ચીફ ઓફિસર પ્રજાજનોને ઉઠા ભણાવતા હોય તેવું લાગે છે
નવા ફિલ્ટર પ્લાન્ટને તાકિદે શરૂ કરવા પ્રજાજનોમાં ઉઠતી માંગ
વાંકાનેર શહેરની એક લાખની જનતાના લમણે ઝીંકાય છે ગંધાતું ગંદું પાણી
કેનાલની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે છે: ચીફ ઓફિસર
વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વાંકાનેર શહેરમાં ગટરનાં ગંદા પાણીનું પીવાના પાણી તરીકે વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને સાથે જ શહેરમાં ગંભીર પાણીજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત ફેલાઇ છે, જેથી કોઇ અનહોની ઘટના ન બને તે પૂર્વે શોભાના ગાંઠીયા સમાન બનેલા નવા ફિલ્ટર પ્લાન્ટનો યોગ્ય ઉપયોગ કરી શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે.
આ બાબતે વાંકાનેર નગ૨પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરને પાણી વિતરણ કરવામાં આવે છે, તે કેનાલની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે છે. જે પ્રશ્ન એકાદ બે દિવસમાં હલ થઇ જશે.
ચીફ ઓફિસર પ્રજાજનોને ઉઠા ભણાવતા હોય તેવું લાગે છે. કારણ કે કેનાલ રીપેરીંગ દર વર્ષે થાય છે, ત્યારે આ વર્ષે જ ડહોળું પાણી કેમ આવી રહ્યું છે? વળી કેનાલ અત્યારે વાંકાનેર શહેરથી નીચાણમાં આવેલા તીથવા અને સિંધાવદરમાં રીપેર થઇ રહી છે. જાણકારોનું કહેવું છે કે કેનાલ રીપેરીંગ અને આ ડહોળા પાણીને કાંઈ લેવા-દેવા નથી, પણ પાણીનો સમ્પ સાફ કરવાની જરૂર છે.
છેલ્લા લાંબા સમયથી વાંકાનેર શહેરમાં પાછી વિતરણ વ્યવસ્થા અનયમિત અને નાગરિકોને પીવા માટે અપાતું પાણી એકદમ ગંદકી યુક્ત લાલ રંગનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો કચવાટ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી – ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, છતાં નીંભર પાલિકા તંત્ર લોકોની સમસ્યા દૂર કરવા જરા પણ તૈયાર નથી. ત્યારે હવે પ્રજાજનોની ધીરજનો અંત આવી ગયો છે. હવે પાલિકા તંત્ર પ્રજાલક્ષી કામો સાથે ડહોળુ પાણી સત્વરે બંધ નહીં થાય તો આગામી સમયમાં પાલિકા સામે આંદોલન છેડવામાં આવશે. તેવી ચીમકી અપાઇ રહી છે.