વાંકાનેર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોર્ડીનેટર અને વાંકાનેર એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી શકીલ પીરજાદાએ એક નિવેદનમાં વક્ફ અંગેના નવા કાયદા વિષે ટૂંકી ભાષામાં સચોટ જાણકારી આપી છે, જે નીચે મુજબ છે….
મારી જાણકારી પ્રમાણે સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરુ છું. મુસ્લિમો ઉપરાંત હિન્દુ સમાજના મિત્રો પણ જરૂર વાંચશો…
અરબી ભાષાના “વક્ફ” શબ્દનો અહીં અર્થ થાય છે, અલ્લાહ/ ઈશ્વરના નામ પર આપેલું, જે પાછું ન લઇ શકાય. મુસ્લિમોની સામાજિક ઉપયોગ માટેની સામુહિક મિલકત વક્ફ હેઠળ આવે છે. દા.ત. મસ્જિદ, ઇદગાહ, દરગાહ, કબ્રસ્તાન, મદ્રસા, યતીમખાના (અનાથાશ્રમ). જેની માલિકી વ્યક્તિગત નહીં, પરંતુ મુસ્લિમ સમાજની સામુહિક હોય છે. આ સરકારી મિલકત નથી….
હાંજી ફરીથી વાંચો, આ સરકારી મિલકત નથી. આ મુસ્લિમ સમાજની પોતાની ખાનગી માલિકીની સામુહિક મિલકત હોય છે. મુસ્લિમોએ સામાજિક ઉપયોગ માટે સામુહિકરીતે ખરીદેલી અથવા કોઈ દાતાએ મુસ્લિમ સમાજના સામુહિક ઉપયોગ માટે આપેલી મિલકત વક્ફ હેઠળ આવે છે.
ફરીથી કહુ છું, આ મુસ્લિમ સમાજની ખાનગી માલિકીની સામુહિક મિલકત હોય છે, સરકારી મિલકત નહીં…