બોલેરો લઈને નીકળી ગયો: સ્ટાફના મોઢા ઉપર થપ્પડ મારી
વાંકાનેર: હાઇવે રોડ ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા ઉપરથી બોલેરો ગાડીનો ચાલક તેની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટોલ પ્લાઝાના બુમ બેરીયરને ટક્કર મારીને તોડી નાખવામાં આવ્યું હતું અને ટોલ પ્લાઝાના સ્ટાફ ઉપર હુમલો કરીને ધમકી આપી હતી જેથી ટોલ પ્લાઝાના મેનેજરે પોલીસ સ્ટેશને અરજી આપી છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર મુકેશકુમારે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે જેમાં જણાવ્યુ છે કે, તા. 8 એપ્રિલના રાત્રીના 12:25 વાગ્યે બોલેરો ગાડી નંબર જીજે 10 ટીવાય 0847 પસાર થઈ રહી હતી અને તે ગાડી વઘાસીયાના સંજયસિંહ ચલાવી રહ્યા હતા તેઓએ ટોલ પ્લાઝાની લેન નં. 12 ના બુમ બેરીયરને ટક્કર મારીને તોડી નાખ્યું હતું અને 

ટોલ ફી ચૂકવ્યા વગર વાહન પસાર કર્યું હતું આમ ટોલ પ્લાઝાની સંપત્તિને નુકશાન કરેલ છે આટલું જ નહીં ત્યાર બાદમાં આરોપી ડ્રાઈવરે ટોલ બુથ ઉપર આવીને ટોલ કલેકટર સ્ટાફ અરુણ માણિકરાવ ક્ષીરસાગર ઉપર હુમલો કર્યો હતો અને તેને મોઢા ઉપર થપ્પડ મારી હતી. તેમજ ટોલ પ્લાઝાના તમામ સ્ટાફને ધમકીઓ આપી હતી જે સમગ્ર ઘટના ત્યાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. જેથી કરીને હાલમાં ટોલ પ્લાઝાના મેનેજરે પોલીસને અરજી આપીને તાત્કાલિક ગુનો નોંધીને આરોપીને પકડીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે…

