કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ભૂપત બહારવટિયો અને વાંકાનેર 

ભૂપતની ટોળકીએ છેલ્લી હત્યા મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના કમળાશંકર દવેની કરી હતી

આપણે આ લેખમાં ભૂપત બહારવટિયાના જીવનને બદલે વાંકાનેરવાસીઓ સાથે બનેલ કેટલીક ઘટનાઓ સુધી સીમિત રહીશું

ભૂપત બહારવટિયાએ વાંકાનેર તાલુકાના કોઈ ગામ ભાંગ્યા નહોતા, વાંકાનેરવાસીઓને રંજાડયાના કોઈ દાખલા મળતા નથી. માળીયા મિયાણાંના મોવર સંઘવાણી નામના બહારવટિયાએ વાંકાનેર તાલુકાનું એક એવું ગામ કે જે ગામમાં વાવ વાવેલી હતી, તે ગામ ભાંગ્યાનું વાંચેલું છે. જુના જમાનામાં પંચાસીયા અને બોકડથંભા ગામમાં વાવ આવેલી હતી. બોકડથંભા ગામ અને રોડ પાસે સામેના ભાગે મોટી સંખ્યામાં પાળીયા ઉભા છે, તેમાંથી એક પાળીઓ વરરાજાનો છે; આથી અનુમાન થાય છે કે કોઈ જાન લૂંટાઈ હશે. આ જાન રજપુતની હોવાનું મનાય છે. વાંકાનેર તાલુકાનું કોઠારીયા ગામ વાલો નામોરી બહારવટિયો ભાંગવા આવેલો, પણ ભાંગ્યા વગર પાછો જતો રહ્યો હતો. 

લોકવાયકા મુજબ હાલના વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામમાં ભૂપત બહારવટિયો અવારનવાર આવતો હતો, ત્યારે કોટડા વાંકાનેર તાલુકામાં નહોતું. આથી અહીં કોઈ રજવાડાની કે પોલીસની બીક રહેતી નહીં. અગાઉના જમાનામાં બોસ્કી નામનું કાપડ બહુ વખણાતું. બોસ્કી કાપડના કપડાં પહેરનારનો વટ પડતો. કોટડામાં દાણચોરીનું કાપડ મળતું હતું. ભૂપત એટલે આઝાદી પહેલાનો સૌરાષ્ટ્રનો છેલ્લો બહારવટિયો. 

એકવાર ભૂપત કોટડાની ભાઇબંધની એક વાડીની ઓરડીમાં હતો અને પોલીસ આવેલી. ઓરડી બહાર બેઠેલી વ્યક્તિને ભૂપત વિશે પૂછતા “તમે ઓરડીમાં જઈને જોઈ લો” એવો બિન્દાસ જવાબ મળતાં પોલીસે તપાસ પણ કરેલી, પરંતુ ભૂપત બહુ ચબરાક હતો. પોલીસને થાપ આપવાની બધી કળા જાણતો હતો. સરવા કાને સાંભળેલી વાતોથી તે ઓરડીમાં એવી જગ્યાએ છુપાઈ ગયો કે પોલીસ ખાતાની નજરે ન ચડ્યો અને બચી ગયો હતો. લોકવાયકા તો એવી પણ છે કે વાંકાનેરના એક ગામડાંના પોલીસ ખાતાના એક કર્મચારી સાથે ચોટીલામાં બંનેના મિત્રને ત્યાં જ સાથે જમેલા. પોલીસ કર્મચારીને ત્યારે ખબર પણ નહોતી કે તેઓ ભૂપત સાથે જમી રહ્યા છે. ચાલાક ભૂપત જમીને ત્યાંથી ચાલતી પકડેલી. 

જ્યારે ભૂપતે બહારવટું ખેડવાની શરૂઆત નહોતી કરી ત્યારે કોઈ ગુન્હાસર તેને રાજકોટ તાલુકાના સરધાર જેલમાં પૂરવામાં આવેલો અને ત્યારે પોલીસ ખાતામાં નોકરી કરતા ખેરવાના એક બાદીએ  સ્વતંત્રતા વિશેનો નારો લગાવતા તેને પણ સરધાર જેલમાં પૂરવામાં આવેલા. ત્યારે બન્ને એક પંગતમાં સાથે જમતા, એવું સાંભળ્યું છે. 

ભૂપતની ટોળકીએ છેલ્લી હત્યા મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના કમળાશંકર દવેની કરી હતી. બન્યું એવું હતું કે કમળાશંકર પોલીસખાતામાં રાજકોટ ખાતે હોમ ઇન્સ્પેકટર હતા. એમને બાતમી મળી કે ભુપત અને તેની ટોળકી કાલાવડ પાસેના જામકંડોરણા રોડ ઉપર આવેલા દાણીધાર ગામની સીમમાં છે, ત્યારે પોલીસ ડ્યુટી અરણીટીંબાના સ્વ. તખુભા રાણાની હતી, આમ છતાં કમળાશંકર પણ તેમની સાથે લુણસરના જ બીજા એક પોલીસ કર્મચારી અને અન્ય પાંચ કર્મચારી સાથે દાણીધાર પહોંચ્યા.  

ભૂપતની ટોળકી રોડથી દોઢેક કિલોમીટર અંદર એક વાડીની ઓરડીની અગાસી પર હતી. તે ઓરડી પર કમળાશંકર પહોંચીને ટોળકીને દબોચી લેવામાં જ હતા કે તેની સાથે રહેલા લુણસરના જ એક પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ટોળકીને પોલીસના આગમનની જાણ થઈ ગઈ. ભૂપત પોતે તો કોઇ પ્રતિકાર નહોતો કર્યો, પણ ભૂપતના એક સાથીદારે કમળાશંકર ઉપર ભડાકો કરતાં કમળાશંકર શહીદ થયા. સ્વ. તખુભા રાણાને ઓરડી પર ઝડપથી ઉતરવામાં ઘૂંટણમાં ઈજા થયેલી. 

કમળાશંકર સાત ભાઈઓમાં સૌથી મોટા હતા. લુણસર ભણીને ઈન્ટરવ્યૂ આપતા અને પોલીસ ખાતામાં ઇન્સ્પેક્ટરમાં પાસ થતાં નાસિક ખાતે ટ્રેનિંગ લીધેલી. ત્યારના રજવાડા વખતે માટેલ ખાતે પોલીસ થાણું હતું, ત્યાં નિમણુક થયેલી. પછી વાંકાનેર, ધ્રાંગધ્રા અને છેલ્લે રાજકોટ ખાતે ફરજ બજાવેલી. લુણસરના માજી સરપંચ સ્વ. જીતુ દવેના તેઓ ભાઈજી હતા. 

જે જગાએ દાણીધારની સીમમાં આ ઘટના બની, ત્યાં કમળાશંકર દવેનું અત્યારે મંદિર પણ છે. કમળાશંકર દવેના પુત્ર જ્યોતીન્દ્ર દવે પોલીસ ખાતામાં રાજકોટ ખાતે ડીવાયએસપી હતા, જે 2011માં રિટાયર્ડ થયા.  

લોકવાયકા એવી પણ છે કે ભૂપત કમળાશંકરને ઓળખતો હતો, તે બ્રહ્મહત્યા કરવા નહોતો માંગતો, એણે કમળાશંકરને પાછા ફરી જવા પણ કહેલું. ભૂપતે એટલે જ કમળાશંકર ઉપર ભડાકો નહોતો કર્યો. ફરજનિષ્ઠાને લીધે કમળાશંકરે મોત વહાલું કરેલું.  

ભૂપતના સાથીદારે કરેલા ગોળીબારમાં શહીદ થયેલા કમળાશંકરની હત્યા પછી પાકિસ્તાન જતા પહેલા કોટડાનાયાણીના ચોરાના મંદિર ફરતી ભૂપતે પ્રદિક્ષણા કરેલી અને પછી રાતના વાડી રસ્તે પીપળીયા, અરણીટીંબા  થઈને તીથવા અને ટોળ વચ્ચેના સીમાડે આવેલ સોનધાર તરીકે ઓળખાતી ધાર પર  ત્રણ સાથીદારો સાથે રાતવાસો કરેલ. જૂન 1952 ની આ વાત છે. સરકાર અને પોલીસ ખાતા સૌને ભૂપતે પડકાર ફેંકેલો. સૌ જાણતા આમ છતા પકડવાની કોઈની હિમ્મત ચાલેલી નહીં. તત્કાલીન વડાપ્રધાન નહેરુએ ભૂપત સામે લડવા પુનાથી ઉચ્ચ પોલીસ ઓફિસર કાનેટકરને મોકલેલા. 

સોનધારથી વાંકાનેર તાલુકાના જ એક ધાર્મિક સ્થળના વડા તેમને ઘોડી પર બેલા (મોરબી) ગામે મૂકી આવેલા અને ત્યાંથી બીજા એક માણસે જાતવાન ઘોડી ઉપર તેને પાકિસ્તાન સુધી મૂકી આવ્યાની પણ લોકવાયકા છે. 

પાકિસ્તાન ગયા પછી તેની ઈચ્છા થોડા સમય પછી પાછા ભારત આવવાની હતી, પણ એ શક્ય ન બન્યું અને તે પાકિસ્તાન જ રોકાઈ ગયો. પાકિસ્તાનમાં તેના પર ગેરકાયદેસર પ્રવેશ બદલ કેસ થયો અને એક વર્ષની સજા પણ પડી. આ સજા ભોગવીને ભુપત પાકિસ્તાન સ્થાયી થઈ ગયો. પાકિસ્તાનમાં તેણે મુસ્લિમ ધર્મ અંગિકાર કરીને અમીન યુસુફ નામ ધારણ કરેલું. ભૂપતને ચાર દીકરા અને બે દીકરીઓ હતી. પછી તેણે પોતાના સાથીઓને મળવાનું કે પોતાના ખૂનખાર ભૂતકાળને યાદ કરવાનું છોડી દીધું હતું. જોકે તેને વારંવાર ભારત આવવાની ઈચ્છા થતી હતી પણ એ  ઇચ્છા ક્યારેય પૂરી ન થઇ. 2006 માં પાકિસ્તાનની ધરતી પર જ દફન થયો.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!