કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-2

હપ્તો: બીજો
(આજે આપણે આ લેખમાં બીજો હપ્તો વાંચીશું. જે વાંચકો પહેલો હપ્તો વાંચવાનું ચૂકી ગયા છે, તે અહીં ટીક કરવાથી પહેલો હપ્તો વાંચી શકશે. મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)હપ્તો: પહેલો

ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાયકા છે કે કાપતા રોકવા માટે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા પ્રગટ કરી ચમત્કાર કર્યો. હોલમાતાજીએ તો ડાળીએ ડાળીએ દિવા પ્રગટાવેલા, આ જોઈને ડરવાને બદલે અબુજીદાદાએ તો ઝાડના પાંદડે પાંદડે દિવા પ્રગટાવ્યા. સાંભળેલી વાત છે કે હોલમાતાજી પ્રસન્ન થઇ પ્રગટ થયા અને અબુજીદાદાને કહ્યું: ‘ભલે તું લાકડું લઈ જા, પણ તારો વંશ અહીં ઝાડ ન કાપે’. દાદાએ પોતાની સાત પેઢી સુધીની જવાબદારી લીધી. અત્યારે લગભગ આઠમી પેઢી ચાલી રહી છે, છતાં આ બોલ એમના વંશજો આજે પણ પાળે છે. કોઈ પણ સંજોગોમાં હોલમાતા વિસ્તારમાં લાકડું કાપતા નથી. એક સ્પષ્ટતા જરૂરી છે કે ડાળીએ ડાળીએ તથા પાંદડે પાંદડે દિવા પ્રગટાવવાની વાત વધુ પડતી કોઈને પણ લાગે, પરંતુ પીર ઔલિયાના આવા કેટલાય મોઅજીઝા ઇતિહાસમાં દર્જ છે. વિલાયતને પામેલા વલીની દુવા અલ્લાહ સાંભળે છે, દિલના યકીનની વાત છે.

એક દિ’ અબુજીદાદા વાંકાનેર હટાણું કરવા ગયેલા. ત્યારે મહિકા પાસે અત્યારનો પુલ નહિં કે અગાઉનો બેઠો પુલ પણ નહિં. વાંકાનેરથી પાછા આવવામાં મોડું થઇ ગયેલું. મગરીબનો ટાઇમ થઇ ગયેલો. ઉપરવાસ મે વરસેલો. નદીમાં માથાળા ઉપર પાણી વહી રહ્યું છે. બળધીયા ભલે લોંઠકા હોય પણ આ પાણીમાં ગાડાને ઉતારવાથી હટાણાનો સામાન પલળી જાય- પૂરું જોખમ હતું. હવે શું કરવું?
મગરીબ તો અદા કરી. જલાલમાં આવી પાણીને મારગ કરી આપવા દુઆ માંગી અને અણસાર નહોતો છતાં પાણી ઓસરી ગયું.

પરહેઝગાર અને સાફ મનનાં અબુજી દાદા મસ્જીદ સિવાય કયાંય નિકળતા નહિં. તેના પરદે થવાનો અણસાર તેને અગાઉથી જ મળી ગયેલો.ઇદુલ-દોહાને બીજે દિવસે (વાસી ઇદે) અસરનાં ટાઇમે કુટુંબને જાણ કરી દીધી કે મગરીબ બાદ મારો ઇન્તેકાલ છે.
મગરીબ બાદ દાદા પરદો કરી ગયા. તેના મૈયતને લઇ જતા કાનપરનો મારગ વટતા વાવર આવી અને સાથે લીધેલા બધા ફાનસ ઓલવાઇ ગયા. અંધારામાં કાંઇ સૂજે નહિં. લોકવાણી છે કે ત્યારે જનાઝામાંથી કુદરતી રીતે એટલી રોશની પ્રગટ થઇ કે આસાનીથી દફનવિધિ થઇ શકી. સાચા વલીની દુઆથી વિલાયત મેળવનાર અબુજીદાદાનો આ મોઅજીઝો હતો !

અબુજીદાદાની ઘણા મોઅજીઝા મોમીનોએ એમના પરદા થવા પછી પણ જોયેલા છે. સફેદ કપડામાં ઘોડી પર રાતના ઘણી વાર નસીબવાળાને દિદાર પણ આપ્યા છે. આફતો વખતે મદદે આવ્યા છે. બબ્બે મોટી પાણીની હોનારતો થઇ, આમ છતાં અત્યાર સુધીમાં મહિકાના કોઇનો પણ ભોગ લેવાયો નથી. સદરુદીનબાવાએ દુઆ કરી હતી કે પૂરથી મહિકાનો કોઇનો ભોગ લેવાશે નહિં. મહિકા તણાય તે પહેલા પાણી રોકતું ‘બેડિયો’ વોંકળો તૂટી જાય છે અને મહિકા ગામ બચી જાય છે.

ઈદ મસ્જિદ ક્યાં બનાવવી, એ વિષે ગામલોકોએ સદરુદીનબાવાની પાસે ઈદ મસ્જિદ માટેનું સ્થળ જાણવા પૂછ્યું. બાવાએ મહીકાથી ઓતરાદી બાજુ નદીની ઓલી પાર કે જ્યાં હાલ ઈદ મસ્જિદ છે, તે બતાવ્યું. ગામ લોકો મૂંઝાયા, ઈદ તો ઉનાળામાં પણ આવે અને ચોમાસામાં પણ આવે. ભર ચોમાસામાં ઈદ હોય અને અનરાધાર વરસાદ પડે તો નમાઝ અદા કરવા નદી કેમ ટપવી ? ત્યારે નદી પર આજે જે પુલ છે તે નહીં. બાવાએ કહેલું. નમાઝ પઢવા ઈદ મસ્જીદે જશો, તો પગના પાંયચા પણ નહિ પલળે. વરસો અગાઉ કહેલી આ વાત આજે સાચી સાબિત થઇ રહી છે. પુલ બનતા આ સમસ્યા ઉભી થતી નથી.

ઉંદરડાનો ત્રાસ હોય તો રેતીની ઢગલી મોલમાં કરતા પછીથી ત્રાસ બંધ થઇ જાય છે. ઓલાદ માટે તો અબુજીદાદાની માનતા કારગત નિવડે છે. આજે ગારીયાના કબ્રસ્તાનમાં દાદા આરામ ફરમાવી રહ્યા છે, જ્યાં અબુજીદાદાની કબર ફરતે પહેલા કઠોળો નહોતો. અહીં નિચાણમાં રહેલી દાદાની કબર ઉપર નદીનું પાણી આવી જતું. પાણી સાથે ઓવારમાં કચરો, બકરાની લીંડીઓ આવી જતી. મહિકાની જમાત ભેગી થઇ. કઠોળો બાંધવાનું નકકી કર્યું, જેથી પાણી ટપી શકે નહીં.  મહિકાના અકીદતમંદોએ જેનાથી જે બને તે સહકાર આપ્યો. તાઃ ૧૧-૧૧-૨૦૦૮ (જમાદીલ અવ્વલ મુ. ચાંદ ૧૧)ના કામ પૂર્ણ થયું.
અહીં દર વરસે ઈદુલદોહા (બકરીઇદ)ના બીજે દિવસે (વાસી ઇદે) ઉર્ષમુબારક ઉજવવામાં આવે છે. મહિકાથી કાનપર જતા રસ્તા ઉપર આગળથી ડાબા હાથ ઉપર કાચો રસ્તો ફંટાય છે, જે ઠેઠ કબસ્તાન સુધી જાય છે. ફોર વ્હીલર વાહન ચલાવવામાં પણ વાંધો આવતો નથી.
જેમની દુઆ કબૂલ થતી, જેમના બોલ ફળતા એવા સદરૂદ્દીનબાવા હાલ વીંજાણ (કચ્છ) માં અને તેમના દીકરા મલુકશાબાવા અને તેમના ઘરાનાના અન્યો વરાડિયા (કચ્છ)માં આરામ ફરમાવી રહ્યા છે. જયારે તેમના દીકરા અમીરશાબાવા કચ્છમાં ધનાવાડા તેમના દીકરા મામદશાબાવા અને તેમના દીકરા બાદશાહ મીયાબાવા પાકિસ્તાનમાં કરાંચીમાં આરામ ફરમાવી રહ્યા છે. હાલ તેમનો વારસો ગુલામરસુલબાવા સંભાળી રહ્યા છે. વિભાબા માં વિષે વધુ જાણો.
(હું નઝરૂદીન બાદી, અબુજીદાદાની બાદી અટકમાંથી છું અને આ લેખમાં કંઇ ભૂલચૂક હોય તો અબુજીદાદા અને સદરૂદ્દીનબાવા મને માફ કરે. અલ્લાહ બેહતર જાણે છે.)

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!