પૂર્વ ધારાસભ્ય પીરઝાદા ખુદ ચૂંટણી લડી રહ્યા છે
વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. માં લાંબા કાનૂની જંગ બાદ ચૂંટણી જાહેર થઈ છે. ફોર્મ ખેંચવાના દિવસ બાદ બે પેનલ સામ સામે ચૂંટણી લડી રહી છે જેમાં એક પેનલમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવિદ પીરઝાદા ખુદ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની સામે ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલ તૈયાર કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવીને પીરજાદાને પડકાર ફેંક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળીમાં ગુપ્ત રીતે ચૂંટણી કરવામાં આવી હતી, જેમને ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલે કોર્ટમાં પડકારીને દાદ માગી હતી, બાદમાં લાંબા કાનૂની જંગ બાદ આખરે ગુપ્ત થયેલી ચૂંટણીને રદ કરીને વહીવટદાર મૂકવામાં આવ્યા હતા અને હવે ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે પીરઝાદા ખુદ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે પોતે ચૂંટણી લડી રહ્યા છે અને તેમની આખી પેનલ ચૂંટણી લડી રહી છે.
આ ચૂંટણીએ સમગ્ર તાલુકાનું ધ્યાન ખેંચ્યું છે અને ઠેરઠેર આ ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. શું થશે ? એ કહેવું અત્યારે તો વહેલું કહેવાશે. લાગે છે કે આ ચૂંટણી ધારાસભાની ચૂંટણી જેવી બની જશે કેમ કે આ ચૂંટણી ખુદ પૂર્વ ધારાસભ્ય પોતે લડી રહ્યા છે…
ત્યારે સામા પક્ષે ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલ પણ ‘કરો યા મરો’ ની માફક ચૂંટણી માટે તૈયાર થઈ ચૂકી છે. આમ તો ચૂંટણી મોટા માથાઓ સામે નાના માણસોની છે પણ નાના માણસો પણ હવે શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી ત્યારે આ ચૂંટણી વટ, વર્ચસ્વ અને સ્વમાનની
ચૂંટણી બની રહી છે. ત્યારે જોવું એ રહે કે કોણ જીતે છે? અત્રે એ ઉલ્લેખનીય છે કે અનુ.જાત/ જન જાતિના બેઠકના ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલના ઉમેદવાર પીતાંબર ખેંગારભાઈ બિનહરીફ થયા છે. હવે 15 ઉમેદવારો ચૂંટવાના છે અને એ માટે કુલ 30 ઉમેદવારો મેદાનમાં છે,
બંને પેનલના 15-15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્યની પેનલનું નિશાન ટ્રેકટર અને ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલનું નિશાન ગાડું છે, પંચાસિયા સહકારી મંડળીની ચૂંટણી આગામી તારીખ 19/03/2025ના રોજ થશે અને ચૂંટણી પત્યા પછી મત ગણતરી તે દિવસે જ થશે…