મેળવે છે 2 લાખ જેટલી આવક
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના ભરતભાઈ માંડાણીની કે જેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓએ આ વર્ષે લીંબુના પાકની વચ્ચે પપૈયાનું વાવેતર કર્યું છે. દર 15 દિવસે વાડીમાં 5 થી 6 બેરલ જેટલું જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. વર્ષે 100 થી 150 મણ લીંબુનું ઉત્પાદન થાય છે જેના દ્વારા રૂ. 1.5 થી 2 લાખ જેટલી આવક મળી રહે છે. 29 વર્ષીય યુવા ખેડૂત ભરતભાઈ માંડાણી જણાવે છે કે, અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડુતો પરંપરાગત ખેતી કરતા હતાં. વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં 100 મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતુ. પણ જેમ-જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યું હતું. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગેરેનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી હતી. કપાસમાં ઉત્પાદન 100 મણ માંથી 35-40 મણ થવા લાગ્યુ હતું. બેંકનું દેવું પણ વધતું ગયું અને ધિરાણની મર્યાદા પણ વધતી ગઈ હતી. અંતે ઘરના તમામ સભ્યો દ્વારા લીંબુનું વાવેતર કરવાનું નક્કી કર્યું.શરૂઆતમાં લીંબુના વાવેતરમાં પણ જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા. પરિણામે ખર્ચ વધી જતો અને નફો ઓછો મળતો. ત્યારબાદ હું આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો. આત્મા પ્રોજેકટ દ્વારા યોજાતી જુદી જુદી તાલિમમાં પણ ભાગ લીધો છે. તેવામાં અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મે ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યુ હતું. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વીડિયો દ્વારા પણ માહિતી મેળવી હતી.
ખેતરમાં જીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો, ત્યારબાદ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી લીંબુ પાકની વચ્ચે અજમો કોથમીર તથા અન્ય કઠોળ પાકનું વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા પરીણામે આવક વધારે મળવા લાગી. જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી તેમજ જમીનમાં અળસિયા ઉત્પન્ન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે અને જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરીણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વિજળી ખર્ચમાં પણ બચત થઈ.
રાસાયણિક ખેતીની અસર આજે માનવજીવનના સ્વાસ્થ્ય પર પડી રહી છે. લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. ત્યારે રાસાયણિક ખેતીના વિકલ્પ રૂપે પ્રાકૃતિક કૃષિ થકી લોકોને શુદ્ધ આહાર મળી રહે છે. પ્રાકૃતિક કૃષિના મહત્વને સમજી ગુજરાત સરકારે યોજનાઓ અમલી બનાવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના ખેડૂતોને સહાય, તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે રાજ્યભરમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જોડાઈ શુદ્ધ આહારનું ઉત્પાદન કરી રહ્યા છે.