ટંકારાના નવા TDO ભીમાણી
આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની હોઈ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો શરૂ થયા છે. ચૂંટણી પૂર્વે સુચારુ અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા માટે ગર્વમેન્ટ ઓફ ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) સહિતના અધિકારીઓની વ્યાપક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ કેટલાક અધિકારીઓની બદલી તેમની સ્વવિનંતી આધારે કરવામાં આવી છે, જ્યારે કેટલાક અધિકારીઓને જાહેર હિત, કાર્યક્ષમતામાં વધારો અને વહીવટી સુચારુતા જાળવવા માટે નવી જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં નિષ્પક્ષતા જળવાઈ રહે તે હેતુસર આવી બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. તાલુકા વિકાસ અધિકારીઓ ગ્રામ્ય વિકાસ યોજનાઓ, પંચાયત કાર્યો અને શાસકીય યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તેમની બદલીને ચૂંટણી સાથે જોડાયેલા સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશમાં 59 અધિકારીઓના નામ અને તેમની નવી નિમણૂકની વિગતો દર્શાવવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા કાર્યસ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે વહીવટી વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો પર તેની અસર કેવી રહેશે તે અંગે પણ ધ્યાન કેન્દ્રિત થયું છે.
વાંકાનેરના પાયલબેન ભરતભાઈ ચૌધરીની ચીટનીશ ગ્રામવિકાસ કમિશ્નર કચેરીમાં સ્વ વિનંતીથી બદલી થઇ છે, પડધરીના ગૌતમકુમાર પ્રભુલાલ ભીમાણીની ટંકારામાં સ્વ વિનંતીથી બદલી કરવામાં આવી છે….
