100થી વધુ બહેનોને મળે છે રોજગારી અને કામનો સંતોષ
વાંકાનેર: રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તેમજ દેશમાં માટીના વાસણો માટે આઇએસઆઈ માર્ક મેળવનારા માટીના કારીગર અને પ્રજાપતિ સમાજના હંમેશા કંઇક નવું કરવાના હોંશીલા મનસુખભાઇ પ્રજાપતિના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હોય.
તેમની ટીમે બનાવેલા ગરબા નવરાત્રીમાં અને દીવડાં દીવાળી દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં ઝળહળશે એટલું જ નહીં, આ વખતે તેમની ટીમે માટીમાંથી જ નવ દિવસ અખંડ પ્રજ્જવલિત રહે તેવો અખંડ દીવડો બનાવ્યો છે. સવારની શરૂઆત કંઇક નવું સર્જન કરવાની નેમ સાથે કરનાર મનસુખભાઈને માટીનાં વાસણો, માટીનું ફ્રીઝ, બોટલો બનાવવાની હથરોટી છે. દેશના સીમાડા વટાવી વિદેશમાં પણ જેમના ગરબા અને દીવડા પહોંચે છે
તેવા આ ક્લાકારે આ વખતે કંઇક નવું કરવાની પોતાની ખેવના પુરી કરી છે અને ગરબામાં પણ જાણે ક્લાના પ્રાણ પૂર્યાં છે. સાદા ગરબાથી માંડીને સ્ટોન, ટીકી અને ક્લેરથી શોભતા આ ગરબાની તૈયારીઓ છેલ્લા 10 મહિનાથી ચાલી રહી હતી.
આ ગરબા બનાવવામાં તેમની સાથે 100 થી વધુ બહેનો જોડાય છે અને ગરબામાં પ્રાણ પુરે છે, સાથે રોજગારી મેળવે છે.
ગુજરાતમાં માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિનું ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળે તેવા હેતુ સાથે મનસુખભાઈ કારીગરી કરી રહ્યા છે, જેમાં માત્ર નફાનો હેતુ નથી.
ક્લાત્મક ગરબાની બનાવટ માટે 100થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે અને તેમની ક્લાનો ઉપયોગ થયાનો તેમને સંતોષ મળે છે.
માટીના માણીગર મનસુખભાઈને બાળપણથી જ પિતાના માટીનાં વ્યવસાયમાં રસ પડ્યો હતો, પરંતુ પારંપરિકની સાથે કંઇક નવું કરી બતાવવાની ખેવનાના લીધે આજે તેમની બ્રાન્ડ દેશ વિદેશમાં પ્રખ્યાત બની છે.
પહેલાં ચાકડાથી ગરબા અને દીવડાં બનતાં જે હવે આધુનીક સાધનોથી બનવા લાગ્યા છે અને તેને તપાવવાની પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થતાં ચીજ વસ્તુઓ વધુ ડ્યુરેબલ બની શકી છે.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર