અધિકારીની કામગીરી સામે સવાલ
વાંકાનેર: વાંકાનેર હાઇવે ઉપર ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની તપાસ દરમ્યાન ટોલનાકાની બંને બાજુએ ગોચરની જમીનનો ઉપયોગ કરીને ગેરકાયદે રસ્તા બનાવ્યા આવ્યા હતા તેવી માહિતી સામે આવી છે તો પણ છેલ્લા ઘણા વર્ષોથી ગોચરની જમીનનો ઉપયોગ કરીને ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ઉઘરાણા કરનારાઓની સામે અધિકારી દ્વારા કેમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે અને આ ગુનામાં રાજકીય વગ ધરાવતા મુખ્ય આરોપીઓને હજુ સુધી પોલીસ પકડી શકી નથી જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ સો ટકા સવાલો ઊભા થવા લાગ્યા છે
વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાની બંને બાજુમાં ગેરકાયદે ટોલનાક બનાવવામાં આવ્યા હતા જેનો પર્દાફાશ થયા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે નામ જોગ તે સહિત કુલ ૧૨ જેટલા શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી તે બંને જેલ હવાલે થયા બાદ તે બંનેને કોર્ટમાંથી જમીન મળી ગયેલ છે. હજુ સુધી મુખ્ય આરોપી કે પછી આ ગેરકાયદે ઊભા રહીને ગેરકાયદે ઉઘરાણા કરનારા એક આરોપીને પોલીસ પકડી શકેલ નથી જેથી હાલમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થવા લાગ્યા છે
જે ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવ્યા હતા તેમાંથી એક રસ્તો કારખાનામાંથી બનાવેલ હતો તે સિવાયના રસ્તા ગોચરની જમીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા તેનો ખુલાસો કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારી દ્વારા જે તપાસ માટેની ટીમ બનાવવામાં આવી હતી તેના રિપોર્ટમાં પણ થયેલ છે અને ગેરકાયદે ટોલનાકા બનાવેલ હતા તેમજ ત્યાં જે ઉઘરાણા કરવામાં આવતા હતા આ બનાવ સંદર્ભે ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. આરોપીઓ સુધી પહોચવામાં પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો છે તો સામે વહીવટી તંત્ર પણ જાણે કે આરોપીઓને છાવરવા માટે આડકતરી રીતે મદદ કરી રહ્યું હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે મોરબી જીલ્લામાં સરકારી કોઈ જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોય તો અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે અને આ બાબતે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સૌથી વધુ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો લગભગ ટંકારા તાલુકામાં નોંધાયેલ છે. આવી કામગીરી બોગસ ટોલનાકાના કાંડમાં કેમ કરવામાં આવી નથી તે તપાસનો વિષય છે
હાલમાં અધિકારી સૂત્રમાં થઈ રહેલી ચર્ચા મુજબ વઘાસિયા પાસે એક કે બે દિવસ અથવા તો મહિનાઓ નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે ટોલનાકા ચાલુ હતા અને તેની સ્થાનિક આધિકારીઓથી લઈને સામાન્ય વ્યક્તિ સુધીનાઓની ખબર પણ હતી તો પણ કોઈ કાર્યવાહી વર્ષો સુધી કરવામાં આવી ન હતી અને હાલમાં બારેક દિવસ પહેલા વાંકાનેરના પ્રાંત અધિકારીએ તપાસનો જે ફાઇનલ રિપોર્ટ આપેલ છે તેમાં ગેરકાયદે ઉઘરાણા કરનારાઓએ ગેરકાયદે ટોલનાકા ચાલુ કરવા માટે ગોચરની જમીનનો ઉપયોગ કર્યો હતો તેવી માહિતી સામે આવેલ છે તો પણ વર્ષો સુધી ગોચરની જમીનનો ઉપયોગ કરીને કાળી કમાણી કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની કેમ જવાબદાર અધિકારી હિંમત કરતાં નથી ? જો આ દિશામાં અધિકારી દ્વારા એક્શન લેવામાં આવે તો આ ટોલનાકા કાંડમાં આગામી દિવસો નવા જૂની થવાની શક્યતા છે