નુકશાનકારક ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે
ભુજ: કચ્છની રેતાળ રણ પ્રદેશની જમીન અને તેની માટીમાં ફળદ્રુપતા ઓછી છે. જમીનને સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટે ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર બનાવવાનો સફળ પ્રયોગ કચ્છી કિસાનોએ કર્યો છે. આવો નવતર પ્રયોગ આખાં ગુજરાતમાં કરાયેલી સર્વપ્રથમ પહેલ છે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે આમ તો અનેક પ્રકારનાં પોષક તત્ત્વોની જરૂર હોય છે, પરંતુ એ તમામ પોષક તત્ત્વોને પચાવવાની જમીનની તાકાત વધારે તેવાં પોષક તત્ત્વરૂપ સેન્દ્રિય કાર્બન બહુ જ જરૂરી છે. આ સેન્દ્રિય કાર્બન (જૈવિક કાર્બન) જેટલો વધુ પ્રમાણમાં અપાય, તેટલી જમીનની ફળદ્રુપતા વધે…કચ્છની ખેતી માટે મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓ સતત કરતી `સાત્ત્વિક’ સંસ્થાના સહયોગ, માર્ગદર્શન, પ્રેરણાથી ભુજ તાલુકાનાં છ ગામમાં ગાંડા બાવળમાંથી ખાતર બનાવવાની નમૂનારૂપ કામગીરીને નેત્રદીપક સફળતા મળી હોવાનું `કચ્છમિત્ર’એ જાણ્યું છે. `સાત્ત્વિક’ના સંયોજક અને પ્રયોગશીલ યુવા કાર્યકર પ્રવીણ મૂછડિયાએ પ્રત્યેક કિસાન માટે જાણવા જેવા આ પ્રયોગ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગાંડા બાવળ સાથે ગાયનું છાણ – મૂત્ર તેમજ આ ખાતરને જલ્દી સડાવવા માટે વિવિધ ડિકમ્પોઝર બેક્ટેરિયાનું મિશ્રણ કરીને તૈયાર થતું સેન્દ્રિય ખાતર ખાસ કરીને સૂકી ખેતી માટે સંજીવની સમાન છે. કચ્છમાં સજીવખેતીના પ્રખર પ્રચારક અને પીઢ કિસાન મગનભાઈ આહીરને શરૂઆતમાં આ વિચાર આવ્યો. જમીન માટે જડીબુટ્ટી બની શકે, તેવો ગાંડો બાવળ ચોમેર ઊગી નીકળેલો છે, જે કુદરત તરફથી સાવ મફતમાં મળતું એવું એકમાત્ર વૃક્ષ છે, જેનો ચૂરો કરીને ખાતર બની શકે…
ભુજ તાલુકાનાં લોડાઈ અને આસપાસનાં કોટાય, ખેંગારપર, ધરમપુર, ઉમેદપુર, જવાહરનગર, મળીને છ ગામના 15 કિસાન પાસે પ્રારંભિક ધોરણે આ પ્રયોગ કરાવાયો. એક જ વર્ષનાં ટૂંકા ગાળામાં સુંદર પરિણામ મળ્યાં. આપણા પ્રદેશમાં પાણીની અછત છે, ત્યારે જ્યાં વરસાદ આઘારિત સૂકી ખેતી થાય છે. તેવા ભૂભાગો પર આ પ્રયોગ રામબાણ ઈલાજ પૂરવાર થાય તેમ છે…
ગાંડા બાવળ – ગાયનાં છાણ – મૂત્રનાં મિશ્રણમાંથી બનતાં પ્રાકૃતિક ખાતરમાંથી મળતો સેન્દ્રિય કાર્બન જમીનમાં ભેજને લાંબા સમય સુધી સાચવી રાખે છે. એક અંદાજ અનુસાર, એક કિલો ગાંડા બાવળવાળું ખાતર જમીનમાં સાત લિટર પાણીનો સંગ્રહ કરી શકે છે. આમ, પાણીની બચત કરવામાં આ ખાતરની મોટી ભૂમિકા છે. ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર ત્રણ મહિના સુધી સતત જહેમત ભરી કવાયતના અંતે તૈયાર થઈ ગયું…
એકદમ કાળુંમસ… આ ખાતરને જલ્દી સડાવવા માટે ન્યૂટ્રિભૂમિ, ઓડબ્લ્યુડીસી, ઉષા ડિકમ્પોઝર, માધ્યમ જેવાં બેક્ટેરિયાનું દ્રાવણ તેમાં છાંટવું. પ્રવીણ મૂછડિયા ઉત્સાહભેર કહે છે કે, છ ગામના 15 ખેડૂતે 40 ટનથી વધુ ગાંડા બાવળવાળું ખાતર બનાવ્યું. એક ટન ગાયનું છાણ – મૂત્ર તેમજ પશુએ ખાઈને થોડોક મૂકી દીધેલો ચારો મળીને છાણિયાં ખાતર સામે `સાત્ત્વિક’ સંસ્થા તરફથી એક ટન ગાંડા બાવળનો ચૂરો અપાયો. પહેલું લેયર (સ્તર) છાણિયાં ખાતરનું, તેના પર બીજું સ્તર બાવળના ચૂરાનું વચ્ચે વિવિધ બેક્ટેરિયાનાં દ્રાવણનો છંટકાવ કરતા ગયા. કચ્છની જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોવાથી તેની ઉણપ પૂરવા રોક ફોસ્ફેટની માટી, આયર્ન (લોહતત્ત્વ)ની ઉણપ પૂરવા ગેરુ પણ નાખ્યા. વલીમામદ થેબાએ તાંત્રિક માર્ગદર્શન આપ્યું. સમગ્ર વ્યાયામ દરમ્યાન ખાતર જરા પણ સૂકાઈ ન જાય, તેની કાળજીરૂપે છાંયડાવાળી જગ્યા પસંદ કરી, સેન્દ્રિય ખાતરને સતત ભીનું રાખવા નિયમિત પાણીનો છંટકાવ કરાયો.`સાત્ત્વિક’નાં સક્રિય કાર્યકરો અંકિતા બતા, નંદિની ચાડે પણ કિસાનોની સાથે રહીને કામ કર્યું. મહિલા કિસાનોએ આ પ્રયોગને સફળ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેવું પ્રવીણભાઈએ જણાવ્યું હતું. આ પ્રયોગમાં સક્રિય રીતે સામેલ થયેલા ઉમેદપર ગામના કિસાન પ્રવીણ ડાંગરે કહ્યું હતું કે, જ્યાં જગતના તાતને વરસાદનાં વ્હાલ પર આધાર રાખવો પડે છે, તેવી સૂકી ખેતી થતી હોય તેવી જમીન માટે જડીબુટ્ટી સમાન ગાંડા બાવળનાં સેન્દ્રિય ખાતરનો પ્રયોગ કચ્છના વિવિધ ભાગોમાં કિસાનોએ કરવા જેવો છે. ટ્રેક્ટર પાછળ જોડાતાં થ્રેસરથી ગાંડા બાવળનો ચૂરો કરી શકાય છે.
આવનારા સમયમાં જાતે જ આ ચૂરો બનાવીને અને જાતે ખાતર બનાવશું, તેવું તેમણે ઉત્સાહભેર જણાવ્યું હતું. એ જ રીતે ધરમપુરના કિસાન આલજીભાઈ ધનાભાઈ ડાંગરે પણ બાવળનાં મૂળિયાં, પાનના ચૂરાથી ખાતર બનાવવાના પ્રયોગની પ્રેરણા આપનાર `સાત્ત્વિક’ સંસ્થાનાં પથદર્શનને સફળતાનો યશ આપ્યો હતો. ભવિષ્યમાં ગામોની પંચાયતો સાથે મળીને વ્યાપક પ્રમાણમાં આ પ્રયોગ કરવાના નિર્ધાર સાથે પ્રવીણ મૂંછડિયાએ કહ્યું હતું કે, ગાંડા બાવળનો ચૂરો કરીને ખેડૂતોને પંચાયત જ પૂરો પાડે તેવી યંત્રણા વિકસાવી શકાય. આમ તો જમીનમાંથી મીઠું પાણી ચૂસી, ખારાસ છોડી દઈને જમીનને નુકાસાન કરતા ગાંડા બાવળથી જમીનની ફળદ્રુપતા વધારવાના આ સફળ પ્રયોગને પીઠબળ પુરું પાડવાની દિશામાં સરકાર, સંસ્થાઓ સહિયારા પ્રયાસો કરે તો ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે…