માલધારી ગંગાબહેનની નાત – જાતના ભેદભાવ વગરની સેવાને સલામ !
9 વર્ષથી શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર શીરો પ્રસૂતાને ખવડાવીને જ ચા નાસ્તો કરે છે
વાંકાનેર: પંથકમાં શહેર સહિત આશરે 100 થી વધુ ગામડાઓની કોઈ પણ સમાજની મહિલા પ્રસુતિ માટે શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં આવે અને ત્યાં પ્રસુતિ થાય તે તમામ મહિલાઓ ગંગાબહેનના નામથી અજાણ નહીં જ હોય. શહેરના માલધારી નેતા કાનાભાઈ ગમારાના પત્ની ગંગાબહેન દરરોજ ઘરે વહેલા ઊઠી જાતે જ શુદ્ધ ઘીનો ડ્રાય ફ્રુટ સાથેનો ગરમાગરમ શીરો બનાવે અને સાત વાગ્યામાં વિતરણ કરવા પતિ સાથે હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, જ્યા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક પ્રસૂતા મહિલાઓને પોતાના હાથે શીરો આપી તબીયત પૂછે, અને અગવડતા હોય તો તે અવગવડતા દૂર કરવા જણાવે છે.
ભીમગુડા ગામે જન્મેલા ગંગાબહેન તેમના માતા પિતા તરફથી દહેજમાં ભૌતિક ચીજ વસ્તુઓ સાથે સેવાકીય પ્રવૃતિઓ અને સંસ્કાર મળ્યા છે. ગંગા બહેનના લગ્ન કાનાભાઈ ગમારા સાથે થયા અને બાદમાં પતિ સાથે મળી ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ તેમજ શ્વાનને રોટલી રોટલા ખવડાવી શહેરમાં સેવાનો યજ્ઞ આરંભ્યો હતો.
ગંગાબહેન બહારગામ વ્યાવહારિક કામસર બહાર જવાનું થાય તો પણ ગમે તેમ કરીને સાંજ સુધીમાં પરત આવી જાય. ગંગા બહેન છેલ્લા કેટલાક વર્ષોથી બહારગામ રાત્રિ રોકાણ કરતા નથી.
આજે વાંકાનેર પંથકમાં બે પાંચ નહિ પરંતુ હજારો મહિલાઓએ પ્રસુતિ સમયે અચૂક ગંગા બહેનના હાથનો શીરો અવશ્ય ખાધો જ હોય. ગંગાબહેન કહે છે કે મને ક્યારેય કોઇ પણ જાતનો કંટાળો આવતો જ નથી અને હું પહેલું કામ શીરો બનાવવાનું કરું, બહેનોને પહોંચાડું અને બાદમાં જ ચા નાસ્તો કરું છું.
એક વાર સારવાર માટે હોસ્પિટલ હતા ત્યાં એક જરૂરિયાતમંદ પ્રસૂતાને ભૂખથી ટળવળતી નજરે નિહાળી અને ત્યારથી મનોમન નક્કી કરી લીધું કે આજથી જ ગાયો , પક્ષીઓ અને શ્વાનની સાથે શહેરની હોસ્પિટલમાં પ્રસૂતાને રોજ શુધ્ધ ઘીનો શીરો ખવડાવવો. આ નિર્ણય બાદ છેલ્લા નવ વર્ષથી નિત્યક્રમ મુજબ સવારે પાંચ વાગ્યે ઊઠી ઘરે પૂજા કરી પ્રથમ કામ શીરો બનાવવાનું કરે છે. અને ગરમાગરમ પહોંચાડે છે. સૌજન્ય: દિવ્ય ભાસ્કર
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ