વાંકાનેર: સારી વાત છે કે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો રજૂઆતો કરે છે, પત્રો દ્વારા કે સમૂહમાં આવેદનો આપીને. પછી તે પીજીવીસીએલના પ્રશ્નો હોય, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ હોય, પયગંબર સાહેબની બેઅદબીનો સવાલ હોય કે પછી રસ્તા રીપેરીંગની બાબત હોય. જોવામાં આવી રહ્યું છે કે વાંકાનેર કોંગ્રેસનો આ શિરસ્તો ચાલી રહ્યો છે. એમનું વાહન ‘ફર્સ્ટ ગિયર’માં જ રહે છે, પછી આથી આગળ વધતું નથી.
રાજકોટમાં સ્મશાનના લાકડાનો ભ્રષ્ટાચારના પ્રશ્ને પ્રતિકરૂપ લાકડા લઇ કોંગ્રસીઓ રેલી કાઢે છે, વાંકાનેર તાલુકામાં લાખો- કરોડોના ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ ચૂપ રહી છે, પછી તે નકલી ટોલનાકાનું, તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગનું કે પછી કિડ્ઝલેન્ડ સ્કૂલના સંચાલકનું કૌભાંડ હોય, આવા મુદ્દે મોઢા પર અલીગઢી તાળું લાગી જાય છે. ન તો કોઈ આવેદન અપાય છે કે ન તો બે લીટીનો કોઈ પત્ર લખાય છે. નૈતિક શક્તિનો ઉઘાડો અભાવ દ્રષ્ટિગોચર થાય છે. (તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ) મોરબીમાં રસ્તાના ખાડાઓમાં ભાજપના કમળના નિશાનવાળા ફ્લેગ ખોડાય છે, એવું નથી કે વાંકાનેરના રસ્તા મોરબીથી સારા છે, જો રાહુલ ગાંધી દેશભરની પદયાત્રા કરી શકતા હોય તો વાંકાનેર કોંગ્રેસ ખરાબ રસ્તાઓ માટે એક કી.મી.ની પદયાત્રા કરી વહીવટી તંત્રને ઢંઢોળી ન શકે? પરંતુ અહીં કોણ જાણે લોકોને હેરાનગતિના આવા પ્રશ્ને પણ કોંગ્રેસીઓ મૌન રહેવાનું જ પસંદ કરે છે, રજૂઆતો કે આવેદનો આપવા માત્રથી ફરજ પુરી થઇ જતી નથી. એ તો ફર્સ્ટ ગિયર છે, પછી ‘ઘરઘુસલી’ બનવું સારું નથી. ધરણા, બંધનું એલાન, પ્રતીક ઉપવાસ જેવા લોકશાહી ઢબે વિરોધ કરવાના શસ્ત્રો છે જ, જે કમનસીબે અજમાવતા નથી. ભાજપમાં ધાર્મિક કાર્યક્રમ માટે ઇચ્છિત સ્થળ ન મળે તો ઉપવાસ કરાય છે, કોંગ્રેસમાં આવી લડાયક વૃત્તિ ક્યારે આવશે? માસ્તરપણું છોડી આક્રમક મિજાજ ક્યારે અપનાવાશે? કોંગ્રેસે ભાજપ પાસેથી શીખવું જોઈએ, મતદારો ગાંડા નથી કે ભાજપમાં મતદાન કરે છે. જો અપનાવાય તો લડાયક વૃત્તિ કે આક્રમક મિજાજની મુલવણી લોકો કરશે જ. વિઠલ રાદડિયાની થતી હતી એમ જ.
રાહુલ ગાંધીની દેશ સ્તરની પદયાત્રા પછી કોંગ્રેસની સ્થિતિ ઘણી સુધરી છે, નાસીપાસ થવાની જરૂર નથી. સ્થાનિક સ્તરે ધારાસભા અને તાલુકા પંચાયત ગુમાવ્યા પછી પરત મેળવવા બમણા પ્રયત્નો થવા જોઈએ, જે થતા નથી, હમણાં નગરપાલિકાની ચૂંટણી આવશે, કોંગ્રેસ ક્યાં છે? અત્યારથી જ વોકઓવર આપવો પક્ષ માટે ઠીક નથી. પગે ‘કીડીઓ’ નથી ચડતી? જો આમને આમ ચાલશે તો કોંગ્રેસનું આગામી સમયમાં યાર્ડ, સહકારી સંઘમાં પણ ‘ધબો નારાયણ’ થશે. જોતા નથી… એક તબક્કે ભાજપી મોમીનને સમાજ વિરોધી ગણવામાં આવતા હતા, ભાજપી મિત્રને ‘કેમ છો?’ કહેવાનો આચાર પણ ટીકાપાત્ર બનતો હતો, આજે એ જ મોમીનો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ફોટા પણ પ્રકાશિત કરે છે- કોઈ છોછ નથી. મોમીનોને કોંગ્રેસ કરતા ભાજપ પક્ષ ભલા કેમ સારો લાગે છે, ભાજપી મોમીનો ‘શિંદે’ કે ‘અજીત પવાર’ બને તે પહેલા એમને પાછા વાળવા કોંગ્રેસે કદી વિચાર કર્યો છે? આત્મમંથન કર્યું છે? પદ ભોગવવાના ઇચ્છુક કોંગ્રેસીઓની લાઈન લાગી છે, ‘એમનું’ શું? ગઈ ધારાસભાની ચૂંટણીમાંથી કંઈક તો શીખ મેળવો ! યાદ રાખો કે મચ્છુ નદીમાં સતત પાણી વહી રહ્યા છે.
કબૂલ છે કે સરકાર કોંગ્રેસની નથી, કામ કઢાવવાની મર્યાદા હોઈ શકે, સરકાર ન બને તો કઈ નહીં, કોંગ્રેસના કામ અટકે નહીં એવી ‘આભા’ તો બનાવો, ફર્સ્ટ ગિયરમાંથી હવે સેકન્ડ ગિયરમાં તો આવો. ધારાસભ્યને મળતી ગ્રાન્ટ બધા પક્ષના ધારાસભ્યને સરખી જ મળતી હોય છે, વીતેલી ટર્મમાં કેટલા વિકાસકામોના ખાતમુહૂર્ત થયા? અત્યારની જ વાત કરીએ, અમિત શાહના ડો. આંબેડકર અંગેના નિવેદને કોંગ્રેસે આવેદનપત્ર આપી રાજીનામાની માંગ કરી છે, સંદેશ દલિત આગેવાનો સુધી પહોંચ્યો, પછી હવે આગળ શું? આ સંદેશ દલિતોના નીચલા વર્ગ સુધી જાય એ માટે કોઈ આયોજન ખરું? આગેવાનોનું પોતાનું હીત હોય છે- રાજકારણ હોય છે, મતદારોનું કોઈ રાજકારણ હોતું નથી, ટોણો મારવાની વાત નથી, પણ કિરણ પટેલની લોકસભાની ચૂંટણી વખતે મીરસાહેબે ભાજપનો પ્રચાર કરેલો, પરિણામ નજર સમક્ષ છે….
દુનિયામાં સત્તા પરિવર્તન થતું જ હોય છે, જે આજે છે તે કાલે નહીં હોય, જે કાલે હશે તે પરમદી’ નહીં હોય, લોકોના પ્રશ્નો અંગે કાર્યક્રમો એવા આપો કે જનતા ઢંઢોળાઇ જાય, મેદાનમાં આવો, રાજકીય જમીન બનાવો- મજબૂત કરો, બની શકે કે આગામી સમયચક્ર તમારી તરફ ગતિમાન થાય…!! લોકશાહીમાં તમારી પણ જરૂર છે, ગિયર બદલો…!!!