સાંસદોનો પગાર કેટલો હોય છે?
કઇ કઇ સુવિધાનો ઉઠાવી શકે છે લાભ?
લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કાના મતદાન કાલ 26 એપ્રિલના થશે.
પ્રજાના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં બેસતા સાંસદો સરકારમાંથી અનેક ભથ્થા મેળવી રહ્યાં છે. એક સંસદસભ્ય જ્યારે ચૂંટાઇને પાર્લામેન્ટમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને મહિને ઓછામાં ઓછાં 3.40 લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળતા હોય છે.
સંસદના સત્રમાં હાજરી આપવા દૈનિક 2000 રૂપિયા અપાય છે. એટલું જ નહીં, સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધે છે. તેઓ કાર્યકાળ માટે ભાડામુક્ત આવાસની સુવિધા પણ મેળવે છે.
મહત્ત્વની બાબત એવી છે કે તેમનો પગાર અને ભથ્થાં ટેક્સ ફ્રી હોય છે. આ સાંસદ જ્યારે નિવૃત થાય છે તેઓ અને તેમનું ફેમિલી પેન્શન મેળવવા હક્કદાર બને છે જેની રકમ સાંસદના કાર્યકાળ પ્રમાણે પ્રતિ માસ 25 હજારથી 39 હજાર રૂપિયા સુધી હોય છે.
સાંસદને દર મહિને 70 હજાર રૂપિયા લોકસભા વિસ્તારના ભથ્થાના રૂપમાં મળે છે. આ સિવાય સાંસદને દિલ્હી સ્થિત પોતાના ઘર કે દિલ્હીની ઓફિસમાં ટેલિફોન લગાવવા પર કોઇ ચાર્જ આપવો પડતો નથી, તેને 50 હજાર ફ્રી લોકલ કોલની સુવિધા મળે છે. સાંસદને દર મહિને ઓફિસ ખર્ચ ભથ્થા તરીકે 60 હજાર રૂપિયા મળે છે.
એક સાંસદને એક પાસ પણ આપવામાં આવે છે જેની મદદથી તે કોઇ પણ સમયે રેલ્વેમાં મફત મુસાફરી કરી શકે છે. આ પાસ કોઇ પણ ટ્રેનની ફર્સ્ટ ક્લાસ એસી અથવા એક્ઝિક્યુટિવ ક્લાસમાં માન્ય ગણાય છે.
કામ માટે વિદેશ પ્રવાસ કરવા પર પણ સાંસદને ભથ્થુ આપવામાં આવે છે. ટિકિટની સુવિધા વિદેશથી પરત આવવા પર પણ મળે છે. આ સિવાય તેને મેડિકલ ફેસિલિટી પણ મળે છે.
એક સાંસદ પોતાના વિસ્તારમાં વિકાસ કામ સિવાય જનતા સાથે જોડાયેલા મુદ્દા અને સવાલોને સંસદમાં ઉઠાવે છે. સંસદમાં જ્યારે કોઇ કાયદો પાસ થવાનો હોય છે તો સાંસદ વોટિંગ કરે છે. આ સિવાય તે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ સીધી ભૂમિકા ભજવે છે તો કેટલીક સમિતિમાં પણ નિમણુંક થતી હોય છે