કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર તાલુકામાં રમઝાનમાં અપાતી ખયરાત યોગ્ય પાત્રને અપાય છે ખરી?

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો

ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો?

વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ ઇમદાદ રમઝાનમાં આપી દે છે. કોઈ કોઈ ભિખારી તો એકાદ લાખ કમાઈને જાય છે
વાંકાનેર તાલુકામાં જ બંધાતી મસ્જીદો અને મદ્રેસાઓમાં ફાળો આપવાનું નકકી કરો તો જ  આવા તત્વોનાં આગમન પર લગામ લાગશે. હેવાયા થયેલા આ લોકોને ભુલાવવા જરૂરી છે

ઈસ્લામમાં ખયરાતનું ખાસ મહત્વ છે. જરૂરિયાતમંદ ફકીરોને અપાતી ઈમદાદના અઝર જરૂર મળતો હોય છે, પરંતુ આ ઇમદાદ યોગ્ય જરૂરિયાતમંદને અપાય એ પણ એટલું જ જરૂરી છે. રમઝાન માસમાં વાંકાનેર તાલુકામાં ચંદો એકઠા કરનારા અને માંગનારાની ટોળીની ટોળી ઉતરી પડે છે, જેમાં ગુજરાત બહારથી આવનારાઓ પણ હોય છે. રાજસ્થાન, યુ.પી., મધ્ય પ્રદેશ, તામીલનાડુ અને ઠેઠ કાશ્મીર સુધી વાંકાનેર તાલુકાની એવી કુખ્યાતી ફેલાઈ ગઈ છે કે અહીંના મોમીનોને આસાનીથી મૂર્ખ બનાવી શકાય છે, એ વિસ્તારમાંથી પણ મસ્જિદ અને મદ્રેસાના નામે ફાળો ઉઘરાવવા અહીં આવે છે. મકાન, મસ્જીદ કે મદ્રેસાના ફાળા ફોટાઓ- એસ્ટીમેન્ટ સાથે રાખી, માનસિક રીતે અસર ઉભી કરવા એકને બદલે બે-ત્રણ જણા સાથે મળીને ચંદો કરતા હોય છે. 

ચંદાની અપાતી ઘણી પહોંચમાં ટ્રસ્ટ નંબર કે બેન્ક ખાતાની કોઇ વિગત હોતી હોતી નથી કે સંપર્ક નંબર પણ હોતા નથી. ગુજરાતીને બદલે તેમની સ્થાનિક ભાષા તેલગુ અથવા ઉર્દુમાં પહોંચ અપાય છે, વાંકાનેર તાલુકામાં ચંદો આપનારા ઘણા આ વાંચી શકતા જ નથી. મસ્જીદ કે મદ્રેસાનું નામ પડતા ઇમદાદની રકમનો આંક ઉંચો રાખવા સામાવાળા આગ્રહ રાખે છે. યાદ રહે- પહોંચ બુક છપાવવી એ કોઈ અઘરી વાત નથી.

મસ્જીદના બાંધકામ માટે ઠેઠ આપણા વાંકાનેર સુધી લાંબા થવાની હકીકત શંકા ઉપજાવનારી છે. ફોટા, એસ્ટીમેન્ટ કે અપાતી પહોંચની સત્યતા ઉપર પણ શંકા ઉપજે છે. ગુજરાત કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા કે અન્ય વિસ્તારના મુસ્લિમો કંઈ એટલા ગરીબ નથી કે મસ્જિદ, મદ્રેસાના ફાળા માટે બહાર રખડવું પડે. સ્થાનિક જિલ્લાનાં મુસ્લિમોની મદદથી જ બાંધકામ થઇ શકે તેમ હોય છે. 

ફાળો આપવો સવાબનું કામ છે, પરંતુ મુર્ખ બનવામાં કોઇ સવાબ નથી. આવા લેભાગુ તત્વોને ચંદો આપી ભીખારી વર્ગ ઉભો કરવામાં કોઇ શાણપણ નથી. આ થકી ઇસ્લામની કોઇ ખિદમત કર્યાનો મિથ્યા સંતોષ લેવા જેવો નથી. ઇમદાદ કરો- ખૂબ કરો, પરંતુ ખરાઇ કરો કે તમારી બનાવટ તો નથી થતીને? મસ્જીદ – મદ્રેસાના નામે ખાનગી ખિસ્સા તો નથી ભરાતાને? 

આનાથી બચવા વાંકાનેર તાલુકામાં ચાલતી ધાર્મિક સંસ્થાઓને જ ફાળો આપો. બહારના તત્વોને ફાળો આપી મુર્ખ બનવા કરતા તેટલી રકમનો વાંકાનેર તાલુકામાં ચાલતા મદ્રેસામાં વધુ ફાળો આપો.  બહારના લોકોને તમારે ઈમદાદ કરવી જ હોય તો ‘એકાઉન્ટ પે’ ના ચેકથી ચંદો આપો. ચેક લેવાનો ઇન્કાર અથવા વ્યક્તિગત નામથી ચેક લખવાની તેમની માંગણી સામે ઝુકશો નહીં અને તો ય યાદ રાખજો કે માંગનારા કમિશનીયા હોય છે. તમે આપેલી રકમમાંથી 50 થી 60 ટકા એમનું કમિશન હોય છે. બધા લોકો ખોટા જ હોય છે, એવું કહેવાનો અમારો ઇરાદો નથી. પરંતુ કહેવાનો આશય એ છે કે તમારી ઇમદાદ લેખે લાગવી જોઇએ. 

આવું જ રમઝાન માસમાં માંગવા આવતા ફકીરોનું છે. તમે ઘણી વાર છાપામાં વાંચ્યું હશે કે ભિખારી પાસેથી લાખો રૂપિયા નિકળ્યા, પગ કપાયેલો ન હોવા છતાં પાંયચો પહોળો રાખી પગ વાળીને લંગડો હોવાનો ઢોંગ કરતો ફકીરનો વિડિઓ પણ તમે જોયો હશે, જોયું હશે કે મુસ્લિમના મુબારક દિવસે ફકીરો દરગાહથી બહાર ચલમ પી રહ્યા છે. ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો?  

હકીકતમાં એ લોકો માંગવાને હકદાર જ નથી હોતા. તપાસ કરશો તો ખબર પડશે કે તમારા કરતા વધુ સારી એશોઆરામની ઝીંદગી ઘરે જીવતા હોય છે. રોઝા- નમાઝનો એમને સ્નાન- સૂતકનો પણ સંબંધ નથી હોતો. સાચા ફકીરને મદદ કરી દુઆ મેળવો, પણ આવા કામચોરોને જાકારો આપો. કામચોરોને ભીખ આપવામાં કોઇ સવાબ નથી, બલ્કે તમે તંદુરસ્તને આપીને ગુનાહમાં ભરાવ છો. તમારી ભીખમાં અપાતી રકમ દારૂ પીવામાં કે ઐયાશી કરવામાં ખર્ચાતી નથીને? તેની ખાત્રી કરો. આવા લોકોને ખયરાત આપવાનો ઇન્કાર કરતા શીખો. સમૂહમાં રીક્ષા ભાડે કરી ગામે ગામ રખડતા અને રાત્રે નાલા- બસ સ્ટેન્ડે રહેતા આ લોકો પરહેઝગાર હોય છે ખરા? 

વાંકાનેર તાલુકામાં ૧૫,૦૦૦ ઘર લગભગ મોમીનોના વસે છે. ઘર દીઠ બીતા બીતા લખીએ તો પણ બે હજારેક રૂપિયાની ખયરાત અલ્લાહના નામે કરવામાં આવે છે. આ હિસાબે વાંકાનેર તાલુકાના મોમીનો બહારના આવા તત્વોને દોઢેક કરોડથી વધુ ઇમદાદ રમઝાનમાં આપી દે છે. કોઈ કોઈ ભિખારી તો એકાદ લાખ કમાઈને જાય છે. અમારા ધ્યાનમાં એવી હકીકત આવી છે કે રમઝાનમાં ગૈર-કોમની સ્ત્રીઓ ઇસ્લામી લિંબાશ પહેરી માંગવા નિકળી પડે છે. ઇમદાદ મેળવવા રાખેલી દાઢી રમઝાન પછી પુરૂષો કાઢી નાખતા હોય છે- લીલા ઝભ્ભા ફેંકી દે છે. એ લોકોને કુરઆનશરીફની એક સૂરત પણ આવડતી હોતી નથી. ખરાઈ કરજો.

ભિખારી વટથી માંગતા હોય છે. નરમાશ એના અવાજમાં હોતી નથી, કેટલાક તો ‘આટલા આપો તો જ લઈએ’ એવો આગ્રહ રાખતા હોય છે. જો ન આપો અથવા ઓછું આપો તો બદદુવા કરતા પણ અચકાતા નથી. એમાંય આપણા વિસ્તારમાં પુરુષ વર્ગ મોટા ભાગે ઘરે હોતો નથી, બહેન, દીકરીઓ કે મોટી ઉંમરના અમ્મા ઘરે હોય છે. અલ્લાહનો વાસ્તો આપીને હટ્ટા-કટ્ટાથી પનારો છોડાવવા ભીખ આપવી પડતી હોય છે.  

વાંકાનેર તાલુકામાં જ બંધાતી મસ્જીદો અને મદ્રેસાઓમાં ફાળો આપવાનું નકકી કરો તો જ આ બદીથી બચી શકાશે. તત્વોનાં આગમન પર લગામ લાગશે. એકલ-દોકલથી આ નહિં બને. વાંકાનેર તાલુકાના તમામ મોમીનભાઇઓ નકકી કરે તો જ આ બદીથી બચી શકાશે. હેવાયા થયેલા આ લોકોને જો નહીં ભુલાવો તો એક દિવસ એવો આવશે કે રમઝાનમાં આવા લોકોને ગામમાં આવતા અટકાવવા છોકરાઓની ટીમ બનાવવી પડશે, જે ગામમાં ગરતા રોકે. પાણી માથા સુધી આવે તે પહેલા જાગો. માંગનારાને આપશો તો એની ઔલાદ પણ માંગણ જ બનશે- એને માંંગણ જ બનાવી રાખવાનું પાપ તો તમે નથી કરતા ને ? એના કરતા મદ્રેસામાં આપો કે આવનારી આપણી પેઢી ઇસ્લામના અરકાન શીખે, નેક પરહેઝગાર બને.  

આટલું જાણ્યા પછી તમારું દિલ જો માનતું હોય તો બેશક આપશો. ઇસ્લામમાં ઝકાત, ફીતરા, ખૈરાત, સદકાના મળતા સવાબથી ઇન્કાર નથી . અમારી વાત યોગ્ય લગતી હોય તો આ લેખ સમાજમાં ઘરેઘરે શેર કરજો. પરવરદિગાર મને, તમને અને સૌને નેક હિદાયત આપે ! (આમીન) આલેખન: નઝરૂદીન બાદી.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!