વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કાર્યક્ષેત્ર (1) પીપળીયા રાજ (2) કોટડા નાયાણી (3) પ્રતાપગઢ (4) નવી કલાવડી (5) જૂની કલાવડી (6) પાંચદ્વારકા (7) અમરસર (8) અરણીટીંબા અને (9) કોઠારીયા ગામો છે, જે લગભગ 25 જેટલી વસ્તીને આવરે છે. હાલ પીપળીયા રાજ કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પોતાનું મકાન નથી. આથી રૂમની વ્યવસ્થા કરવાની માંગ સાથે માજી સરપંચે ડીડીઓને રજૂઆત કરી છે
પીપળીયા રાજ ગામના માજી સરપંચ મહેબુબભાઈએ ડીડીઓને રજૂઆત કરી જણાવ્યું છે કે પીપળીયા રાજ ગામમાં આશરે ૨૦૧૬ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરુ થયેલ છે આજસુધી ગામની પેટા શાળા ૧ ના રૂમમાં ઓપીડી વ્યવસ્થા ચાલુ હતી જે પેટા શાળાના રૂમ ઉપયોગમાં લેવાતા નહોતા જે શિક્ષણ વિભાગ મોરબી તરફથી ઉપયોગમાં લેવા આજ સુધી મંજુરી આપેલ પરંતુ તા. ૦૩-૦૬-૨૦૨૪ થી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક પ્રાથમિક શાળાના રૂમ ખાલી કરવા આદેશ કર્યો છે
જેથી આજરોજ પેટા શાળા ૧ ના આચાર્ય દ્વારા પીએચસી સેન્ટરની સામગ્રી દવા બહાર કાઢવામાં આવી પીએચસી સેન્ટરમાં કોઈ મકાન વ્યવસ્થા નથી, જેથી મેડીકલ ઓફિસર દ્વારા ભાડા વગરનું મકાન ગામમાં રાખવા ટેલીફોનીક આદેશ કર્યો હતો; જેથી કોઈ ભાડા વગરનું મકાન ગામમાં મળવું મુશ્કેલ છે જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે રૂમની વ્યવસ્થા કરવા માંગ કરી છે
પીપળીયા રાજના માજી સરપંચ મહેબુબભાઈએ આપેલી માહિતી મુજબ પીએચસીનું મકાન મંજુર થઇ ગયું હતું, પરંતુ અરણીટીંબાના બોર્ડ પાસે ત્યારે ફાળવાયેલી જમીન પર વિવાદ ઉભો થતા કોન્ટ્રાકટર કામ શરુ કરી શકેલ નહીં, જો કે હવે પીઆઈયુ ખાતા તરફથી વિવાદ સુલઝાવી જમીન ફરતે ફેન્સીંગ પણ કરી દેવાઈ છે. હવે આ ખાતા તરફથી પા લાખની વસ્તીને અસરકર્તા પીએચસીના મકાન બાબતે વહેલી તકે કાર્યવાહી આગળ વધે, એવું લોકો ઈચ્છી રહ્યા છે.