કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-1

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા’

જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ

રાજ અમરસિંહજી નાના હોવાથી વાંકાનેર રાજનો કારભાર અંગ્રેજોએ મૂકેલ ચુનીલાલ નામનો કારોભારી ચલાવતો હતો
વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા કુટુંબના ખેડુને થયેલા અન્યાયનો અંતરમાં મોટો ખટકો છે. રાજની ભેર કરનાર ખેડુને અંગ્રેજની કોઠી સુધી આંખે ચઢાવનાર કારભારી પાસે કોઇ કરામત્ય કામ આવતી નથી, એટલે એ સમસમીને બેસી રહ્યા છે

(તીથવાની નદીમાં મોમીનોના મુખ્ય આગેવાનોની મીટીંગ મળી. આ વાત લગભગ સવાસો વરસ પહેલાની છે. રાજ અમરસિંહજી નાના હોવાથી વાંકાનેર રાજનો કારભાર અંગ્રેજોએ મૂકેલ ચુનીલાલ નામનો કારોભારી ચલાવતો હતો. રાજને આપવો પડતો ‘વજે’ બાબતે વાંકાનેરના મોમીન ખેડૂતોને વાંધો પડયો, મીટીંગમાં વાંકાનેર છોડી કાયમ માટે જુનાગઢ જતા રહેવાનું નકકી થયું. મસલત માટે જુનાગઢના નવાબને મોમીન સમાજના પાંચ-છ આગેવાનો મળ્યા પણ ખરા. મોમીન જેવા મહેનતુ સમાજને નવાબે આવકાર આપ્યો, એટલું જ નહિં, પણ સહધર્મી સમાજ માટે ખાસ ઉમળકો બતાવ્યો. જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ.

મુસ્લિમના આવતા તહેવાર બાદ વાંકાનેર છોડી જૂનાગઢ જવાનો દિવસ પણ નક્કી થઇ ગયો. આ વાતની જાણ કારોભારી ચુનીલાલને થતા તે ગભરાયો અને ગમે તેમ કરીને ઉચાળા ભરતા મોમીન સમાજને રોકવા આગેવાનો સાથે મસલતો કરી. સમાજના કુટુંબો – કુટુંબોના આગેવાનો વચ્ચે ફાટફૂટ પડાવવાનું રાજકારણ પણ રમ્યો. અનાજનો ભાગ આપવાનું ‘માપિયું” ઉધું કરીને વજે આપવાની દરખાસ્ત મૂકતા મોમીનો સહમત થયા, કારણ કે ઉંધા માપિયામાં તો પાલી – બે પાલી અનાજ જ સમાય, જે વજેભાગમાં અનાજ પહેલા વધુ આપવું પડતું હતું.  

મોમીનોને વાંકાનેર ન છોડવા કારોભારીએ સમજાવી તો લીધા, પણ તેના મનમાં દંશ રહી ગયેલો. તપાસ કરતા તીથવા નદીમાં મળેલી મીટીંગ અને જુનાગઢ જઇ સ્થાયી થવાનો સમગ્ર ઘટનામાં રાતીદેવરીના માથકિયા જલાલદાદાની આગેવાની હેઠળ રચાયો જાણીને ચુનિલાલે તેમને વાંકાનેર રાજમાંથી તડીપાર કરેલા. સમાજની આગેવાની લેવાની તેમને સજા મળી. દેશવટો મળ્યો. માથકીયા કુટુંબના આ દાદાને રાજમાતાએ ભાઈ બનાવેલા. આગળની વાત ફૂલછાબ દૈનિકમાં પ્રગટ થયેલી દોલત ભટ્ટની કલમે નિચે મુજબ વાંચો: નઝરૂદીન બાદી

વાંકાનેર પરગણાના રાતીદેવળી ગામ માથેથી અભિસારિકાના ઉર જેમ આકળવિકળ થતી રાત દડી રહી હતી. અંબરને ઓરડે કામદેવના છત્ર જેવો ચંદ્ર શોભી રહ્યો હતો. ક્રોધથી ભભૂકેલી ભામિનીની ટૂંકી ભ્રમર જેમ વંકા વહેણે મચ્છુ મૂંગી બનીને વહી રહી હતી. 

એવે ટાણે જલાલ નામનો ખેડુ પોતાની ઘરવખરીનાં ગાડા ભરી રહ્યો હતો. સરસામાનને ઓરડામાંથી ઉતારી રહ્યો હતો. કઠણ કાળજુ કરીને માથકિયા નુખનો મુમનો ખેડુ પંડયના દીકરા અમીને વારે વારે ટપારતો બોલી રહ્યો હતો. ‘ભાઇ અમી, પથારી પાગરણના વીંટા કરો, ગાયું ભેંશુની સાંકળુ છોડો, હળ સાંતી, બેલીને રપટાને ગાડે બાંધો, જો જે ભાઇ, કોઇ જણસ રઇ નો જાય…’ 

બાપના બોલે જુવાન અમી સાત પેઢીના ખોરડાને ખાલી કરતા આખરી આંખ ફેરવી રહ્યો હતો. 

જલાલભાઇ એટલે રાતીદેવળીનો માતબર ખેડુ. ધીંગી ધરા હારે બથોડા લઇને ધાનના ઢગલા પેદા કરતો પાવરધો પાક માણસ. અલ્લાહમાં ઇતબાર રાખીને રોટલો રળી ખાનાર ખમીરવંતો ખાનદાન ખેડૂત. 

પણ આજ જલાલ માથે વાંકાનેર રાજના કારભારીની કરડી નજર થઇ છે. રાતીદેવળી ગામ માથે દેવતાઇ દીવો ઉગે એ પહેલા રાતીદેવળીના સીમાડા છોડી દેવાનું ફરમાન છૂટયું છે. 

વાત એમ બની હતી કે વાંકાનેર માથે અંગ્રેજ સરકારનો કારભારી બેઠો છે. રાજના ટીલાત કુમારની કુમળી વય છે. બામાસાહેબ દેખભાળ રાખે છે. કારભારીની કલમ રૈયતને કનડી રહી છે. ગળે આવી ગયેલા ગામડાના ખેડુએ કંટા કારભારી સામે બંડ જગાડયું. સાંતી છોડી નાખ્યા. જોડી ખેતરોના વાવેતર પડતા મૂકયા. એમાં રાતીદેવળીનો જલાલભાઇ મોવડી લેખાણો. કલમના કાળા દાવે ગામડાના ખેડુને ભાંગ્યા. કંઇકને ભોળવ્યા. કારભારીએ પડતર જમીનમાં પાછા વાવેતર કરાવ્યા પણ રાતીદેવળી માથે કારભારીનો કાળજાળ આંખના તેજ તણખા વેરાયા. જલાલ માથકિયાને ફરમાન કર્યું કે  ‘તમારે વાંકાનેર રાજની હદ છોડીને ચાલ્યા જવું’. 

જલાલ માથકિઓ પણ જવાળા જેવો થઇને ઉભો રહ્યો. એને ગરીબી ગાવી નોતી. શરણાગિત સ્વિકારવી નહોતી. કારભારીનું ફરમાન  થતા બળદોને ઘરે નાખી કુટુંબકબીલાને લઇને રાતીદેવળીને રામરામ કરીને હાલી નિકળ્યો. ત્યારે છલકાતા સરોવરમાં વિહરતી માછલીની પૂંછડીના પહારે પદમની પાંખીએથી ખરી પડેલી ઝાકળ જેવું ભીનું-ભીનું પરોઢ પગલા પાડી રહ્યું હતું.  

રાતીદેવળી ગામથી નિકળેલા જલાલ માથકિયાના ગાડા ઘુનડા નામના ગામમાં છૂટયા. જમીન તો મળે નહિં, બાપ દિકરે દાડી-દપાડી કરી દિન ગુજારો આદર્યો. રાતીદેવળી ગામના ઘરખોરડાને જમીનને સંભારતા સંભારતા. આ ઈસ્માઇલી મોવડી મનને મજબૂત રાખીને રાત દિનો પંથ કાપી રહ્યો છે. વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા કુટુંબના ખેડુને થયેલા અન્યાયનો અંતરમાં મોટો ખટકો છે. રાજની ભેર કરનાર ખેડુને અંગ્રેજની કોઠી સુધી આંખે ચઢાવનાર કારભારી પાસે કોઇ કરામત્ય કામ આવતી નથી, એટલે એ સમસમીને બેસી રહ્યા છે. 

એક દિ’  જલાલભાઇનો દીકરો અમી પુગ્યો રાજકોટ. તે દિ’ રાજકોટની રાજકુમાર કોલેજમાં વાંકાનેરનો કુંવર અમરસિંહજી ભણતર ભણે, પંદરેક વરસની ઉગતી અવસ્થા. અમીભાઇ આવ્યો રાજકુમાર કોલેજને આંગણે, અંતરમાં ઉચાટ હતો. ‘એકસો એક ગામનો આવતી કાલનો ધણી એમ કાંઈ થોડો મળશે? તોય મળી જાય તો ભારે કામ થઇ જાય’, એવા ભરોસાનો ભાર લઇને ઉભો. 

ટીલાત કુંવર અમરસિંહજી આવીને ઉભો રહ્યો એટલે અમીએ અદબ રાખીને વાત માંડી. 

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા. કારભારીએ અમને વાંકાનેરના સીમાડા છોડાવ્યા’. 

અમી બોલતો જાય છે, ને કિશોર અવસ્થાનો રાજકુંવર રૈયતની રાવ સાંભળતો જાય છે. 

અંતરમાંથી ઉછળી ઉછળીને ઉઠતી અમીરાતને આંખ વડે ઢોળતો જાય છે. અમી વાતનો ત્રાગડો તોડયા વગર વેણને છોડતો જાય છે. અમીએ હતી એટલી બધીયે હૈયાવરાળ ઠાલવી દીધી. 

પંદર વરસની ફૂલગુલાબી અવસ્થાવાળા કુંવરના હોઠ ફફડયા. ‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’ 

ભલે બાપુ બોલીને અમી પાછો વળી ગયો. પગ રસ્તે પંથ કાપતો અમી જયારે ઘુનડે પહોંચ્યો ત્યારે જલાલ દીકરાની વાટ જોતો ખડકીના ઓટલે બેઠો હતો. દીકરાને જોતા જ જલાલે સવાલ પૂછ્યો ‘’કાં બાપુ ભેળા થયા?’’ 

‘’હા’’ બેટાના મોં માંથી નિકળેલા ‘હા’ શબ્દમાં જલાલને જાણે જુગ જીત્યાનો ડંકો સંભળાયો. 

‘’શું બોલ્યા બાપુ?’’ 

‘’બીજું તો કાંઈ બોલ્યા નહિં, પરથમ તો કાન માંડીને બધું યે સાંભળ્યું’’  

‘’પછી?’’ જલાલની આતુર આંખો દીકરા અમીની આંખ સાથે જાણે કે જડાઈ ગઈ. 

 ‘’પછી એટલું બોલ્યા કે વખત વખતનું કામ કરશે’’ 

(ક્રમશ:) 

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!