંકાનેર- અંબાજી બસનું ટાયર ફાટતા પતરું તૂટતા મુસાફરનો પગ ફાડી નાખ્યો
તા: 26 ના સાંજના સમયે વાંકાનેરથી નીકળેલી બસને પાલનપુર પાસે અકસ્માત નડ્યો હતો. વાંકાનેર ડેપોની એસટી બસનું અચાનક ટાયર ફાટતા બસની નીચે લગાવવામાં આવેલ લાકડાની તકલાદી પ્લેટ તૂટી જવા પામી હતી.
જેના કારણે બસમાં સવાર એક મુસાફર ગંભીર રીતે ઘવાઇ જવા પામ્યા હતા. જેને લઇ તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે એસ.ટી વિભાગની બેદરકારીને કારણે મુસાફર ધવાતા એસ.ટી. સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
એક જાગૃત નાગરિક દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું હતું કે, ખરેખર એસ.ટી વિભાગને બસમાં નીચે લોખંડની મજબૂત ટકાઉ સારા ગેજની પ્લેટ મૂકવી જોઇ એની જગ્યાએ લાકડાની તકલાદી પ્લેટ મૂકી મુસાફરો અને ડ્રાઇવર-કન્ડકટરની સલામતી ઓછી કરી છે અને એસ.ટી.ને સસ્તું પડે એ માટે એસ.ટી.ની બોડીમાં સસ્તું મટીરીયલ વપરાય છે. જે ચોખ્ખું દીવા જેવું દેખાય છે.
જેને લીધે એક પેસેન્જરને ગઇકાલે ભોગવવું પડ્યું હતું. ખરેખર તો એસ.ટી.ની બસમાં મધ્યમ વર્ગનાં તેમજ ગરીબ માણસો વધુ મુસાફરી કરે છે. જેમાં નાના-નાના બાળકો, વિદ્યાર્થી, વૃદ્ધો તમામ માણસો એસ.ટી. માં મુસાફરી કરે છે. જેની કોઇ સેફ્ટી એસ.ટી. રાખે છે ? જેવા પ્રશ્નો જાગૃત નાગરિકે પ્રસ્તુત કર્યા હતા.
