લઘુત્તમ વેતન મુદ્દે આશા વર્કર બહેનોનું સરકારને અલટીમેટમ
સરકાર સામે પણ જોતી નથી. વાયદા પર વાયદા કરે રાખે છે
અમદાવાદ: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પણ સરકાર સામે અમુક વર્ગના કર્મચારીઓ નારાજ છે. ઘણા સમયથી કર્મચારીઓ તેમની માગોને લઈ સરકાર સામે બાંયો ચડાવી રહી છે. પછી તે જ્ઞાન સહાયક આંદોલન હોય, જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકોની માગ હોય કે પછી ડાક વિભાગના કર્મચારીઓ હોય. જો કે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ તેમની પડતર માગોને લઈ સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે હવે ગુજરાતમાં આશા વર્કરો અને આંગણવાડી બહેનો તેમની માગોને લઈ મેદાનમાં આવવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલા ટેનિસ ગ્રાઉન્ડમાં આશા વર્કર અને આંગણવાડી બહેનોએ તેમની પડતર માગોને લઈ એક સભાનું આયોજન કર્યું હતું. એક રીતે આ બહેનોએ રેલીનું આયોજન કર્યું હતું, પણ રેલી માટેની મંજૂરી ન મળતા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશા વર્કર અને આંગણવાડી બહેનોની માગ છે કે, નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે જે દૂર કરવામાં આવે. આશા વર્કર તરીકે કામ કરતી મહિલાઓને હેલ્પરમાં પ્રમોશન આપવામાં આવે, આશા વર્કર અને ફેસિલેટરને એટલું કામ આપવામાં આવે છે કે, તેની કોઈ હદ નથી. ત્યારે તેમણે પણ વધારાનું કામ આપવામાં ન આવે, આંગણવાડી બહેનોને મોબાઈલ અને રજીસ્ટર બંનેમાં કામ કરવું પડે છે. મોબાઈલ ચાલતા નથી. આ બાબતે પણ સરકાર સામે અનેકવાર રજૂઆત કરી છે. પગાર પણ નિયમિત રીતે ચૂકવાતો નથી. બાળકોને આપવામાં આવતા નાસ્તા માટે ઘણી વાર બહેનોને ઘરમાંથી સામાન લાવવો પડે છે. આટલા ટૂંકા પગારમાં બહેનો કેવી રીતે કામ કરશે.
સમસ્યાઓ અંગે વાત કરતાં આંગણવાડી બહેનોએ જણાવ્યું કે, સમસ્યાઓ અનંત છે. આજે રાજ્યમાંથી પોલિયો નાબૂદ કરવાનું શક્ય માત્ર આંગણવાડી બહેનોના કારણે જ બન્યું છે. બીજાના બાળકને પોતાના બાળકની જેમ સાચવીએ છીએ. પણ સરકારે આને માત્ર નામ જ યશોદામાતા આપ્યું છે. પણ જ્યારે યશોદાના પગારની વાત આવે ત્યારે સરકાર સામે પણ જોતી નથી. વાયદા પર વાયદા કરે રાખે છે. આશા વર્કર અને આંગણવાડી બહેનો આજે લોહીના આંસુએ રડે છે. પાંચ હજાર અને દસ હજારમાં આજે ઘર કેમ ચલાવવું તે સૌથી મોટો સવાલ છે. આશા વર્કર બહેનોએ એમ પણ જણાવ્યું કે, સરકારને રજૂઆત કરતા પત્રો લખીને પણ હવે થાક્યા છીએ. અને હવે તો પોસ્ટ મેન પણ કહે છે પત્રો માટે જગ્યા ઓછી પડી રહી છે. આગળ હવે ચૂંટણી પણ આવી રહી છે. સરકારને વિનંતી કરીને થાકી ગયા. હવે તો વિનંતી કરવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે આંગણવાડી બહેનો અને આશા વર્કરો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવા અને ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તૈયાર છે. જો આંગણવાડી અને આશા વર્કર બહેનોની માગ નહીં સંતોષે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતારવાની પણ આશા વર્કર બહેનોની તૈયારી હોવાની વાત કરી હતી.