૨૧.૪૪ લાખની નાણાકીય ઉચાપત બાબતનો ડીડીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
વાંકાનેર તાલુકામાં આવેલ જુદી જુદી ૨૧ જેટલી શાળાઓના પગાર બિલમાં યેનકેન પ્રકારે ગેરરીતિ કરવામાં આવી હોય અને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેવી બાબતો ઓડિટ દરમિયાન સામે આવી છે અને શિક્ષકે પોતાના પરિવારના સભ્યોના એકાઉન્ટમાં તેમજ ડમી નામના એકાઉન્ટમાં સરકારી રૂપિયા જમા કરાવી લીધા હોવાની પણ માહિતીઓ સામે આવી હતી, જેથી કરીને ૨૧.૪૪ લાખની નાણાકીય ઉચાપત કરવામાં આવી હોય, તે બાબતનો જિલ્લાના તત્કાલિન ડીડીઓ દ્વારા ગત માર્ચ મહિનામાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને અહેવાલ મોકલીને નાણાકીય ઉચાપત કરનારા શિક્ષક, સીઆરસી સહિતનાઓની સામે ફરિયાદ નોંધવા માટે થઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની ઢીલી નીતિના કારણે હજુ સુધી ત્યાંથી કોઈ પ્રત્યોતર ન મળતા ૨૧.૪૪ લાખની ગેરરીતીના બનાવમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાયેલ નથી.
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં બાળકોને સારી શિક્ષણ વ્યવસ્થા અને સારી સુવિધા મળે તેના માટે તેને લાખો કરોડો રૂપિયાના ચર્ચા કરવામાં આવી છે. કેટલાક શિક્ષકો સહિતના અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે નાણાકીય ઉચાપત કરવામાં આવતી હોય છે અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂરતી સગવડ ન મળે અથવા તો સારી શિક્ષણ વ્યવસ્થા ન મળે, તેવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. આવી જ રીતે વાંકાનેર તાલુકાની એક કે બે નહીં પરંતુ ૨૧ જેટલી શાળાના પગાર બિલમાં યેનકેન પ્રકારે ગેરરીતિ કરવામાં આવી છે અને નાણાકીય ઉચાપત કરવામાં આવી હોવાની માહિતીઓ ઓડિટ દરમિયાન સામે આવી હતી, જેથી કરીને આ બાબતને ગંભીરતાથી લઈને મોરબી જિલ્લાના તત્કાલીન ડીડીઓ પરાગ ભગદેવ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને સમગ્ર નાણાકીય ઉચાપત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
નાણાકીય ઉચાપત કરનારાઓની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે શિક્ષણ વિભાગના કર્મચારીઓ હોવાથી રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જવાબદારી અધિકૃત કરવામાં આવે, તેના માટે ગત માર્ચ મહિનામાં પત્ર લખવામાં આવ્યો હતો. હજુ સુધી આ પત્રનો કોઈ પ્રત્યોત્તર ત્યાંથી આવ્યો ન હોવાથી નાણાકી ઉચાપત કરનારઓની સામે હજુ સુધી કોઈ ગુનો નોંધાયેલ નથી !?
મોરબી જિલ્લા પંચાયતના સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરમાર અરવિંદભાઈ અને સીઆરસી અબ્દુલભાઈ શેરસીયા દ્વારા યેનકેન પ્રકારે ૨૧ જેટલી શાળાના પગાર બિલ વધુ રકમના અથવા ડમી નામ વાળા એકાઉન્ટમાં રૂપિયા જમા કર્યા હોય તેવી બાબતો ઓડિટ દરમિયાન સામે આવી છે અને કુલ મળીને ૨૧,૪૪,૧૬૧ રૂપિયાની નાણાકીય ઉચાપત કરવામાં આવી હોય તેવું ધ્યાન પર આવતા મોરબી જિલ્લાના તત્કાલીન ડીડીઓ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, પરમાર અરવિંદભાઈ, અબ્દુલભાઈ શેરસીયા, બેલાબેન પરમાર, બાદી અલ્ફાઝ, બાદી તોફીક હુસેન અને શેરસીયા મહમદ હુસેન નામના વ્યક્તિઓના ખાતામાં સરકારી નાણા ટ્રાન્સફર કરીને ઉચાપત કરવામાં આવેલ છે. જેમાં બાદી અલ્ફાઝ, બાદી તોફીક હુસેન અને શેરસીયા મહમદ હુસેનના ડમી બેન્ક એકાઉન્ટ ખોલીને તેમાં રૂપિયા જમા કરાવીને ઉપાડી લેવામાં આવ્યા છે.
આમ સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી હોવાથી ગત તા. ૧૭/૩/૨૦૨૩ ના રોજ તત્કાલીન ડીડઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખની શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક અને સીઆરસી સહિતનાઓની સામે સરકારી નાણાકીય ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાય, તેના માટે થઈને વ્યક્તિને અધિકૃત કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.
જોકે અફસોસની વાત છે કે હજુ સુધી આ બાબતે રાજ્યના શિક્ષણ નિયામક તરફથી કોઈ પ્રત્યુતર આપવામાં આવ્યો નથી. વધુમાં આ પત્રમાં જણાવ્યા મુજબ હાલમાં ઓડીટમાં પગારમાં થયેલ ગેરરીતી અને નાણાકીય ઉચાપત સામે આવેલ છે. છેલ્લા વર્ષોમાં સરકારની જુદી જુદી યોજનાઓની અમલવારી માટે થઈને બનાવવામાં આવેલા વાઉચરો તથા ચલણોની તપાસ કરીને તેનો પણ અહેવાલ આગામી દિવસોમાં આપવામાં આવશે, તેવી માહિતી મળી રહે છે. સરકારી નાણાની ઉચાપત કરનારા શિક્ષક અને સીઆરસી સહિતનાઓની સામે ગુનો નોંધીને ક્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તે તો આગામી સમય જ બતાવશે.