પોતાના દિયરના બાઇકમાં જતા ત્યારે હાઇવે ઉપર અન્ય બાઈકના ચાલકે હડકટે લીધેલ
વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે ઉપર વાલ્ન અકસ્માતનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બાઈક સાથે બાઈકની અથડામણ થતા દિયરના બાઈક પાછળ બેસીને જતા ભાભી ઇજાગ્રસ્ત થયા હતા અને તે બનાવમાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું રાજકોટ ખાતે મોત નીપજયુ હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ઉપરોકત બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભલગામના રહેવાસી વર્ષાબેન રમેશભાઇ દેગડા (ઉમર ૨૭) કે જેઓનું પિયર સાયલા નજીકનું ધાંધલપર ગામ છે, તેઓ પોતાના દિયર માલાભાઇના બાઇકની પાછળના ભાગે બેસીને ગત તા.૧૯-૪ ના સાંજના ૫:૩૦ વાગ્યાના અરસામાં જતા હતા; ત્યારે ભલગામ નજીક હાઇવે ઉપર તેઓના બાઈકને અન્ય બાઈકના ચાલકે હડકટે લેતા વર્ષાબેન રમેશભાઈ દેગડા નામની ૨૭ વર્ષીય મહિલાને ઇજાઓ થતા પ્રથમ વાંકાનેર સિવિલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં ગઈકાલ તા.૩૦-૪ ના રોજ સારવાર દરમિયાન વર્ષાબેન દેગડાનું મોત નીપજયુ હતું અને તેમના મોતના પગલે હાલ બે સંતાનોએ માતાની મમતાનો પાલવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.