મારકેટ ચોકમાં ટ્રાફિક સમસ્યા
ગંભીર અકસ્માતની રાહ જોવાય છે?
વાંકાનેર હાઇવે પર રિક્ષા અને ઇકો કારચાલકોની ખુલ્લેઆમ પેશકદમી
વર્ષોથી ટ્રાફિક સમસ્યા નિવારવામાં પોલીસ તંત્ર વામણું, દિવસે ને દિવસે વધતી દાદાગીરીથી પ્રજાને ત્રાસ
વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે હાઇવે રેલવે પુલથી અમરસિંહજી હાઈસ્કૂલના નાલા સુધી અને પુલદરવાજા રાજવીર હોટલ સામેનો તથા માર્કેટ ચોકને અગાઉના કલેકટરશ્રીના જાહેરનામા મુજબ નો પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે. હાઈવેના સર્કલ પર અત્યાર સુધીમાં અનેક અકસ્માતોમાં કેટલાય નિર્દોષોએ જીવ ખોયા છે. અમરસિંહજી હાઈસ્કૂલ સામેના નાલા ઉપર લુણસર પાટા તરફ જતી છકડા રીક્ષાઓમાં બેસવા ઉભેલી કોળી મહિલાએ જીવ ગુમાવ્યો છે. બીજા બનાવમાં એક યુવાને પગ ખોયો છે. આ રીક્ષાઓ નાલાથી નીચે આઝાદ ગોલા પાસે જો ઉભે તો ટ્રાફીકથી ધમધમતા હાઇવે પર અડચણ કર્તા રીક્ષાઓથી થતા અકસ્માતો નિવારી શકાય. આ અંગે અગાઉ પણ મીડિયાએ પોલીસખાતાનું ધ્યાન દોરેલું છે.
વાંકાનેર નેશનલ હાઇવે પર છાશવારે જીવલેણ અકસ્માત સર્જાતા હોય, અહીં કાયમ થતી રીક્ષાચાલકો અને ઇકો કાર ચાલકોની પેશકદમી બાબતે અનેક રજૂઆતો છતાં રિક્ષા અને ઈકોનો જમાવડો યથાવત જ રહેતાં પ્રજાજનો વાજ આવી ગયા છે. વાંકાનેર નેશનલ હાઇવે પર મોરબી, ચોટીલા તેમજ આસપાસની સોસાયટીઓમાં જવાના રસ્તે તેમજ સર્વિસ રોડ પર દિવસભર પેસેન્જર વાહનનો જમાવડો જોવા મળે છે, જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પેદા થાય છે. તેમજ અહીથી પસાર થવામાં મહિલાઓ તથા દીકરીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને અનુસંધાને ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી; પરંતુ આજ સુધી આ ચાલકોને હટાવવાની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. સીટી પોલીસ મથકમાં કેટલાય કડક અધિકારી આવ્યા અને ગયા પરંતુ વાંકાનેરની ટ્રાફિક સમસ્યા જૈસે થે જ રહી છે.
વાંકાનેર શહેરના નેશનલ હાઇવે જકાતનાકે મોરબી તરફ, ચોટીલા તરફ અને વાંકાનેર શહેર તરફ તેમજ ભાટિયા સોસાયટી તરફ જવાના સર્વિસ રોડ પર એમ ચારે બાજુના રોડ પર ઈકો અને રિક્ષા ચાલકોનો જમાવડો જોવા મળે છે. આ રિક્ષા અને ઈકો ચાલકો હાઈવેના ચારે બાજુના રોડ પર કબ્જો જમાવી રોડ વચ્ચેથી પેસેન્જરો ભરતા હોય છે, જેના કારણે અહીંથી પસાર થતાં નાગરિકો અને વાહનચાલકોને ભારે તકલીફ પડે છે. તેમજ ટ્રાફિક સમસ્યા ઉદભવે છે, જેના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો બનતા હોય છે. અહીંયા અનેક ટ્રાફિક જામ થવાના કારણે જીવલેણ અકસ્માત સર્જાયા છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે; છતાં આડેધડ વાહનો ઉભા રાખી હાઇવે પર પેસેન્જર વાહનો ખુલ્લેઆમ પેસેન્જર ભરે છે. જેને કોઈનો પણ ડર નથી, જેમાં પોલીસનો ડર છે જ નહીં.
એવી જ રીતે પુલદરવાજા અને માર્કેટ ચોકમાં ઉભતા ખાનગી વાહનોના કારણે એસ.ટી. તંત્રની આવકમાં ચૂનો લાગી રહ્યો છે. અગાઉ થોડાક દિવસો આ વાહનો મણીકણી મંદિર પાસે ઉભા રહેવાનો સિલસિલો શરુ થયેલો. પોલીસખાતાના આંખમીંચામણાંનો સીધો ભોગ લોકો બની રહ્યા છે અને લોકરોષનો ભોગ પોલીસ ખાતું. પોલીસખાતાની આગેવાનોની મિટિંગમાં આ પ્રશ્ને અનેક રજૂઆતો થાય છે, ખાતરી અપાય છે. પણ કોઈ અમલ થતો નથી. તંત્રનો આ સમસ્યા હલ કરવા ઈરાદાનો અભાવ નજરે તરે છે. તંત્ર ક્યારે જાગશે? ગંભીર અકસ્માતની રાહ જોવાય છે?