જયારે કેનાલની સફાઈ બાદ મચ્છુ-૨ નો ખેડૂતોને ૧૦ તારીખથી લાભ મળશે
વાંકાનેર: મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમ પૈકીના સિંચાઈનું પાણી પૂરું પાડતાં ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આયોજન પૂર્વક આપી શકાય અને પાણીનો વધુમાં વધુ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે, તે માટે તાજેતરમાં સિંચાઈ સમિતિના સભ્યો, ગામના આગેવાનો, ખેડૂત આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી; જેમાં આગામી ૨૦ તારીખ પછી મચ્છુ-૧ અને આગામી ૧૦ તારીખ પછી મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.
મચ્છુ-૧ ડેમ, મચ્છુ-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે. ખેડૂતોના ખેતરોની અંદર કપાસ મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, આ પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે અને હાલમાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી આપવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે; કેમ કે, નજીકના દિવસોમાં વરસાદ પડે તેવા કોઈ એંધાણ પણ દેખાતા નથી.
જેથી કરીને સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં ઉભા પાક જે છે તેને બચાવવા માટે થઈને નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી છોડવામાં આવ્યું છે. નર્મદાના પાણી થકી હાલમાં જુદા જુદા વિસ્તારની અંદર ખેડૂતો પોતાના ખેતરની અંદર પાકને સિંચાઈનું પાણી આપીને પાક બચાવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં મચ્છુ-૧ અને મચ્છુ -૨ ડેમના કમાન્ડ વિસ્તારમાં જે ગામ આવે છે તે ગામના આગેવાનો, સિંચાઈ સમિતિના સદસ્યો અને અધિકારીઓની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યું છે કે કેનાલની સફાઈ કર્યા વગર જો કેનાલમાં પાણી છોડવામાં આવશે, તો ખેડૂતોને પાણી મળે તેના કરતાં પાણીનો બગાડ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે; જેથી કરીને કેનાલની વ્યવસ્થિત રીતે પહેલા સફાઈ થાય અને સફાઈ થયા બાદ પાણી છોડવામાં આવે તો કેનાલમાં છોડવામાં આવતા પાણીનો વધુમાં વધુ ઉપયોગ ખેડૂતો સિંચાઈના પાણી માટે કરી શકશે.
જેથી કરીને મોરબીના મચ્છુ-૧ ડેમની જે ૧૬૦ કિલો મીટરની મુખ્ય કેનાલ છે તે કેનાલની સફાઈ આગામી ૨૦ તારીખ સુધી કરવામાં આવશે અને મુખ્ય કેનાલની સફાઈ થઈ ગયા બાદ તેમાં સિંચાઈ માટેનું પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.