નોકરીએ જતા મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઢીંચણમાં ઇજા થઇ હતી
વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક બાઈક લઈને જઈ રહેલા વાંકાનેરના યુવાનને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પગનો છૂંદો બોલાવી દેતા બાઈક ચાલક યુવાનનો પગ કાપવો પડ્યો છે, અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.31ના રોજ વાંકાનેર મહાવીર સોસાયટીમાં રહેતા વિવેકભાઇ યશવંતભાઇ સોઢા માટેલ રોડ ઉપર આવેલ લેનીસ સીરામીકના કારખાનેથી કારખાનાના ડિજીટલ મશીનનુ ફિલ્ટર લેવા માટે મોરબી આવતા હતા ત્યારે લાલપર ગામ નજીક ટ્રક નંબર-જી-જે-૦૪-એ-ડબલ્યુ-૧૩૭૪ના ચાલકે પાછળથી હડફેટે લઈ અકસ્માત સર્જતાં વિવેકભાઈના જમણા પગમા ઢીચણના નીચેના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી કિષ્ના હોસ્પીટલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ જેનીસીસ હોસ્પીટલ ખાતે દાખલ કરતા સારવાર દરમ્યાન જમણો પગ ઢીચણથી નીચેના ભાગે કાપવો પડ્યો હતો.

આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અકસ્માત સર્જીને નાસી છુટતા હાલમાં મોરબી તાલુકા પોલીસે વિવેકભાઇ યશવંતભાઇ સોઢાની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
