મંદિરની બાજુમાં નવલખો કૂવો આવેલો છે
વનવાસ દરમિયાન પાંડવો અને માતા કુંતા અહીં આવીને રોકાયા હતા: લોકવાયકા
આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વાંકાનેર પંથકના ગુંદાખડા ગામના ગણપતિ મંદિરનો ઇતિહાસ જાણવો અહીં રસપ્રદ થઇ પડશે. આપણે એક ગામની વાત કરી રહ્યા છીએ કે જ્યાં સૌથી પ્રાચીન ગણપતિ બાપાનું નાનું એવું મંદિર છે જેનાથી બહુ ઓછા લોકો માહિતગાર છે. મોરબી જિલ્લાના વાંકાનેરના ગુંદાખડામાં આજે પણ આ મંદિર મોજુદ છે કે જેનો પાયો મહાભારત કાળમાં નંખાયો હતો અને ભીમે પોતાના નખથી શીલામાંથી ગણપતિ કંડાર્યા છે.
વાંકાનેરના ગુંદાખડા ગામે આવેલ ગણેશ મંદિરના મહંત કહે છે કે, મહાભારત કાળમાં અહીં ગામ ન હતું માત્ર શિલાઓ મોટા પથ્થરો અને વનરાવન હતું, મહાભારત વખતે પાંડવો અને કૌરવો વચ્ચે મનભેદ થયો ત્યારે પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવી દેવાનું દુર્યોધને ષડયંત્ર રચ્યું હતું. પણ એમાંથી પાંડવો અને માતા કુંતા આબાદ બચી ગયા હતા. ત્યારબાદ પાંડવોએ વનવાસ ભોગવ્યો અને વનવાસ દરમિયાન પાંડવો અને માતા કુંતા અહીં આવીને રોકાયા હતા. ત્યારે શિલાઓ હોવાથી ત્યાં પાંડવો અને માતા કુંતા ઝૂંપડું બનાવીને રહેતા હતાં.
તે દરમિયાન ભીમે શીલાઓ ઉપર નખથી સુંદર રીતે કોતરણી કરીને ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવી હતી અને તેનું પૂજન કર્યું હતું. આજે પણ તેવી જ શીલા પર ભગવાન ગણેશજીની કોતરણી કરેલી પ્રતિમા મૌજુદ છે. વર્ષો પછી અહીં ગામ બન્યું અને વર્ષો સુધી ગણેશજીની શીલા પર પ્રતિમા સાથે પૂજન થતું પણ ધીરે ધીરે નાનું એવું મંદિર બની ગયું છે.
આ જગ્યા ઉપરથી કોઈપણ વ્યક્તિ પસાર થાય કે દર્શન કરે તો તે ધન્ય બની જાય છે એવી લોકવાયકા છે. તેમજ માનતા, બાંધા રાખે તો લોકો સાજા નરવા થઈ જાય છે. મંદિરની બાજુમાં કૂવો આવેલો છે. જે નવલખો કૂવો તરીકે પ્રચલિત છે. અગાઉના જમાનામાં નવ લાખ ગાયો એકસાથે કૂવામાં પાણી પીવા જતી એટલે આ કૂવો નવલખો કૂવો ઓળખાય છે.
ગણેશ મહોત્સવમાં ઘણા લોકોએ અનેક ગણેશજીની પ્રતિમા જોઇ હશે પણ અહીંયા પાંડવોએ પોતાના નખેથી શીલા પર કોતરણી કરીને ગણપતિ બનાવ્યા એ જોવા સૌભાગ્ય ગણાય છે. આજથી ગણપતિ મહોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના ગુંદાખડાના આ મંદિર કે જેનાથી બહુ ઓછાં લોકો માહિતગાર છે ત્યાં દર્શને જવા જેવું ખરું.
સૌજન્ય: દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કિશન પરમારનો લેખ