તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો
રાતીદેવરી પાસે ફોરવ્હીલે બાઇકને હડફેટે લેતા હર્ષ વાગડીયાને ઇજા થઇ હતી
રાજકોટ: રાતીદેવરી પાસે કારની હડફેટે ગંભીર રીતે ઘવાયેલા હર્ષ વાગડીયા નામના યુવકનું સારવારમાં મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, વાંકાનેરમાં રહેતો હર્ષ મહેન્દ્રભાઈ વાગડીયા (ઉ.18) ગઈ તા.16ના તેમના સબંધી સાથે વાંકાનેર નજીક આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી પરત ફરતા હતા, ત્યારે જડેશ્વર મંદિરથી આગળ પાછળથી પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા યુવક રોડ પર પટકાયો હતો.
જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. અત્રે તેનું સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરતા એએસઆઈ કે.કે. માઢક દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતક યુવકે ધો.12માં અભ્યાસ કરતો હતો અને હાલ જ પુરી થયેલ બોર્ડની પરીક્ષા આપી હતી. જેના પરીણામ પહેલા જ યુવકના જીવનની પરીક્ષા પુરી થઈ ગઈ હતી. મૃતકના પિતા બેંક કર્મચારી છે. તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો બનાવથી પરીવાર પર આભ તુટી પડયું હતું.