કારોબારી સમિતિની રચના થશે
વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યોનું માળખું છે, તેમાં ચંદ્રપુરની સીટ ખાલી છે, આથી કુલ 23 માંથી 13 સભ્ય ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે.
એક સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મીડિયામાં અત્યારથી જ જિજ્ઞાષાબેન મેરને કારોબારી ચેરમેન તરીકે ઉલ્લેખાય છે, પણ હજી કારોબારીની સમિતિ જ રચાઈ નથી, પછી ચેરમેન કઈ રીતે થઇ જાય? આ એક ગેરસમજ છે. 13 તારીખે હજી તો કારોબારીમાં 7 સભ્યો નિમાશે.
ત્યાર પછી ફરી બીજી મિટિંગ મળશે, જેમાં ચેરમેન નિમાશે. અલબત્ત, જેનો 13 તારીખે કારોબારીમાં સભ્ય તરીકે સમાવેશ થશે, તેમાંથી જ કોઈ એક કારોબારી ચેરમેન બનશે. જેનો કારોબારીમાં સમાવેશ ન થાય તે ચૂંટાયેલા સભ્ય ચેરમેન બની શકે નહીં. જો કે ચેરમેન તરીકે સૌથી વધુ ગાજતું નામ જિજ્ઞાષાબેનનું છે.
ધારીમાં એક મહિલાને હોદ્દો નહીં મળતા ફિનાઈલ પીધું, જોડીયામાં પક્ષના મેન્ડેટનો અનાદર થયો. ટંકારામાં પણ મેન્ડેટનો અનાદર થયો હતો, પણ પછી સમાધાન થયાના અહેવાલ છે. તાલુકા પંચાયતના વહીવટમાં કારોબારી મહત્વની છે.
કારોબારીના ઠરાવ વિના પ્રમુખ કે ઉપપ્રમુખ પણ કંઈ કરી શકે નહીં, આથી અત્યારથી જ આ માટેના પાસ આગેવાનો ફેંકવા મંડ્યા છે/ ફેંકાઈ ચૂક્યા છે.
વઘાસિયાના ધર્મેન્દ્રસિંહે જણાવ્યું કે જેમનું મેન્ડેટ આવશે એમનો કારોબારીમાં સમાવેશ થશે. લુણસરીયાના હરિસિંહે આવી જ ભળતી વાત કરી ઉમેર્યું કે કદાચ મિટિંગના દિવસે જ ખબર પડશે કે કોના કોના નામ આવે છે. સરતાનપરના હનુભાઈ માને છે કે ચેરમેન તરીકે કોઈ કોળીનું જ નામ આવશે. ભીમગુડાના અજયભાઇ કહે છે કે કોઈ બળવો થશે નહીં. પીપળીયા રાજના હુસેનભાઇને વિશ્વાસ છે કે કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન બનશે. જીજ્ઞાશાબેનને ફોન કરતા કામમાં છું, પછી ફોન કરું, એવો જવાબ આપે છે.
વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળે છે કે જિજ્ઞાષાબેનની સામે જિલ્લા ભાજપમાં રજુઆત થઇ છે કે જિજ્ઞાષાબેન સિવાય બાકીના 12 સભ્યોમાંથી કોઈને પણ ચેરમેન બનાવો, પણ જિજ્ઞાષાબેનને નહીં. પ્રમુખની ચૂંટણી વખતે પણ આ વાત થઇ હતી.
મહત્વની વાત એ છે કે 13 તારીખે કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે- કોનું પલડું ભારે થશે, એ તો ત્યાર પછી જ ખબર પડશે. કારોબારીમાં સભ્ય તરીકે મેન્ડેટ કોના નામના આવે છે, બે લોબીમાંથી જિલ્લામાંથી કોને મહત્વ મળે છે, પાંખો કોની કપાય છે, એ માટે તેર તારીખ સુધી રાહ જોવી પડશે. લખવાની જરૂર નથી કે જો ભાજપમાં બળવો થાય તો કોંગ્રેસના બધા આંગળા ઘીમાં!! એક વાત એવી પણ ચાલી રહી છે કે ગત સાધારણ સભામાં કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા, એની સામે નવઘણ મેઘાણીની જેમ પક્ષ તરફથી શું પગલાં લેવાયા તે જનતા જાણવા માંગે છે….