વાંકાનેર રોડ પર આર. કે. હબ પાસે અકસ્માત થયો હતો
રાજકોટના સુર્યારામપરા ગામના તત્કાલિન સરપંચ અને બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધા સાથે જોડાયેલા અશોકભાઈ વાલજીભાઈ ઝાલા તા.04/05/2021ના રોજ પોતાની કાર ચલાવીને કુવાડવાથી પોતાનાં ગામ સુર્યારામપરા જતા હતા ત્યારે વાંકાનેર રોડ, આર. કે. હબ પાસે પહોંચતા કન્ટેનર ટ્રક નં. ટીએસ-15- યુએ-5763નાં ચાલકે કારને હડફેટે લેતાં ગંભીર ઈજાઓ થતા અશોકભાઈનું મૃત્યુ થયેલ હતું.

જે અંગેનો કલેઈમ કેસ ગુજરનારનાં વારસદારોએ રાજકોટ ટીબ્યુનલમાં તા. 19/05/2021માં દાખલ કર્યો હતો. કેસમાં દલીલ કરાઈ હતી કે, મૃતક અશોકભાઈ બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા હતા. તેમનાં કુટુંબનાં અન્ય પાંચ સભ્યોનું ભરણપોષણ કરતા હતા. ઈન્કમટેક્ષ રીટર્ન ભરતા હતા. ગુજરનારના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે, કોર્ટમાં ઈન્કમટેક્ષ ઓફિસર દ્વારા ગુજરનારનાં આવક અંગેનાં જે ઈન્કમટેક્ષ રીટર્ન રજુ કરાયા છે. જેમાં જે વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન મહત્તમ હોય તે આવક ધ્યાનમાં લઈને ગુજરનારનાં વારસદારોને વળતર મળવાપાત્ર છે.

દલીલને અનુરૂપ સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટ રજુ કરવામાં આવેલ. જે ધ્યાનમાં રાખી રાજકોટ ટ્રીબ્યુનલે ગુજરનારની ઉંમર ધ્યાને લઈને 25 ટકા ફયુચર પ્રોસ્પેકટીવ આવક ધ્યાનમાં લઈને આ કલેઈમ કેસમાં વ્યાજ સહીત રૂા.83,00,000 થી વધારે વળતરની રકમ મંજુર કરતો હુકમ કર્યો હતો.

આ કેસમાં સુર્યા રામપરા ગામના તત્કાલિન સરપંચ સ્વ.અશોકભાઈના વારસદારો વતી કલેઈમ કેસના નિષ્ણાંત વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), તથા આસીસ્ટન્ટ તરીકે, દિનેશ ડી. ગોહેલ તથા જતીન પી. ગોહેલ તથા જયેશ મકવાણા વગેરે રોકાયેલ હતા.
