દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે’
રાજા અમરસિંહ બાપુ ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા
જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા
ઇ.સ. ૧૭૮૧માં (આજથી ૨૪૧ વર્ષ પહેલા) પરાસરા કુટુંબના મીઠાદાદા કડી બાજુથી આવી ઘીયાવડમાં અને પછી તીથવા રહેવા ગયા હતા. પછીથી તેમનાં વંશજો સીંધાવદરમાં રહેવા ગયા અને મીઠાદાદાની ચોથી પેઢીએ ચાર દીકરા હતા. જલાલ, હાજી, રાજે અને અમી. તે પૈકી સીંધાવદરમાં સ્થાનિક લોકો સાથે વાંધો પડતા જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા.
સરધારકામાં રહેવા આવેલા અમીદાદાની છાપ ‘જબરા’ ની પડેલી. જબરાનો મતલબ ‘જોરૂકા’ થાય છે. અઘરૂં કામ પણ કરી જાણે એને બળવાન- મહાન- જબરા કહેવાય. તેમની આ છાપ પાછળ રસપ્રદ કહાની છે.
જયારે તેઓ સીંધાવદરમાં રહેતા ત્યારની આ વાત છે. ગામમાં દરબારના ઘરે બહારગામથી વેલ (જાન) આવેલી. આ વેલમાં એક ખવાસ આવેલો, જે પહેલવાન હતો. તાકાતવર, પડછંદ અને એટલો જ અભિમાની. એને એની તાકાતનું ઘમંડ હતું. આ રજપૂતે અનેકને કુસ્તીમાં પછાડેલા. તે એટલો તાકાતવર હતો કે મુઠ્ઠીથી નાળિયેર ભાંગી ફાડિયા કરી નાખતો. માણસના માથા પર એક મુકકો મારી વધેરી નાખવાની તેનામાં શકિત હતી. દેખાવે જોનારને પરસેવો છૂટી જાય એવો. સીંધાવદરમાં વેલમાં આવેલા આ રજપૂતે મૂછ મરડી પડકાર ફેંકયો કે ‘આ ગામમાં છે કોઇ હિંમતવાળો કે મારી સાથે કુસ્તી કરે? આ ગામના માણસો નપાણિયા છે. કોઇની તાકાત નથી કે મારી સામે આવે!’
ગામના દરબારોથી આ ટોણો સહન ન થયો. એમને આ રજપૂત સામે લડી શકે એવા અમીદાદા યાદ આવ્યા. અમીદાદા વાડામાં સૂતા હતા, ત્યાં એક દરબારે આવીને વાત કરી અને રજપૂત સામે કુસ્તી કરવા જણાવ્યું.
‘એ તો આપણા ગામનો મહેમાન કહેવાય, મહેમાન સામે થોડું લડાય?, અમીદાદાએ ઇન્કાર કર્યો.
દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે. બે કાવડિયાનો એ પડકાર ફેંકે અને આમ ગામમાં કોઇ ઝીલે નહિં તો ગામની આબરૂ જાય. જો અમી! ગામની આબરૂ બચાવવી તારા હાથમાં છે. તારા સિવાય બીજા કોઇનું આ ગજુ નથી’.
‘પણ કુસ્તીમાં કંઇ અજુગતું બની જાય તો રાજ મને સજા કરે…’ અમીદાદાએ પોતાની વ્યથા કહી.
‘તો એક કામ કરીએ. તારે પહેલા કુસ્તી કરવાની આનાકાની કરવાની. અમે કારણ પૂછીએ તો તારે આ કારણ કહેવું. અને હું સામસામા લખાણ કરવાની વાત મૂકીશ. આ વાત તે રજપૂત સ્વિકારે તો કુસ્તી કરવી. બોલ છે મંજુર?’
દરબાર અન અમીદાદાએ આવો આઇડિયો કર્યો અને આવ્યા રજપૂત પાસે. બન્ને વચ્ચે નકકી થયા મુજબ દરબારે વાત મૂકી કે ‘કુસ્તીમાં કોઇને લાગી જાય કે ન બનવાનું બને તો પાછળથી કાંઇ કોઇની જવાબદારી નહિં, એવું લખાણ કાગળિયા ઉપર કરો અને આવો મેદાનમાં’
ફાટીને ફાળકે જનાર રજપૂતને પોતાની તાકાતનું અભિમાન હતું. અમીદાદાની આનાકાનીથી ખવાસને વધારે પાણી ચડયું. જીતની એને હૈયે ધરપત હતી. સામસામા કાગળિયા થયા.
સીંધાવદરની મસ્જીદ અને ચોરો પાસ-પાસે હતો, દરબારે અમીદાદાને મસ્જીદની દિવાલે અને રજપૂતને ચોરાની દિવાલે ઉભા રાખી કુસ્તી કરવાનું જણાવ્યું.
ગામના લોકો આ જોવા ઉમટ્યા છે. હકડેઠઠ્ઠ મેદની જામી પડી છે. પરિણામની કોઇ આગાહી થઇ શકે તેમ નથી. કુસ્તીમાં કોણ જીતે કોણ હારે કાંઈ કહેવાય નહીં. ઢોલ પર દાંડી પડી અને કુસ્તી શરૂ થઇ. પોતાના સાથળમાં થાપા મારતો મારતો ચોરાની દિવાલેથી રજપૂતે અને મસ્જીદની દિવાલેથી અમીદાદાએ હડી કાઢી. રજપૂતે બધા દાવ અજમાવ્યા. અમીદાદાને ભીંસમાં લીધા. બેમાંથી એકેય ગાંજ્યા જાય તેમ નથી. હાકલા પડકારા વચ્ચે અમીદાદાએ રજપૂતને ઉપાડી ત્યાં પડેલા ગેળ (પત્થર) પર પછાડયો અને કુસ્તીનો અંત આવ્યો.(એ પત્થર હમણાં સુધી હતો) અમીદાદાની જીત થઇ. ગામની બધી વરણે અમીદાદાની તાકાતને વખાણી. દરબારોને ગામનું નાક બચાવ્યાનો સંતોષ થયો. અમીદાદાનો વાંહો થાબડી બોલ્યા કે રંગ છે તને અમી! તું તો ભાઇ બહુ જબરો!!’
આવો જ બીજો એક બનાવ સીંધાવદરની સીમમાં બનેલો. અમીદાદા અને તેનો ભત્રીજો આહમદ વાડીએ રાત્રે વાહુ ગયેલા. બાજુના ગામના માલધારીના પશુ અમીદાદાની વાડીમાં આવતા ભત્રીજાને ત્યાં રાખી પોતે પશુને હાંકતા સીધાવદર ગામ ભણી ચાલવા માંડયા. માલધારીએ વાડીએ આવી ભત્રીજાને પૂછ્યું કે ‘આ બાજુ માલ આવ્યો હતો?’
નાનો ભત્રીજો સાચું બોલી ગયો. બતાવેલી દિશાએ માથાભારે માલધારી આગળ ચાલ્યો તો પોતાના માલને હંકારી જતા અમીદાદાને જોયા. બળુકા માલધારીએ પાછળથી અમીદાદાના બેય બાવડા પકડી ભીંસ્યા. અમીદાદા માટે આ અણધાર્યો હુમલો હતો, છતાં હિમ્મત રાખી પહેલા એક અને પછી બીજું બાવડું સરકાવી માલધારીને ઉપાડીને ઘા કર્યો. ઉભી પૂંછડિયે ભાગવા સિવાય એના માટે કોઈ રસ્તો બાકી નહોતો.
અમીદાદાને તેલ કાઢવાની ઘરની ઘાણી હતી, આથી હંમેશા ઘાણીનું તલનું તેલ જ ખાતા હતા. બહારનું કયારેય નહિં. બહારગામ જવાનું થાય તો યે રસ્તા માટે રોટલો પણ ઘરેથી જ બાંધી જતા.
અમીદાદા એટલે મારગ સમો કરનારા! રસ્તા સમા (રિપેર) કરવાનો ગજબનો શોખ. પોતાની વાડી કે ગામનાં જ નહિં, પણ સગાના ગામમાં જાય તો યે મારગમાં જ્યાં રોદો દેખાય તે સમો કરવા માંડે. ગાડું લઇને જતા હોય તો ય ઉભું રાખી કલાક- બે કલાક મારગ સમો કરવા મંડી પડે. ખરબચડા મારગને સમો કરે પછી જ તેને શાંતિ થાય. કામગરા એટલા કે સગાના ઘરે આંટો ખાવા જાય તો સગાના સીઝન પ્રમાણેના બધા કામ કરવામાં પૂરી મદદ કરે, એમ નહિં કે આંટો ખાવા જઇને સગાને ખોટી કરે. પગ વાળીને બેસે જ નહિં.
આવી બીજી જ એની ખાસિયત હતી. જયાં પાણીનો કુવો કે વાવ જુએ, પછી ભલેને તે પારકો હોય, તો પાણાનો મોટો ગળબો લઇ કોસથી વચ્ચેથી કોતરીને કૂંડી બનાવીને ત્યાં મૂકવાની. અબોલ પશુઓને પાણી માટે પાણાની આવી કૂંડીઓ બનાવીને મૂકવાની સેવાભાવી તેની પ્રકૃત્તિ હતી. સરધારકાથી જાલી જવાના રસ્તે પોતે જાત મહેનત કરી પંદર ફૂટ ઉંડી વાવ બનાવેલી, જેમાંથી ઉજજડ આ વિસ્તારમાં લોકો આ વાવના પાણીનો ઉપયોગ કરતા. ત્યારે પંદર ફૂટ ઉંડી વાવમાં પણ પાણી નહોતા ખૂટતા. સીંધાવદરના શેરસીયા કુટુંબના આ જમાઇ પાણકોરાનું કેડિયું અને ચોરણી પહેરતા. કાન વીંધાવી ઠોરિયા પહેરતા.
સીંધાવદ૨થી સરધારકા રહેવા આવ્યા પછી એક દિવસની વાત છે. એકમ પહેલા રાજનો ભાગ આપવા ખેડૂતો ગાડામાં અનાજ ભરી વાંકાનેર રાજને દેવા આવતા. ઘઉંના વાવેતર નહોતા. મોટા ભાગે જાર-બાજરાના વાવેતર થતા. પોતાના ગાડા-બળદ લઇને અમીદાદા પણ વાંકાનેર આવેલા.
હોળીનો તહેવાર નજીક હતો. વજેભાગનો વારો આવે તેની રાહ જોતા નવરા બેઠેલા જુવાનિયા છાણાના ઘા કરી શરત મારતા, જીતતા – હારતા. સમય પસાર કરતા. અમીદાદાએ મજાક કરી કે ‘છાણાના ઘા કરવામાં શું બડાઇ? નાળિયેરના ઘા કરી શરત જીતો તો કહેવાય શરત!’
‘…તો તું ઘા કરી નાળિયેર આ દરવાજાને ટપાડી દે… માર શરત…’ રાજ ભાગ દેવા આવેલા બીજા ખેડુ સાથે અમીદાદાની શરત લાગી.
અત્યારે તો પુલ દરવાજો પાડી નખાયો છે, અગાઉ અહીં એક ઊંચો ત્રણ માળ અને ઉપર એક ટોચવાળો વાંકાનેર રાજે બંધાવેલો દરવાજો હતો. ટોચમાં મોટી ઘડિયાળ હતી, એમાં ડંકા પણ વાગતા. આવતા- જતા બધા આ દરવાજા નીચેથી જ પસાર થતા હતા. ઊંચા આ દરવાજા ઉપરથી નારિયેળ ટપાડવુ બહુ અઘરું હતું. હાથમાં નારિયેળ પકડી ચાવડી ચોક બાજુ અમીદાદા દોડવાનું અંતર રહે એ માટે ઊભા રહ્યા. રાજભાગ આપવા આવેલા બધા શું થાય છે, એ જોવા ગોઠવાઈ ગયા. બરાબર એ ટાણે જ વાંકાનેરના રાજા અમરસિંહ બાપુ મોટર લઈને નિકળ્યા. ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા. પૂછા કરી જાણ્યું કે દરવાજા ઉપરથી નારિયેળ ટપાડવાની શરત લાગી છે.
અમીબાપુને રાજાએ પાસે આવવા ઈશારો કરતા અમીબાપુ હિમ્મત કરી રાજા પાસે ઠપકો સાંભળવાની તૈયારી સાથે આવ્યા. ‘શરત લગાડી છે એમને? મારી સાથે શરત લગાડ. જો તું આ ટાવરને નારિયેળ ટપાળી દે તો તને કોથળો ભરીને નારિયેળ આપીશ..’
રાજા સામે શરત લગાવાય? અમીબાપુને મૂંઝાયેલા જોઈ અમરસિંહ બાપુએ હિમ્મત આપી. અમીબાપુ થોડાક ડગલાં પાછા હટી દોડતા દોડતા જે ઘા કર્યો કે નારિયેળ ટાવર પરથી ટપીને પતાળીયાના પુલ પર પડી બે કાચલાં થઇ ગયા. રાજાએ તાલીઓ વગાડી, ખેડુ બધાએ પણ તાલીઓનો ગગડાટ કર્યો. કાચલાની કોઈ કિંમત નહોતી, પણ આ તો ટાવરને ટપાડેલુ કાચલું! એક કાચલુ રાજાએ લીધું. અમીબાપુનો વાંહો થાબડી બોલ્યા “તું તો ભાઈ બહુ જબરો!”
કોથળો ભરીને નારિયેળ આપ્યા. મારા રાજમાં આવા જોરુકો માણસ પણ છે, તેવું માની હરખાતા હરખાતા અમરસિંહ બાપુએ પચ્ચાશ રૂપિયા લટકામાં આપ્યા. ત્યારે પાવલીનો મણ બાજરો હતો. પચ્ચાશ રૂપિયા એટલે બસ્સો મણ બાજરો! અને સરધારકાના પરાસરાને જબરાનું બિરુદ મળ્યું.
અમીદાદાના જમાનામાં ખોરાક સાદા અને સાચા હતા. ઘી-દૂધની રેલમછેલ હતી. ઘાટી છાશ પીધે ટંક ટપી જાય. ખાતર- દવાના પ્રદૂષણ નહોતા. એક ઢીકો બસ થઇ પડે. ભડકણે ચડેલા બળદના શીંગળા પકડે તો ડગવા ના દે. માત્ર લાકડીના સહારે નાયળાને ભગાડે.
રાજા સામે શરત પણ અમીદાદા જ મારી જાણે અને પુલદરવાજા ઉપરથી નાળિયેર પણ અમીદાદા જ ટપાડી જાણે !
ખેતરમાં ગાડું ભરતા બાજરાના નાના નાના પાથરા આપતી ભાભીયુંને મોટા પાથરા આપવાનું અમીદાદા કહેતા. ભાભીયુંયે મશ્કરી કરતા ત્રણ ચાર જણીઓએ ભેગા મળી ભર જેટલો મોટો પાથરો કર્યો અને ઉપાડવા અમીદાદાને આહવાન કર્યું.
ગોઠણયા ભેર થાતાકને અમીદાદાએ એ પણ કર્યું. આવા નાના નાના પરાક્રમો તો ઘણા છે.
એમના નાના દીકરાની ઉંમર અત્યારે એક સો વરસની આસપાસ છે. આવા હતા પરાસરા કુટુંબના વડવાઓ!!
આલેખનઃ- નઝરૂદીન બાદી. માહિતીસ્રોતઃ પરાસરા અબ્દુલ વલીભાઈ સરધારકા મો: 95588 89021.