…તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે
બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ?
નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ
વાંકાનેર: તાજેતરમાં પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય પરિવહન મંત્રીને કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ એનઓ.૧૪ પર ના ૩ ટોલ બુથ પર થી ૨ ટોલ બુથ દૂર કરવાની રજૂઆત કરી આવી છે. સાંતલપુર- પાલનપુર નેશનલ હાઈવે વચ્ચે ત્રણ ટોલ બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં વારાહી ટોલ નાકા છે. કાંકરેજ તાલુકામાં ભલગામ ટોલ નાકા પણ નેશનલ હાઈવે પર માત્ર ૪૦ કિમીના અંતરે આવેલું છે અને મુડેઢા ટોલ રોડ પર માત્ર ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે.બીજી રજૂઆત સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રૂબરૂ મુલાકાત કરી સુરજબારી અને સામખીયાળી વચ્ચે નો રસ્તો ૩૦ કિમીનો છે અને બે ટોલ ટેક્ષ આવે છે. બે ટોલ ટેક્ષ વચ્ચેનું અંતર ૬૦ કિમીથી વધુ હોવું જોઈયે માટે એક ટોલ ટેક્ષ બંધ કરવાની રજુઆત કરી હતી.
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ પાસે 406.98 કરોડમાં બનેલું હાલમાં કેન્દ્ર સરકારનું ટોલ પ્લાઝા આવેલ છે. સરેરાશ અહીંથી 23681 વાહનો પસાર થાય છે https://tis.nhai.gov.in/TollInformation?TollPlazaID=140 આવતા-જતા વાહનો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. ટોલટેક્સ અંગેનો નિયમ એવો છે કે બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કી.મી. નું અંતર હોવું જોઈએ. વાંકાનેર તાલુકામાં જ હાલમાં બે ટોલ પ્લાઝા છે. બીજું ટોલ પ્લાઝા ઠીકરીયાળા પાસે છે. ઠીકરીયાળા અને વઘાસીયા ટોલ પ્લાઝા વચ્ચે 31.5 કિ.મિ. નું એટલે કે 60 કી.મી. થી ઓછું અંતર છે. સવાલ એ છે કે તો આમ છતાં વઘાસીયા પાસે ટોલ પ્લાઝા શા માટે?
ઠીકરીયાળા ટોલ પ્લાઝાથી મોરબીનુ અંતર 56.6 કી.મી. છે. નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોય તો જ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી. ના નિયમનું પાલન થયું ગણાય. જો આમ હોય- થાય તો વાંકાનેરથી જિલ્લા મથક મોરબી જવા માટે કોઈ ટોલ ટેક્સ ભરવો પડે નહીં. આ મુદ્દે સ્થાનિક સાંસદ કેસરીદેવસિંહે ઊંડા ઉતરી અભ્યાસ કરી; ઉચ્ચ સ્તરે રજુઆત કરી કાયમી ધોરણે વઘાસીયાના બદલે મોરબીથી ઉપર માળીયા મિયાણા તરફ ટોલ પ્લાઝા ખસેડાય, તેવા પરિણામદાયી ફળ મળે, એવા પ્રયત્નો કરવા જોઈએ. શ્રી કેસરીદેવસિંહ આ બાબતે કંઈક કરશે, એવી લોકઅપેક્ષા છે. જો આ બને તો પ્રજાની મોટી સેવા કરી લેખાશે.