રિમાન્ડ પૂરા થતાં આરોપી જેલ હવાલે: ટીપરને પકડવા માટે તજવીજ કરવામાં આવી
વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું.


જો કે, વૃદ્ધને સમયસર તેની જાણ થઇ જતાં તેને જમીનનું કૌભાંડ આચારનાર બે મહિલા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી; જેના આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ દરમ્યાન ટીપર દિલીપસિંહ ઝાલાનું નામ સામે આવ્યું છે, જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. પહેલા પકડાયેલા આરોપીના છ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.


આ બાબતની ફરિયાદના આધારે પોલીસે આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની ધરપકડ કરી હતી અને તેના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ દરમ્યાન પીઆઇ કે.સી.છાસિયા અને તેની ટીમ દ્વારા ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે; છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદની અસારવા તલાટી ઓફિસે તપાસ કરવામાં આવી હતી. જો કે, ત્યાંથી કોઈ સંતોષકારક માહિતી મળી નથી પરંતુ અધિકારીના કહેવા મુજબ આવી જ રીતે જમીન કૌભાંડની તપાસમાં ઘણી વખત અસારવા તલાટી ઓફિસે તપાસ કરવા પોલીસ આવે છે; તેવું ત્યના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે.



વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીને વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા દિલીપસિંહ ઝાલા નામના શખ્સે જમીન બતાવી હતી; જેથી કરીને આ ટીપરને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.