ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે
વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે…

મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે પારણું બંધાય અને દીકરો અવતરે તો તેનું નામકરણ કર ઉતારવાની વિધિ કર્યા પછી જ કરવામાં આવે છે અને જ્યાં સુધી આ વિધિ ન થાય ત્યાં સુધી દીકરો માથે વાળની ચોટલી રાખે છે, કર ઉતર્યા પછી ચોટલી કપાય છે. સરકારી ચોપડે પણ નામ લખાવવાને બદલે પુત્ર જન્મની નોંધ રજીસ્ટરમાં લખાવે છે. વિધિ પહેલા પુત્રની ઓળખ હુલામણા નામથી કરે છે. 


કર ઉતારવાની વિધિમાં ખર્ચ વધુ થતું હોય છે, આથી જાજા કુટુંબ મળી આ વિધિ કરે છે અને ખર્ચની વરાડે ભાગે આવતી રકમ વહેંચે છે. આથી આર્થિક રીતે નબળા લોકો પણ વિધિ સરળતાથી પતાવી શકે છે. કર ઉતારવાની વિધિમાં સગા-વ્હાલા, બહેન-દીકરીઓને આમંત્રણ અપાય છે અને આથી માટેલમાં આજે ભરવાડ સમાજના ઘણા લોકો જશે, ત્યાં જમણવાર હશે. ઉલ્લેખનીય છે કે ભરવાડના કુલ 14 કૂળ છે, જેમાં (1) પરમારમાં 21 પેટા કૂળ (2) ચૌહાણમાં 5 પેટા કૂળ (3) સોલંકીમાં 6 પેટા કૂળ (4) જાદવમાં 16 પેટા કૂળ (5) મક્વાણામાં 11 પેટા કૂળ (6) સુવાણમાં 1 પેટા કૂળ (7) સિસાધિયામાં 1 પેટા કૂળ (8) ચાવડામાં 8 પેટા કૂળ (9) રાઠોડમાં 13 પેટા કૂળ (10) ગોહેલમાં 8 પેટા કૂળ (11) વાઘેલામાં 1 પેટા કૂળ (12) સિંધવમાં 14 પેટા કૂળ (13) કારોઠામાં 15 અને (14) વાઢેરામાં 1 પેટા કૂળ મળી કુલ 121 અટક થાય છે. આમ પેટા કૂળમાં પરમારના વધુ છે. ભરવાડ સમાજમાં પેટા કૂળમાં દીકરા-દીકરીના લગ્ન થતા નથી…
