કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કેરાળાના અસ્તાપીર (રહેમતુલ્લાહ અલયહે)

હરભમજી સાથીદારો સાથે લીંબાળા ગામ માથે ત્રાટ્યો

એને હાથમાં હથિયાર ન લેવાની પોતાની કસમ યાદ આવી ગઇ

બંદૂકના કાનનો દારૂ સળગી ગયો પણ એકેય બંદુકમાંથી ભડાકો ન થયો

લૂંટારા રાજ ચંદ્રસિંહજીની તલવારે ઝાટકે મરાયા
પંચાસર બાય પાસના પુલ પાસે નદીના કાંઠે આજે ઍંસ્સી જેટલી ખાંભીઓ છે

વાંકાનેર રાજની સ્થાપના પહેલા હાલના વાંકાનેર તાલુકાના પાડધરા ગામ ઉપર ત્યારે ગોરી મુસ્લિમ બાદશાહનું રાજ હતું. ધરતીકંપમાં તારાજ થયેલા ત્યારના બાદશાહના મહેલ-ગઢના અવશેષો પાડધરાથી દખણાદી દિશામાં મહા નદીના કાંઠે આજે પણ નજરે પડે છે. પાડધરાથી આથમણી બાજુ થોડે દૂર વિઠ્ઠલપરની સીમમાં નદીના કાંઠે એ બાદશાહના વખતનું એક કબ્રસ્તાન પણ હાલ આવેલું છે. આ મુસ્લિમ બાદશાહના લશ્કરના વડા તરીકે બહાદુર અને શરીરે ખડતલ પણ ઈમાનદાર એવા એક પરહેઝગાર માણસ, હેબતખાનજી એનું નામ.


કોઈ એક લૂંટના ગુન્હેગારને ભાગતો અટકાવવા હેબતખાનજીએ કુહાડીને છૂટો ઘા કરેલો અને ગુન્હેગાર તરફડિયા ખાઈને મરણ પામ્યો. મરનારની જુવાનજોધ ઘરવાળી તેના ધણીની લાશ પર હૈયાફાટ રૂદન કરવા માંડી, તે બાઈના ગાલ પર વહેતી આંસુડાંની ધાર અને એનું આક્રંદ જોઈને હેબતખાનનું દિલ પીગળી ગયું- હૃદય હલી ગયું. પછી ખબર પડી કે મરનાર ખરો ગુન્હેગાર નહોતો. હવે હેબતખાન ખળભળી ઉઠયા. પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો- નિર્દોષને સજા થઇ. પેલી સ્ત્રીનાં આકંદના ભણકારા હૈયાને ચિરવા લાગ્યા. અફસોસ કરતું મન હવે સંસારથી વિમુખ થવા લાગ્યું અને એણે બાદશાહની સમજાવટ છતાં લશ્કરના વડા તરીકે રાજીનામું આપી ફરી ઝીંદગીમાં ક્યારેય કોઈ પણ હથિયાર હાથમાં ન ઝાલવા કસમ ખાધી. પાડધરા રાજ છોડી હાલી નિકળ્યા. ફકીરી લઈ લીધી. હાલતા હાલતા મચ્છુ નદીનાં કાંઠે કેરાળા ગામ પાસે ઝાડોનું ઝુંડ જોઈ ત્યાં રોકાઈ એકાંતમાં દુનિયાથી દૂર ખુદાની બંદગી કરવા લાગ્યા. ટાઢ- તડકો- ભૂખ- પ્યાસની દરકાર કર્યા વિના બસ ખુદાની બંદગી જ એમની ઝીંદગી બની ગઇ. ત્યારે કેરાળામાં કોઈ મુસ્લિમનું ઘર નહોતું.

વાંકાનેરના ઈતિહાસકાર સ્વ. જશુભાઈ ગઢવી આગળ લખે છે કે… કેરાળા ગામના પાદર સુતેલ એક ખુદાના નેક બંદાની શહીદીની કથા સાંભળો !
એ સમયે વાંકાનેરની ગાદી પર રાજચંદ્રસિંહજીના રાજ તપતા હતા. ઈ.સ. ૧૬૮૪ સાલમાં અહીં વાંકાનેરના ધણીનું રખોપુ સહેજ ઢીલુ લાગતા ખાટસવાદિયા એવા કચ્છના વોંધ ગામના હરભમજી ઝાટકિયા તેના સાથીદારો સાથે લીંબાળા ગામ માથે ત્રાટ્યો. બંદુકના ખરકંદાજો સામે ગામ લોકોએ જે કોઈ હતું, તે ધરી દીધું. કોઈ ભાગી છૂટયા તો કોઈ આડા અવળા સંતાઈ ગયા. જાતા જાતા લૂંટારાઓએ બંદુકોની જામગરીઓ ચેતાવીને પોતાના વિજયના ભડાકા કર્યા અને ગામ લોકો પર ડર બેસાડી ઘોડા પલાણી રવાના થયા. ત્યારના જમાનામાં ગાયોને લૂંટવી બહુ બહાદુરીનું કામ લેખાતું.
ઉનાળાની મોડી સાંજે પાછા ફરતા ગાયના ધણમાંથી ૧૦-૧૨ ગાયોને વાળીને હાંકીને ઓતરાદી સીમ ભણી હાલી નીકળ્યા, કેરાળાના પાદરમાં આવેલ વોંકળામાં ગાયોને પૂરી દઈ શકાય તેમ હતું. ત્રણેય તરફ ભેખડો અને નદી તરફ ખુલ્લો ભાગ….આંબલી લીંબડા અને બાવળના ઝાડની ઝાડી અને નિરવ નાનું ગામ- સવારે નિકળી જશું, તેવા મનસુબા સાથે લૂંટારા અહિં ભરાઈ રહ્યા.
ફઝરની નમાઝ પઢવા નદી કાંઠે આવેલ નાની ધાર પર રહેતા ફકીરવેશધારી હેબતખાન ગોરી વઝુ કરવા લાગ્યા. લૂંટારા સજાગ હતા. વઝુના પાણીનો અને કુરઆનશરીફની આયતોના ઘેરો અવાજ લૂંટારાના કાને પડયો.
ધોળી દાઢી, માથે સેંથો પાડી ઓળેલા લાંબા વાળ, ગળામાં પીરને નેજાના ફટકા નીચે ઝૂલતી તસ્બીધારીએ પડછંદ દેહે ઝિક્ર કર્યા… અલ્લાહુ – અલ્લાહ… અને વાતાવરણ થંભી ગયું છે. જાણે પીર પયગમ્બર ઓલિયાની સવારી અહીં આ નેક દીલ આદમીની પુકાર સાંભળી આવી ગઇ છે ! હેબતખાનજી મસલ્લા પર બેઠા, ત્યાં નીચેના વોંકળામાં ગાયો – ઢોરના પગરવ અને ક્યાંય ક્યારેક ભાંભરવાનો આવાજ સંભળાયો, નજર લંબાવી ઝીણી નજરે જોયું તો કોઈ માણસો હોય એમ લાગ્યું. આ નવીન કૌતુક જોઈ બાપુ નમાઝ પઢી ઉભા થયા, અહીં ગાયોને પૂરી હતી. ઉનાળો હતો એટલે નદીના પાણીની ગંધ પારખી ઢોર ગાયો પાણી પીવા માટે નદી તરફ જવા બહાર નિકળવા પ્રયત્ન કરતી હતી અને લૂંટારા ગાયોને પરોણા મારી રોકતા હતા.

 

પીરબાપુ નીચે ઉતરવા લાગ્યા, તેવામાં નાકે ઉભેલા બડકમદારે એક ગાયને ભડુહ દેતાની મોઢા પર લાકડી મારી. વળામણુ લાગી જતા ગાય પડી ગઈ અને એ કોમળ દીલના ફકીરના હૈયેથી દયા છલકાઈને ક્રોધરૂપી બહાર નિકળી “એ ય શયતાન ! કાયકુ ગાયકુ મારતા હૈ? તેરેકુ ક્યા મીલને વાલા હૈ..યહ ગાયકો મારકર?’ કહી પડેલી ગાય પાસે હેબતખાનજી જવા જાય છે, ત્યાં પીરબાપુને બાવડેથી પકડી ફેંક્યા. ગાયના ફાટેલા ડોળા પીરબાપુ સામે દયામણે ચહેરે જોઈ રહ્યા હતા. જાણે કહી રહ્યા હોય કે ‘મને બચાવો’. પીરબાપુને શુરાતન ચડ્યું અને ઝુઝવા લાગ્યા. અલ્લાહુ- અલ્લાહુ ના બુલંદ અવાજ સાથે તેમણે બે ય બડકમદારોને મોટી ઉંમર છતાંયે બથમાં દબાવી દીધા. ત્રીજો તલવાર લઈ ઘસી આવતો કાફરને પડકાર્યો “એય.. પાછો વળી જા. તારી ખેર ચાહતો હો તો- ગાયોને મૂકીને ચાલ્યો જા”
“નહિંતર-નહિંતર તું શું કરી લઈશ?” આવનારે તુમાખીથી પૂછયું.
“નહિંતર મેં તો કુછ નહિં કરુંગા. કયું કિ મેં ફકીર હું, મેરા કામ હૈ દુઆ કરના… મગર યે ગાવતરીકો અગર તુંને મારા તો…”
આમ જ્યાં વડચડ ચાલે છે ત્યાં જ બહાર ગોકીરો બોલી ગયો. “મારો મારો” ના અવાજ મંડયા આવવા… કાનેવાળિયાએ આવવા… કાનેવાળિયાએ વોંકળાના ખૂણેથી સાદ દીધો, “હરભમજી બાપુ, ગામના લોકો દોડયા આવે છે”
“તમે બડકમદારો બંદુકો લંબાવો અને મંડો ફટકારવા” હરભમજીએ હુકમ કર્યો… ત્યાં તો એક ગોવાળ સાથે આવેલ સાંઢે પૂંછડાનો ઝંડો ઉચો કરી શિંગડા નિચે નમાવી હરભમજી ભણી દોટ મૂકી-અડફેટે ચડાવી તેને પાડી દીધો. હરભમજીએ એ ખૂટને- સાંઢને અને ગોવાળને ભડાકે દીધા.


હેબતખાનજી દોડીને ગોવાળને પકડે ત્યાં તો તેંત્રીસ લાશ ઢાળી દીધી. (આમાં ભરવાડ, હરીજન, રાવળ, કુંભાર , વિગેરે હતા…જેના બધાના પાળિયા ઉભા છે, જેમાંથી કેટલાક નદીમાં તણાઈ ગયા છે, તો કેટલાક તેનાં વંશજે વિધિ કરી લઈ ગયા છે. ભરવાડના મુંધવા અટકના પરિવારના વંશજો દલડીમાં, કુંભારનો પરિવાર રાજકોટમાં, રાવળના પરિવારના વંશજો જૂનાગઢમાં રહે છે, ભાવનગર બાજુથી ઝાલા કૂળનો પરિવાર પણ અહીં આવતો રહે છે.)
હેબતખાનજી સાથે જીભાજોડી કરતો એક લૂંટારો હવે હુમલો કરશે જ, એવું લાગતા કોઈના હાથમાંથી છટકી ગયેલી કુહાડી બે ડગલે સામે જ પડી હતી. પોતાને રક્ષણ માટે ધારત તો હેબતખાનજી તે કુહાડીથી ઘણાને પતાવી દેત, પણ એને હાથમાં હથિયાર ન લેવાની પોતાની કસમ યાદ આવી ગઇ. સંજોગ એવા હતા કે કાં તો કસમ તોડવી પડે અને કાં તો જીવ આપવો પડે. કશ્મકશમાં અંતે કસમ તોડવા કરતા જીવ જાય તો ભલે જાય પણ રૂહની કુરબાની આપવાનું તેણે બહેતર સમજયું. સામે પડેલી કુહાડી ઉપાડવાને આગળ વધેલા ડગ પાછા કર્યા અને ગાયના લુંટારાએ જાતા જાતા છુટો બરછીનો ઘા કર્યો. જે ઘા એ હેબતખાનના માથાને ધડ ઉપરથી ઉતારી દીધું. હેબતખાનજી દોડયા… શિરમુબારક તેમના (તકિયે) ધાર પર પડયું અને ધડમુબારક બહારવટિયાનેપકડવા દોડયું !

લૂંટારા ભાગી નીકળ્યા ત્યારે સામે પડેલ શિરમુબારકમાંથી ગેબી અવાજ સંભળાયો “એ નાપાક ! તું સો કદમ પર મરેગા”
હરભમજી અને સાથીદાર લૂંટારા આ ગેબી અવાજે દીધેલા શ્રાપથી ભેચક થઇ ગયા અને ભાગ્યા. ગામમાંથી દોડી આવેલ બે દીકરીયુંયે બાપુના પડેલ સરમુબારક પાસે જઈ પાણી પાયું અને ધડને શાંત કરવા ગળીનો દોરો અડાડયો.
આમ કેરાળાના પાદર કસમ પાળવા ગાયના લૂંટારાના હાથે શહીદી વ્હોરનાર હેબતખાનજી ગોરી અમારા અસ્તાપીર અહીં મનાવા લાગ્યા. આ ગામમાં મુસલમાનો તો સવા બસ્સો વર્ષથી જ રહેવા આવ્યા છે.
કેરાળાથી ભાગી છૂટેલા લૂંટારા કેરાળાથી ઉભી મચ્છુ નદીએ ભાગ્યા, આગળ લૂંટારા અને પાછળ હો- દેકારો અને ‘મારો… મારો’ના અવાજો સાથે હાથ પડયું હથિયાર લઇ દોડતા લોકો દોડયા આવે છે, આ દેકારો ત્યારના રાજા રાજચંદ્રસિંહજીના દરબારગઢે સંભળાયો અને રાજા એકાવન ઘોળેશ્વરો લઇ રામચોક મોરબી દરવાજા થઇ નદીમાં લૂંટારા પાછળ દોડયા.

‘સરદાર ! પાછળ વાંકાનેરની વાર ચડી છે, પાછળ નજર કરો…’
પાછળ નજર કરે તો ઘોડેશ્વરનું કટક- ‘ફિકર નહીં, આપણા ખંભે બંદુકો છે, એ આડ હથિયારીઓ છે…’ (આડ હથિયારીઓ એટલે તલવાર, બરછી, ભાલા). ગોળીથી વીંધી નાખશું, પેટાવો જામગરીયુ’
પલકમાં તો ચકમક અને લોઢાના આગના તણખા ઝરવા લાગ્યા. જામગરીયો ઝબૂકી ઉઠી અને આસોઇ તથા મચ્છુ નદી જ્યાં ભેગી થાય છે, તેનાથી આગળ મોટી વાડી પાસે સામસામો ભેટો થયો, સરદારે અવાજ માર્યો ‘હાં ભેરુ ! ફૂંકી મારો’
હુકમની સાથે બંદૂકના નાળચા લાંબા થયા, બંદૂકના કાન માથે જ્યાં જામગરી દાબી ત્યાં તો સફફફ થઈને બંદૂકના કાનનો દારૂ સળગી ગયો પણ એકેય બંદુકમાંથી ભડાકો ન થયો. હવાઈ ગયેલા ફટાકડાની જેમ ફૂટવાને બદલે સુરસુરિયું થઇ ગયું. પીર ઓલિયાનો પરચો- અહીં પ્રમાણ આપ્યું.
હેબતખાનજીના શ્રાપની અલ્લાહ તઆલાએ શાખ પૂરી. લૂંટારાને ભાગ્યા વેળુ ન રહ્યું. લૂંટારા રાજ ચંદ્રસિંહજીની તલવારે ઝાટકે મરાયા. પીરના- ઔલિયાના આત્માને શાંતિ, એના જિસ્મને કબરમાં જતા પહેલા તસલ્લી આપી ગઈ કે ખુદાનો ઇન્સાફ અદ્દલ છે. જાલીમોનો નાશ પાક પરવરદિગાર કરે છે.
આજે કેરાળા ગામને પાદર મચ્છુ નદીના કાંઠે અસ્તા પીરની દરગાહ છે. જ્યાં એમનું સર મુબારક પડયું તે સામે ધાર પર પણ સવાર સાંજ ધૂપ અગરબત્તી થાય છે, ચૈત્ર માસની અગિયારમીએ ઉર્ષ ઉજવવામાં આવે છે. જે પ્રસંગે હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ ભેદભાવ વગર ન્યાજ જમે છે. હિન્દૂ ભાઈઓ ઉર્ષમાં ચાદર પણ ચડાવે છે. ખૂબ જ નિચાણમાં નદી કાંઠે રહેલી આ દરગાહમાં વીશેક ફૂટ જેટલી ભરતી ભરી ગામલોકોએ ફરતી દીવાલ કરી લીધી છે.
પંચાસર બાય પાસના પુલ પાસે નદીના કાંઠે આજે ઍંસ્સી જેટલી ખાંભીઓ છે. આ ખાંભીઓમાં ઘોડેશ્વારનું ચિત્રણ છે, જેથી લડાઈમાં મરણ થયાનું અનુમાન છે.

નોંધ: વાંકાનેર રાજની સ્થાપનાને અંદાજે પોણોસો વર્ષ પછીની એટલે કે આજથી ત્રણસો વર્ષ પહેલાની બનેલી આ ઘટના અંગે અમારી પાસે કોઈ લેખિત ઐતિહાસિક આધાર નથી. માત્ર સ્વ. જશુભાઈ ગઢવીએ કમલ સુવાસ સાપ્તાહિકમાં પ્રગટ કરવા અમને આપેલી લેખન સામગ્રીનો આધાર લીધો છે. જો આમાં કાંઈ ભૂલ હોય તો અસ્તાપીર (રહેમતુલ્લાહ અલયહે) અમને માફ કરે : નઝરૂદીન બાદી

Content Copying Forbidden !!

error: Content is protected !!