ખાનગી માલિકીના કિસ્સામાં હવે તલાટી પર કેસ નહીં
ગાંધીનગર: ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ કરવાના સરકારના નિર્ણયમાં પીછેહઠ કરવામાં આવી છે અને વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગરથી સુધારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે…
ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો અટકાવવા માટે તકેદારીના પગલાં લેવા ઉક્ત વંચાણે લીધા પરિપત્રથી સૂચનાઓ આપેલ છે. જેના ક્રમ નં.૮ માં “ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ યોજના કે ખાનગી માલિકી દ્વારા બોરવેલ બનાવવામાં આવેલ હોય તેવા બોરવેલ/ટયુબવેલમાં બાળકોના પડી જવાના કિસ્સાઓ બનવા પામશે તો તે અંગેની અંગત જવાબદારી સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રીની રહેશે. તે અંગેની ધોરણસરની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરવાની રહેશે. ” તેમ ઉલ્લેખેલ છે.
ઉક્ત પરિપત્રના ક્રમ નં.૮ માં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.
“ખાનગી માલિકી કે કોઈ પણ સંસ્થા/મંડળી દ્વારા બોરવેલ બનાવવામાં આવેલ હોય તેવા બોરવેલ/ટયુબવેલમાં બાળકોના પડી જવાના કિસ્સાઓ બનવા પામશે તો તે અંગેની અંગત જવાબદારી સંબંધિત માલિક/સંબંધિત સંસ્થા/મંડળીની રહેશે આ બાબતની જાણ તલાટી કમ મંત્રીશ્રીએ સંબંધિતોને લેખિતમાં કરવાની રહેશે. જ્યારે સરકારશ્રીની કોઈ પણ યોજનામાંથી કે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ બોર- કૂવાના કિસ્સામાં સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રીની જવાબદારી રહેશે. તે અંગેની ધોરણસરની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરવાની રહેશે.
પરિપત્રની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.
આ સુધારા પરિપત્રની નકલો 1. જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, તમામ તથા 2. તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તમામને મોકલવામાં આવી છે.
