મેસરિયામાં લોકરોષ ભભૂકી ઉઠયો
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
પોલીસ/ ખાણખનીજ વિભાગની હાજરીમાં જ વાહનો છોડાવી નાસી ગયા
વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામના નાગરિકો લાંબા સમયથી મેસરીયા, અદેપર, સતાપર, તરકિયા, વિનયગઢ, ગુંદાખડા સહિતના ગામોમાં ચાલતી બેફામ ખનીજચોરીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, જેમાં આ વિસ્તારમાં બેરોકટોક પણે ચાલતી ખનીજચોરીથી ખનીજ માફીયાઓ ફુલીફાલી રહ્યા છે, ત્યારે અવારનવાર ઓવરલોડેડ બેફામ દોડતા ડમ્પર ચાલકોના લીધે અકસ્માત સર્જાતા હોય, જેમાં અનેક નાગરિકો આ પિડાનો ભોગ બન્યા છે.


દરમિયાન આજે બેફામ દોડતા એક ડમ્પર ચાલકે કાર અને બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને રસ્તો બંધ કરી ખનીજ ભરેલા વાહનો અટકાવી હોબાળો મચાવી દીધો હતો. જે બાદ તાત્કાલિક ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગ્રામજનો વાટાઘાટો કરતા હતા, દરમ્યાન પોલીસ અને ખાણખનીજ વિભાગની હાજરીમાં જ ખનીજ માફીયાઓ પોતાના વાહનો છોડાવી નાસી ગયા હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..


લાંબા સમયથી આ વિસ્તારના નાગરિકોને ઓવરલોડેડ ડમ્પર, બેફામ ખનીજ ચોરી અને ખખડધજ રોડ-રસ્તાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાઓ હવે ચરમસીમાએ પહોંચી છે, ત્યારે આજે એક ગમખ્વાર અકસ્માત બાદ ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા મેસરીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક અસરથી ગામ પાસેથી પસાર થતો મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો અને ઓવરલોડેડ ડમ્પરો પર કડક કાર્યવાહી કરવા, ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરાવવા અને ગામના ખખડધજ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા સહિતની મુખ્ય માંગણીઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું


