વાંકાનેર: મુખત્યારનામાના આધારે થયેલા વેચાણ વ્યવહાર કાયદેસર નથી તેવું ઠરાવી વાંકાનેર સીવીલ કોર્ટે વેચાણ દસ્તાવેજ સેટએસાઇટ કરવાનો કરેલ હુકમ હતો. અને વાદીઓને ખેતી કરવામાં અંતરાય અવરોધ કરવો નહીં તેવો મનાઇ હુકમ પ્રતિવાદીઓ વિરૂદ્ધ ફરમાવેલ હતો.
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમ જમીન સર્વે નં. ૧રપ પૈકી એ. ૬-૦૯ ગુંઠાની જમીન સબંધમાં પંચાસીયાના રહીશ સાજીભાઇ અહમદભાઇ વિગેરેએ વાંકાનેરના પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં દાવો દાખલ કરેલો. અને સદરહુ દાવાના કામે એવી રજુઆત કરવામાં આવેલી કે, સદરહુ ખેતીની જમીન વાદીના કબજા ભોગવટા અને માલીકીની છે. સદરહુ જમીન વાદીએ પંચાસીયાના રહીશ ખોરજીયા મોહમદભાઇ મીરાજીભાઇ વિગેરેને વેચાણ દસ્તાવેજથી કબજો ભોગવટો તથા માલીકી સોંપી આપેલ નથી. પરંતુ માત્ર આ પક્ષકારો વચ્ચે નાણાંકીય લેતીદેતીના વ્યવહાર અંગે સીકયુરીટી માટે દસ્તાવેજ કરવામાં આવેલો પરંતુ સદરહુ જમીનનો કબજો ભોગવટો તથા માલીકી મોહમદભાઇ મીરાજીભાઇ વિગેરેને સોંપવામાં આવેલ ન હતી અને દાવા તારીખે પણ સદરહુ જમીન પર વાદીનો કબજો ભોગવટો અને માલીકી છે. તેવું જણાવેલ હતું. તેમજ સદરહુ દાવામાં ખોરજીયા માહમદભાઇ મીરાજીભાઇને શીવાભાઇ ડાયાભાઇની તરફેણમાં મુખત્યારનામુ કરી આપવાનો હકક કે અધિકાર નથી. તેમજ તે મુખત્યારનામાના આધારે પોતાના પત્ની ભાણીબેન શીવાભાઇને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો કોઇ હકક કે અધિકાર નથી. આમ જયારે આ મિલકત અંગે માહમદભાઇ મીરાજીભાઇને કોઇ માલીકી હકક પ્રાપ્ત થતો ન હોય ત્યારે તેમને મુખત્યારનામું કરી આપવાનો હકક કે અધિકાર નથી કે મુખત્યાર દ્વારા વેચાણ દસ્તાવેજ કરી આપવાનો હકક કે અધિકાર નથી.
આ સબંધમાં સીવીલ કોર્ટ સમક્ષ પુરાવો રજુ કરવામાં આવેલો અને આખરી સુનાવણી વખતે વાદી તરફે એડવોકેટ એમ.એફ. બ્લોચ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે, ખોરજીયા માહમદ મીરાજીની તરફેણમાં કોઇ વેચાણ વ્યવહાર થયેલ નથી. અને અસલ દસ્તાવેજ પણ વાદીના કબજા ભોગવટામાં છે. આ અંગેની રેવન્યુ ઓથોરીટી સમક્ષ અલગ અલગ સમયે તકરારો ચાલેલી. અને દરેક વખતે રેવન્યુ ઓથોરીટી દ્વારા રજીસ્ટર દસ્તાવેજ દ્વારા થયેલી નોંધ નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલો. અને દાવાવાળી જમીન વાદીના કબજા ભોગવટામાં છે. અને તેમાં વાદી જ ખેતી કરે છે તેવું ઠરાવેલું. તે હુકમ સામે કોઇપણ પ્રકારની અપીલો કરવામાં આવેલ ન હતી.
સીવીલ કોર્ટે વાદીનો દાવો મંજુર કરવાનો હુકમ કરેલ છે અને પ્રતિવાદીની તરફેણમાં થયેલો વેચાણ દસ્તાવેજ પ્રતિવાદી સાબીત કરી શકેલ નથી કે અવેજ ચૂકવવામાં આવેલ હોય અને કબજો ભોગવટો સંભાળવામાં આવેલ હોય તેવું સાબીત કરી શકેલ નથી. તેમ ઠરાવીને વાદીનો દાવો મંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ અને સર્વે નં. ૨૧૫ એ.૬-00 ગુંઠાની જમીન પર આ દસ્તાવેજથી પ્રતિવાદીને કોઇ કબજો ભોગવટો કે માલિકી પ્રાપ્ત થતા નથી તેવું ઠરાવવાનો હુકમ કરેલ છે. અને મુખત્યારનામુ કરવાનો પ્રતિવાદી નં. ૧ થી ૩ ને કોઇ હકક કે અધિકાર નથી તેવું ઠરાવેલ છે. અને સદરહુ જમીનમાં વાદીઓને ખેતી કરવામાં અવરોધ કે અટકાયત કરવાનો અધિકાર નથી તેવું ઠરાવી તે સબંધમૉ પ્રતિવાદીઓ સામે મનાઇ હુકમ ફરમાવેલ છે. આ કામમાં વાદી તરફે એડવોકેટ એમ. એફ. બ્લોચ તથા સાહીલ એમ. બ્લોચ રોકાયેલ હતા.
