૧૦૮ ની ત્વરિત સેવાએ જીવ બચ્યો
વાંકાનેર: તાલુકામાં ૧૦૮ ઈમરજન્સી સેવા અવારનવાર અનેક લોકો માટે જીવનદાતા સાબિત થઈ રહી છે. તેવામાં વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે ઈલેક્ટ્રિક શૉક લાગવાને કારણે ઓક્સિજનની ગંભીર અછત અનુભવતા માત્ર ૮ મહિનાના બાળકને સમયસર હોસ્પિટલ પહોંચાડીને આ ટીમે બાળકને નવજીવન આપ્યું છે.

વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ના ડૉ. ધારાબેન તરફથી ૧૦૮ ટીમને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. જેમાં જણાવ્યુ હતું કે, સાહીલ અર્જુનભાઈ ભુરીયા નામના ૮ મહિનાના બાળકને ઈલેક્ટ્રિક શૉક લાગ્યો છે જેથી શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી અને તેની હાલત નાજુક છે જેથી બાળકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ રિફર કરવો અનિવાર્ય હતો.

આ કોલ મળતાની સાથે જ વાંકાનેર લોકેશનના EMT પ્રવીણભાઈ મેર, EMT માલકિયા કિસન અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયા ગણતરીની પળોમાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. બાળકને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ERCP ના ફિઝિશિયન ડૉ. પરમારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ EMT પ્રવીણભાઈ અને કિસનભાઈએ બાળકને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ આપી પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી. અને તુર્તજ સારવાર મળવાને કારણે બાળકનો જીવ બચી ગયો છે….
