વાંકાનેર ગ્રાહક સુરક્ષા મંડળની સરાહનીય કામગીરી
ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર પેઢીને રૂપિયા પરત અપાવ્યા
વાંકાનેરના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ કાસીમી સ્ટીલ નામની ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર જાણીતી પેઢી છે. જેથી તેઓને લોખંડ, (સ્ટીલ)ના એંગલ, પાઇપ, પ્લેટ, ચેનલ વગેરે સામગ્રીની જરૂરિયાત રહેતી હોય છે.
ત્યારે વાંકાનેરના કાસીમી સ્ટીલ દ્વારા રાજકોટના લોખંડના વેપારી ત્રિવેદી સ્ટીલ પાસેથી સ્ટીલની વિવિધ આઈટમો મળી કુલ 26,600 નું ઓર્ડર મુજબનું સ્ટીલ મંગાવેલ હતું. ઓર્ડર નોંધાવ્યા બાદ ત્રિવેદી સ્ટીલ રાજકોટને રૂપિયા 26,600 નું પેમેન્ટ ચૂકવી દેવામાં આવેલ હતું.
ત્રિવેદી સ્ટીલે, સ્ટીલનો ઓર્ડર લીધા બાદ પેમેન્ટ પણ જમા લઇ લીધેલ;
કાસીમી સ્ટીલ વાંકાનેર દ્વારા વારંવાર જાણ કરવા છતાં ત્રિવેદી સ્ટીલ રાજકોટ દ્વારા માલ મોકલેલ ન હતો. પરિણામે કાસીમી સ્ટીલ વાંકાનેરના પ્રોપરાઇટરે વાંકાનેર શહેર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી કેસની વિગતો રજુ કરેલ હતી.
વાંકાનેર શહેર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી કિશોરભાઈ ગોસ્વામી દ્વારા ત્રિવેદી સ્ટીલ રાજકોટનો સંપર્ક કરી ઓર્ડર મુજબનો માલ અથવા રકમ રૂ 26,600 મોકલી આપવા જણાવેલ, અન્યથા ગ્રાહક સુરક્ષા હેઠળ કેસ નોંધવામાં આવશે; તેવી વાત કરવામાં આવતા ત્રિવેદી સ્ટીલ રાજકોટે વાતની ગંભીરતા સમજી તારીખ 24/08/2023ના રોજ ગૂગલ પે દ્વારા રૂપીયા 26,600 પરત મોકલી દીધેલ હતા.આમ ગ્રાહક સુરક્ષા મંડળ વાંકાનેરના હોદ્દેદારોના પ્રયાસથી પ્રશ્નનું સુખદ સમાધાન થતાં વાંકાનેર ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ ખરેખર અભિનંદનને પાત્ર છે.