એક વર્ષથી ઠપ્પ પડેલી કામગીરી શરૂ કરવાની નવા ચીફ ઓફિસરની હૈયા ધારણ: સાડા નવ કરોડનો અંદાજિત ખર્ચ થશે
વાંકાનેરમાં એક વર્ષ પહેલાં જેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, તે ઉદ્યાનનું કામકાજ કોઇ કારણોસર બંધ રહ્યું હતું, અને લોકોને એક તબક્કે લાગતું હતું કે રળિયામણા બગીચાની સુવિધાનું સ્વપ્ન સાકાર નહીં જ થાય; પરંતુ તાજેતરમાં જ વાંકાનેરના ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળનારા અધિકારીએ એવી ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં કરોડોના ખર્ચે બનનારા ઉદ્યાનનું કામ શરૂ થશે.




એક વર્ષથી વધુ સમય પહેલાં ધારાસભ્ય જીતુ સોમાણી સહિત પૂર્વ નગરપાલિકા પ્રમુખ તથા નગરસેવકો સહિત પાલિકાના કર્મચારીઓ સાથે પ્રજાજનોની ઉપસ્થિતિમાં લગભગ સાડા નવ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બગીચાનું મુહૂર્ત કરાયું હતું, મુહૂર્ત બાદ નામ પૂરતી જ કામગીરી હાથ ધરાઇ હતી.
શહેરમાં જૂની પાલિકા સામે નહેરુ ગાર્ડન નામનો બગીચો બનાવવાનું આયોજન હતું, જેની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી હતી. જેનો અંદાજિત ખર્ચ સાડા નવ કરોડ રૂપિયાનો અંદાજવામાં આવ્યો હતો. પરંતુ કોઇ કારણોસર કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. કામગીરી દરમ્યાન પાલિકા સુપરસિડ થતાં પાલિકામાં ચીફ ઓફિસરની અવાર નવાર બદલીઓ થતાં બગીચાની કામગીરી ખોરંભે ચડી ગઈ હતી, પરંતુ ચીફ ઓફિસર 18 મહિનામાં બગીચાની સુવિધા આપવાની ખાતરી આપી છે.