નમૂનાના માટે લઇ ગયેલા સોનાના દાગીના પાછા ન આપ્યા
વાંકાનેર, પીપરડી અને નવી કલાવડી ગામના જોડાયેલા તાર
વાંકાનેરના પીપરડી ગામે પોતાની ભાણેજની સગાઈ કરાવી રોકડા રૂપિયા અને દાગીના બનાવવા માટે નમુનાની જરૂર હોય તેમ કહીને સોનાના દાગીના લઈ જઈ ઇસમે છેતરપિંડી આચરી હોવાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
વાંકાનેરના પીપરડી ગામે રહેતા ગફારભાઇ આહમદભાઇ ચારોલીયાએ આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે દોઢ મહિના પહેલા તમાચીભાઈ તેમના ગામમાં રહેતા અન્ય એક વ્યક્તિ સાથે ગફારભાઈના ઘરે આવ્યા હતા અને એવી વાત કરી હતી કે ગફાર ભાઈના સાળાની સગાઈ કરવાની બાકી હોય અને તમાચીભાઈની ભાણેજ નૂરજહાંની પણ સગાઈ કરવાની હોય તો જો બંનેને મનમેળ આવે તો સગાઈ કરાવી દઈએ.
સગાઈ વખતે રૂપિયા ૩૦ હજાર ગફારભાઈએ આપવાના અને પછી રૂપિયા ૧૫ હજાર આપવાના રહેશે. કરિયાવર વખતે નૂરજહાંને જે કોઈપણ સોના ચાંદીના દાગીના કરવાના થાય, તે ગફારભાઈ કરી શકે છે; તેવી વાત તમાચીભાઈએ કરતા ગફારભાઇએ તેના ફુવા સસરા ફતેમામદભાઇ બાદી, પોતાના સાળા અનવરહુશેન અને જેની સગાઇ કરવાની હતી, તે જાકીરહુશેનને વાત કરી હતી.
બધા તરફથી સંમતિ મળ્યા બાદ વાત આગળ ચાલી હતી અને ખીલોસ ગામ ખાતે ગફારભાઈના પરિવારજનો છોકરી જોવા ગયા હતા. જ્યાં તમાચીભાઈ તેની ભાણેજ નૂરજહાંને લઈને આવેલા હતા. જાકીર હુસેન અને નૂરજહાંની ત્યાં સગાઈ કરવામાં આવી હતી અને સગાઈ વખતે ફતેમામદભાઇ બાદીએ તમાચીભાઈને એક સોનાનો નાકનો દાણો ૧૪૦ મીલીગ્રામનો, ચાંદીની પગની ઝાંઝરી ૫૦ ગ્રામ, માથે ઓઢવાની ચુંદડી, એક જોડી કપડા, અને રૂ.૧૫,૦૦૦ આપ્યા હતા. બે દીવસ બાદ આરોપી તમાચીભાઇ ફતેમામદભાઈ બાદીના ઘરે ગયા હતા અને સગાઇ માટે નક્કી કરેલ રૂ.૩૦,૦૦૦ લઇ ગયા હતા.
સગાઈના ૧૫ દિવસ બાદ તમાચીભાઈ ફરી ફતેમામદભાઈ બાદીના ઘરે ગયા હતા અને કરિયાવરમાં આપવા માટે રૂપિયા ૩૦ હજારની કિંમતની કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી એવું કહીને લઈ ગયા હતા કે કરિયાવર સમયે આ બુટ્ટી આપી દેશુ. આ ઘટનાના ૧૫ દિવસ પછી એટલે કે તારીખ ૨૭/૦૮/૨૦૨૩ના રોજ તમાચીભાઈ ગફારભાઈના ઘરે આવ્યા હતા અને ગફારભાઈની પત્નીને એવું કહ્યું હતું કે, મારા બે દીકરાની સગાઈ કરવાની હોય જેથી સોનાના દાગીના બનાવવાના હોય તેના નમૂના માટે તમારા સોનાના દાગીના આપો. મારા દાગીના બની જશે એટલે તમારા દાગીના પાછા આપી દઈશ. એમ કહીને તમાચીભાઈએ એક સોનાનો હાર, એક સોનાનો દોરો, કાનમાં પહેરવાના ઇયરીંગની સોનાની એક જોડી, કાનમાં પહેરવાની એક તુટેલી સોનાની કડી, કાનમાં પહેરવાની સોનાની બુટી સહિત ૯ તોલા સોનાની માંગણી કરી હતી.
જે દાગીના ગફારભાઈના પત્નીએ તમાચીભાઈને આપ્યા હતા. જે બાદ ગફારભાઈએ આરોપી તમાચીભાઈ પાસેથી દાગીનાની માંગણી કરતા તમાચીભાઈએ એવું જણાવ્યું હતું કે, હું નમુના માટે તમારા પત્નીના સોનાના દાગીના લઈ ગયો છું. તમને બે દિવસમાં પાછા આપી દઈશ તેવી વાત કરી હતી. જે બાદ ગફારભાઈના ધ્યાનમાં એવું આવ્યું હતું કે, તમાચીભાઈની ભાણેજ નૂરજહાંની સગાઈ નવી કાલાવડી ગામે રહેતા ગફારભાઈના મામા હુસેનભાઇ બાદીના દીકરા ઇમરાન સાથે બીજી વખત કરવામાં આવી હતી. આ મામલે ગફારએ તમાચીભાઈને પૂછતા તેમણે એવું જણાવ્યું હતું કે આ વાત ખોટી છે. અને આ જ દિવસ સુધી તમાચીભાઈએ ગફારભાઈની પત્ની પાસેથી લઈ ગયેલા નવ તોલા સોનાના દાગીના પાછા આપ્યા નથી, તેમજ ફતેમામદભાઈ બાદી પાસેથી સગાઈના નામે લઈ ગયેલા રૂપિયા ૭૫ હજાર પણ પાછા ન આપીને છેતરપિંડી આચરી હતી. આ ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મુમજીભાઇ રામજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ