પહેલા મારા ઘર પાસે જ રસ્તો રીપેર થશે તેમ કહી ફડાકો ઝીંક્યો
વાંકાનેર : વાંકાનેર શહેરના હરીપાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે રસ્તાઓ તૂટી ગયા બાદ રસ્તા રીપેરીંગની કામગીરી દરમિયાન સોસોયટીમાં રહેતા એક માથાભારે વ્યક્તિએ પહેલા મારા ઘર પાસે ખાડા પૂરો બાદમાં અન્ય જગ્યાએ માટી નાખવા કહી સોસાયટીના મહિલાને ગાળો આપી લાફો ઝીકી દેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…


વાંકાનેર શહેરના હરીપાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રોડ-રસ્તા તૂટી ગયા હોવાથી પાંચેક દિવસ પૂર્વે હરીપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી હર્ષાબેન પ્રકાશભાઈ ધરોડિયા તેમજ સ્થાનિક રહેવાસીઓએ ધરમનગર તલાટી મંત્રીને મળી રસ્તો રીપેર કરવા રજુઆત કરતા તા.25ના રોજ તલાટી દ્વારા માટી-મોરમ નાખી રસ્તો રીપેર કરવાનું શરૂ કર્યું હતું. જો કે, ફરિયાદી હર્ષાબેન સહિતના નાગરિકો તલાટી પાસે ગયા હતા અને જણાવ્યું હતું કે પહેલા મોટા-મોટા ખાડા હોય ત્યાં માટી નાખી રીપેરીંગ કરો. આ રજુઆત સમયે જ હરીપાર્કમાં રહેતા ઘનશ્યામસિંહ સુરૂભા ઝાલા તલાટી પાસે આવ્યા હતા અને પહેલા મારા ઘર પાસે રસ્તો રીપેર થશે. પછી બીજે બધે માટી નખાશે તેમ કહેતા હર્ષાબેન મોટા ખાડા હોય ત્યાં રસ્તો રીપેર કરવાનું કહેતા આરોપી ઘનશ્યામસિંહ સુરૂભા ઝાલાએ હર્ષાબેનને ફડાકા ઝીકી ગાળો આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…
