આંગણવાડી વિભાગમા ચાલતી લોલમલોલ અટકાવવા ડીડીઓ દ્વારા નવતર પ્રયોગ શરૂ
મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ જાડેજાની નિમણુંક બાદ એક પછી એક વિભાગોને પોતાની સાચી કામગીરીનું ભાન કરાવવા માટે સુધારાવાદી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે તલાટીઓ બાદ હવે આંગણવાડી વિભાગમા ચાલતી લોલમલોલ અટકાવવા ડીડીઓ દ્વારા નવતર પ્રયોગ શરૂ કરી દરરોજ દરેક આંગણવાડીમાં બાળકોને શું શું નાસ્તો પીરસાયો સંખ્યા કેટલી સહિતની બાબતનો રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે.
મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જૂન માસથી સ્પેશ્યિલ એક ટીમ બનાવી જિલ્લા પંચાયતના જુદા જુદા વિભાગના કર્મચારીઓની હાજરી અને કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી રહી છે જેમાં ફિલ્ડમાં હોય તે તેમજ તલાટીઓ, ગ્રામ સેવકો, આરોગ્યના કર્મચારીઓ સહિતના યોગ્ય રીતે અને સમયસર પોતાની ફરજ નિભાવી છે કે કેમ તેના માટે વિડીયોકોલ મારફતે એ લોકોની હાજરી ચેક કરવામાં આવે છે. એ જ રીતે જૂન માસથી શરૂ થયેલું ચેકિંગમાં અત્યાર સુધીમાં એક આરબીએસકેના કોન્ટ્રાકટ બેઝ ડોક્ટરને છૂટા કરી દેવામાં આવ્યા છે., જયારે છ આરોગ્ય કર્મચારી, એક ગ્રામ સેવકનો પગાર કાપી લેવાયો છે તેમજ 10 જેટલા તલાટીઓને તાકીદ કરી અને નોટિસ પણ આપવામાં આવી છે અને ડીડીઓના આ પ્રયાસથી બીપરજોય વાવાઝોડામાં પણ સારી એવી કામગીરી કર્મચારીઓ કરી હતી.
હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ ક્લાસ વન ટુ અધિકારીઓને પણ હાજરી લેવામાં આવે છે અને આ સફળતા બાદ હવે આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ અને મેનુ પ્રમાણે યોગ્ય રીતે આહાર મળે છે કે કેમ તે અંગે ડીડીઓની ટીમના ડેનિષભાઈ ઝાલરીયા સહિતના સ્ટાફ દ્વારા જુદી જુદી આંગણવાડીમાં વિડીયો કોલ કરવામાં આવે છે અને વિડીયોકોલ મારફત જ આજે શું રસોઈ બનાવી છે તે બતાવવાનું હોય છે આ ઉપરાંત સફાઈ યોગ્ય રીતે છે કે નહીં વગેરે અંગેની પણ ચકાસણી કરવામાં આવે છે અને આંગણવાડીનો સ્ટાફ નિયમિત છે કે કેમ તે અંગેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.આમ, ડીડીઓ ડી.ડી.જાડેજાના પ્રયાસથી જિલ્લા પંચાયતના જુદા જુદા વિભાગના કર્મચારીઓ દોડતા થઈ ગયા છે, સમયસર આવતા થઈ ગયા છે જેનાથી લોકોના કામ પણ સરળ થઈ ગયા હોવાનું ફલિત થઈ રહ્યું છે.